Get The App

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ

- ઊંચા મૂલ્યાંકનો તથા સેકન્ડરી બજારની વોલેટિલિટીની અસર

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ 1 - image

મુંબઈ : વર્તમાન નાણાં વર્ષમાં ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ-જાહેર ભરણાં) મારફત વિક્રમી નાણાં ઊભા કરાયા હોવા છતાં વળતર પેટે રોકાણકારોએ માર ખાવાનો વારો આવ્યો છે જ્યારે ઊંચા પ્રીમિયમે નાણાં ઊભા કરી ચૂકેલી કંપનીઓની બેલેન્સ શીટ મજબૂત બની ગઈ છે.

પ્રાપ્ત અહેવાલ પ્રમાણે વર્તમાન નાણાં વર્ષમાં આવેલા આઈપીઓમાંથી ૭૫ ટકા કંપનીના શેર ભાવ તેના લિસ્ટિંગ ભાવથી હાલમાં ડિસ્કાઉન્ટે બોલાઈ રહ્યા છે.

વધુ પડતા ભરણાં, ઊંચા મૂલ્યાંકનો તથા સેકન્ડરી બજારમાં ભારે વોલેટિલિટીને પરિણામે આ કરેકશન જોવા મળી રહ્યા હોવાના બજારના નિષ્ણાતો દાવો કરી રહ્યા છે.

વર્તમાન નાણાં વર્ષમાં અત્યારસુધી લિસ્ટ થયેલા ૧૦૭ મેઈનબોર્ડ આઈપીઓમાંથી માત્ર ૨૬ જ તેના લિસ્ટિંગ ભાવથી ઉપર ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે ૮૧ અથવા તો ૭૫ ટકા ભરણાંના ભાવ લિસ્ટિંગ ભાવથી નીચે સરકી ગયા છે.

એસએમઈ સેગમેન્ટમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું. એસએમઈ સેગમેન્ટમાં પણ ૭૪ ટકા કંપનીના ભાવ તેમના લિસ્ટિંગ ભાવથી હાલમાં ડિસ્કાઉન્ટે બોલાઈ રહ્યા છે.

ભરણાંના ભાવની સાથે જો સરખામણી કરવામાં આવે તો ૬૮ ટકા મેઈનબોર્ડ આઈપીઓ અને ૭૦ ટકા એસએમઈ આઈપીઓના ભાવ તેમના ઓફર ભાવથી નીચા ભાવે વેપાર થઈ રહ્યા છે. 

વર્તમાન નાણાં વર્ષમાં ૧૧૨ મેઈનબોર્ડ આઈપીઓ મારફત કંપનીઓએ રૂપિયા ૧.૭૯ ટ્રિલિયન ઊભા કર્યા છે જે અત્યારસુધીની સૌથી મોટી રકમ છે. ૨૫૪ એસએમઈ આઈપીઓ મારફત કંપનીઓએ રૂપિયા ૧૦૯૦૦ કરોડ ઊભા કર્યા છે. ભારતીય ઈક્વિટીસમાં વિદેશી રોકાણકારોની વેચવાલી તથા ઊંચા મૂલ્યાંકનોને કારણે રોકાણકારોનું માનસ ખરડાયું છે. અમેરિકા દ્વારા ટેરિફ અને ત્યારબાદ ઈરાન યુદ્ધને કારણે સેકન્ડરી બજારમાં ભારે ધોવાણ થયું છે. 

નાણાં વર્ષ ૨૦૨૫ બાદ નાણાં વર્ષ ૨૦૨૬માં પણ જાહેર ભરણાંનો આંક ઊંચો રહ્યો છે. નવા યુગની કંપનીઓ જે ભાવિ વિકાસની શકયતાને ધ્યાનમાં રાખી આક્રમક મૂલ્યાંકને ભરણાં લાવી હતી તેમની કામગીરી લિસ્ટિંગ બાદ નબળી રહી હતી. સંસ્થાકીય રોકાણકારો જેમણે આવા વેપારને પ્રારંભમાં ટેકો આપ્યો હતો તેમના દ્વારા પણ પીછેહટ થઈ રહી છે.