Business

બેન્ક કર્મચારી-અધિકારીઓ પાડશે હડતાળ, સતત 4 દિવસ કામગીરી ખોરવાઈ જવાના એંધાણ

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા 11 સપ્ટેમ્બરે દેશવ્યાપી બેન્ક હડતાલની જાહેરાત કરાઈ છે. 5 દિવસ કામકાજ, PLI અને પેન્શન મુદ્દે વિલંબને કારણે આ નિર્ણય લેવાયો છે. 11 સપ્ટેમ્બરની હડતાલ બાદ શનિ-રવિની રજાઓ અને 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીને કારણે 4 દિવસ કામકાજ પ્રભાવિત થશે. માંગણીઓ નહીં સંતોષાય તો 28 સપ્ટેમ્બરે 3 દિવસ અને 26 ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાલની ચીમકી અપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બેન્ક કર્મચારી-અધિકારીઓ પાડશે હડતાળ, સતત 4 દિવસ કામગીરી ખોરવાઈ જવાના એંધાણ
IMAGE - IANS

Bank Strike: યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU) દ્વારા 11 સપ્ટેમ્બરના રોજ દેશવ્યાપી બેન્ક હડતાલની જાહેરાત કરવામાં આવી છે. બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓના આ સંયુક્ત સંગઠને અઠવાડિયામાં 5 દિવસ બેન્ક ચાલુ રાખવાના નિર્ણયમાં થઈ રહેલો વિલંબ, પરફોર્મન્સ લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) અંગેના મતભેદો અને પેન્શન સંબંધિત બાકી માંગણીઓનો ઉકેલ ન આવવાને કારણે આ પગલું ભર્યું છે.

જો આ હડતાલ થશે તો દેશભરમાં સરકારી બેન્કોનું કામકાજ સતત 4 દિવસ સુધી પ્રભાવિત થઈ શકે છે. 11 સપ્ટેમ્બર શુક્રવારે હડતાલ પાડવાની યોજના છે, જે બાદ શનિવાર અને રવિવારની રજાઓ આવે છે. આ ઉપરાંત, 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી નિમિત્તે ઘણા રાજ્યોમાં બેન્કો બંધ રહેશે, જેના કારણે ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચેતવણી

UFBU દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો સરકાર અને બેન્ક મેનેજમેન્ટ તેમની માંગણીઓ પ્રત્યે યોગ્ય ધ્યાન નહીં આપે, તો તેઓ 28 સપ્ટેમ્બરથી સતત ત્રણ દિવસની હડતાલ પર ઉતરી જશે. આ તારીખો અર્ધવાર્ષિક હિસાબ-કિસાબ (હાફ ઈયરલી ક્લોઝિંગ)ના સમયગાળામાં આવતી હોવાથી બેન્કોના નાણાકીય કામકાજ પર તેની ગંભીર અસર પડી શકે છે. તેમ છતાં ઉકેલ નહીં આવે તો 26 ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાલ શરૂ કરવાનો સંકેત આપવામાં આવ્યો છે. સંઘોના મતે, સરકારના 'નકારાત્મક વલણ'ને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે.

અઠવાડિયામાં 5 દિવસ કામકાજનો મુદ્દો શું છે?

ઇન્ડિયન બેન્કસ એસોસિએશન (IBA) એ 8 માર્ચ, 2024ના રોજ 12મા દ્વિપક્ષીય કરાર હેઠળ અઠવાડિયામાં 5 દિવસ બેન્ક ખોલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. આ કરાર મુજબ સોમવારથી શુક્રવાર સુધીના દૈનિક કામના સમયમાં 40 મિનિટનો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. IBA દ્વારા આ પ્રસ્તાવ મંજૂરી માટે સરકારને મોકલવામાં આવ્યો હતો, પરંતુ બે વર્ષથી વધુ સમય વીતી જવા છતાં આ ફાઈલ અટકેલી હોવાથી કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

PLI યોજનાને લઈને મોટો વિવાદ

બીજો મુખ્ય વિવાદ પરફોર્મન્સ લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI)ને લઈને ઊભો થયો છે. સરકારે સ્કેલ IV અને તેનાથી ઉપરના ઉચ્ચ બેન્ક અધિકારીઓ માટે એક અલગ PLI યોજના બનાવી છે, જેમાં વ્યક્તિગત પ્રદર્શનના આધારે મૂળ પગારના 365 દિવસ સુધીનું મોટું ઇનામ મળી શકે છે. બીજી તરફ, સામાન્ય કર્મચારીઓ અને સ્કેલ III સુધીના અધિકારીઓને મહત્તમ 15 દિવસનો મૂળ પગાર અને મોંઘવારી ભથ્થું જ આપવાની જોગવાઈ કરાઈ છે. યુનિયનોનો આરોપ છે કે આ નીતિ IBA સાથે થયેલા અગાઉના કરારથી વિપરીત છે, જેમાં સમગ્ર બેન્કના પ્રદર્શનના આધારે સ્કેલ VII સુધીના તમામ કર્મચારીઓ માટે એકસમાન હતું.