સ્મોલ, મિડ કેપના 70 ટકા શેરો તૂટીને 200 DMA નીચે

મુંબઈ : ઓવર વેલ્યુએશન, ફંડામેન્ટલને નેવે મૂકીને આંધળી તેજીની દોટ મૂકનારા સ્મોલ, મિડ કેપ શેરોમાંથી હોટ મની પાછું ખેંચાવા લાગતાં અને ફંડો પણ તેમના રોકાણ પોર્ટફોલિયોમાં ઘણા એવા નબળા શેરો સમાવી લેતાં તૂટતાં બજારમાં પેનીક સેલિંગના કારણે અનેક શેરોના ભાવો સતત ગબડી રહ્યા છે. હાલ આ ક્ષેત્રના ૭૦ ટકા શેરો ૨૦૦ દિવસની મૂવિંગ એવરેજ (ડીએમએ) નીચે ટ્રેડ થઇ રહ્યા છે. જેના પરિણામે કેલેન્ડર વર્ષ ૨૦૨૫ની શરૂઆત પણ નબળી રહી નિફટી મિડ કેપ ઈન્ડેક્સમાં અત્યાર સુધીમાં ૭ ટકાનો કડાકો અને નિફટી સ્મોલ કેપ૨૫૦ ઈન્ડેક્સમાં ૯ ટકાનું ધોવાણ થઈ ગયું છે. બીજી તરફ નિફટી ૫૦ ઈન્ડેક્સ માત્ર બે ટકા જેટલો જ ઘટયો છે.
સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ધોવાણના પરિણામે નિફટી મિડ કેપ ૧૫૦ ઈન્ડેક્સ અને નિફટી સ્મોલ કેપ ૨૫૦ ઈન્ડેક્સમાં સમાવિષ્ટ એક્ત્રિત ધોરણે ૪૦૦ શેરોમાંથી ૨૮૦ શેરોના ભાવ ૨૦૦ દિવસની મુવિંગ એવરેજ (ડીએમએ)થી નીચે ટ્રેડ થવા લાગ્યા છે.
ભારતીય શેર બજારોમાં એક તરફ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) શેરોમાં સતત મોટાપાયે વેચવાલ બન્યા છે, ત્યારે બીજી તરફ લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં ઘટાડે સતત ખરીદી થઈ રહી છે, છતાં શેરોના ભાવો સતત તૂટતા જોવાઈ રહ્યા છે. આ સામે લાર્જ કેપ શેરોમાં પણ પસંદગીની ખરીદી થવા છતાં ભાવો ઘટી રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટી ઐતિહાસિક તેજી જોવાયા બાદ છેલ્લા કેટલાક મહિનાઓથી મોટો ઘટાડો થતો જોવાઈ રહ્યો છે. છેલ્લે કેલેન્ડર વર્ષ ૨૦૧૯માં બન્ને સ્મોલ અને મિડ કેપ ઈન્ડેક્સમાં નેગેટીવ વળતર નોંધાયું હતું. એ વખતે નિફટી મિડ કેપ ૧૦૦ ઈન્ડેક્સમાં ચાર ટકાનો ઘટાડો અને નિફટી સ્મોલ કેપ ૧૦૦ ઈન્ડેક્સમાં ૧૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ત્યાર બાદથી આ ઈન્ડેક્સોમાં મોટી વૃદ્વિ જોવાઈ હતી. પરંતુ વર્ષ ૨૦૨૪ના અંતિમ મહિનાઓમાં વેલ્યુએશન અનેક શેરોનું ખર્ચાળ બનતાં શેરોમાં મોટું સેલિંગ શરૂ થયું હતું.
કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધીમાં નિફટી મિડકેપ ૧૫૦ ઈન્ડેક્સના ૧૫૦ શેરોમાંથી ૧૦૯ શેરો એટલે કે ૭૨ ટકા શેરો અત્યારે ૨૦૦ દિવસની મુવિંગ એવરેજ (ડીએમએ)થી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. બીજી તરફ નિફટી સ્મોલ કેપ ૨૫૦ ઈન્ડેક્સના ૨૫૦ શેરોમાંથી ૧૭૧ શેરો એટલે કે ૬૮ ટકા શેરો ૨૦૦ દિવસની મુવિંગ એવરેજ (ડીએમએ)થી નીચે ટ્રેડ થઈ રહ્યા છે.
આ શેરોમાંથી કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધીમાં ૪૦ ટકા સુધી તૂટનાર શેરોમાં કલ્યાણ જવેલર્સ ઈન્ડિયા, કેઈન્સ ટેકનોલોજી, આદિત્ય બિરલા. કેઈસી ઈન્ટરનેશનલ, ઓરેકલ ફિનસર્વ, ઓબેરોય રિયાલ્ટી, પીબી ફિનટેક સહિતનો સમાવેશ છે.
BNP પરિબાનું કહેવું છે કે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જબરદસ્ત ઉછાળાને કારણે તેમના વેલ્યુએશન ખૂબ મોંઘા થઈ ગયા છે, ખાસ કરીને લાર્જકેપ શેરોની સરખામણીમાં. આવી સ્થિતિમાં રોકાણકારોએ લાર્જકેપ શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.




