Business

બૅન્કોએ મિનિમમ બેલેન્સના બહાને ગ્રાહકો પાસેથી 26,710 કરોડ વસૂલ્યા, રાજ્યસભામાં ખુલાસો

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
સરકારે સંસદમાં માહિતી આપતાં જણાવ્યું કે, છેલ્લા 4 નાણાકીય વર્ષોમાં બૅન્કોએ મિનિમમ એવરેજ બેલેન્સ ન જાળવવા બદલ ગ્રાહકો પાસેથી ₹26,170 કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે. FY26માં જ ₹7,086.63 કરોડનો દંડ વસૂલાયો, જેમાં ખાનગી બૅન્કોનો હિસ્સો ₹4,948.71 કરોડ હતો. HDFC બૅન્ક ₹1,798.14 કરોડ સાથે ખાનગી બૅન્કોમાં અગ્રેસર રહી. SBI એ સરકારી બૅન્કોમાં ₹477.27 કરોડનો સૌથી વધુ દંડ નોંધાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

બૅન્કોએ મિનિમમ બેલેન્સના બહાને ગ્રાહકો પાસેથી 26,710 કરોડ વસૂલ્યા, રાજ્યસભામાં ખુલાસો

Minimum Balance Penalty: જો તમારા બૅન્ક ખાતામાંથી ક્યારેય તમારી જાણ વગર પૈસા કપાઈ ગયા હોય, તો બની શકે કે તે મિનિમમ એવરેજ બેલેન્સ(MAB) ન જાળવવાનો ચાર્જ હોય. સરકારે સંસદમાં માહિતી આપતા જણાવ્યું છે કે છેલ્લા 4 નાણાકીય વર્ષો(FY23-FY26)માં બૅન્કોએ ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ કુલ ₹26,170 કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે. આ દંડમાં સૌથી મોટો હિસ્સો ખાનગી બૅન્કોનો રહ્યો છે.

નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આપેલા લેખિત જવાબમાં જણાવ્યું કે માત્ર FY26માં જ બૅન્કોએ ₹7,086.63 કરોડનો દંડ વસૂલ્યો હતો, જેમાં પ્રાઇવેટ બૅન્કોએ ₹4,948.71 કરોડ અને સરકારી બૅન્કો (PSBs)એ ₹2,137.92 કરોડ વસૂલ કર્યા છે.

HDFC બૅન્ક સૌથી આગળ, એક્સિસ બૅન્ક બીજા ક્રમે

ખાનગી બૅન્કોની વાત કરીએ તો HDFC બૅન્કે FY26માં ₹1,798.14 કરોડનો સૌથી વધુ દંડ વસૂલ્યો છે. ત્યારબાદ એક્સિસ બૅન્ક બીજા ક્રમે રહી છે, જેણે ₹1,081.33 કરોડની વસૂલાત કરી છે. આ બંને બૅન્કોએ મળીને પ્રાઇવેટ બૅન્કો દ્વારા વસૂલવામાં આવેલા કુલ દંડનો આશરે 58% હિસ્સો વસૂલ્યો છે. આ ઉપરાંત, ICICI બૅન્કે ₹353.50 કરોડ, કોટક મહિન્દ્રા બૅન્કે ₹290.65 કરોડ, યસ બૅન્કે ₹195.05 કરોડ અને IDBI બૅન્કે ₹175.15 કરોડનો દંડ ગ્રાહકો પાસેથી વસૂલ કર્યો છે.

સરકારી બૅન્કોમાં SBI ટોચ પર, પરંતુ સેવિંગ્સ એકાઉન્ટ માટે નિયમ અલગ

જાહેર ક્ષેત્રની(સરકારી) બૅન્કોમાં SBI એ ₹477.27 કરોડનો સૌથી વધુ દંડ નોંધાવ્યો છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ રકમ માત્ર કરંટ એકાઉન્ટ્સ (ચાલુ ખાતા) સાથે સંબંધિત છે, કારણ કે માર્ચ 2020થી SBIએ સેવિંગ્સ એકાઉન્ટ્સ પર મિનિમમ બેલેન્સ ન રાખવાનો દંડ સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો છે. SBI પછી બૅન્ક ઑફ બરોડાએ ₹394.10 કરોડ અને ઇન્ડીયન બૅન્કે ₹299.17 કરોડનો દંડ વસૂલ્યો છે.

10 સરકારી બૅન્કોએ ચાર્જ નાબૂદ કર્યો, જનધન ખાતાઓ સુરક્ષિત

સરકારે જણાવ્યું કે દેશની 12 સરકારી બૅન્કમાંથી 10 બૅન્કએ સેવિંગ્સ એકાઉન્ટ પર મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ લાગતો દંડ નાબૂદ કરી દીધો છે. આ ઉપરાંત, જો તમારી પાસે BSBDA કે પ્રધાનમંત્રી જનધન યોજના(PMJDY) હેઠળનું ખાતું છે, તો તમારે મિનિમમ બેલેન્સ જાળવવાની જરૂર નથી. દેશમાં આવા આશરે 73 કરોડ ખાતાઓ છે, જેના પર કોઈ પેનલ્ટી લાગતી નથી. RBIના નિયમો મુજબ, બૅન્કો ગ્રાહકો પર ચાર્જ લગાવી શકે છે, પરંતુ તે વાજબી હોવો જોઈએ અને દંડ લાગુ કરતા પહેલા ગ્રાહકોને SMS કે ઈમેઇલ દ્વારા જાણ કરવી ફરજિયાત છે.