વાહનોના રિટેલ વેચાણમાં ૧૮ ટકા વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પેટ્રોલ પર ચાલતા ઊતારૂ વાહનોના હિસ્સામાં ઘટાડો:વરસાદની ખાધથી ટ્રેકટર્સનું વેચાણ ઘટયું: તહેવારોમાં માગ ઊંચી રહેવાની આશા
મુંબઈ : વર્તમાન વર્ષના ઓગસ્ટમાં દેશમાં વાહનોના રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૧૮ ટકા નોંધપાત્ર વધારો થયો છે. ઊતારૂ વાહનો, ટુ વ્હીલર્સ, થ્રી વ્હીલર્સ તથા કમર્સિઅલ વાહનોની આગેવાની હેઠળ વાહનોના એકંદર રિટેલ વેચાણમાં વધારો જોવા મળ્યો છે. ૨૪,૨૩,૨૦૧ સાથે કોઈ ઓગસ્ટ મહિનાનું આ સૌથી ઊંચો વેચાણ આંક છે. જો કે વર્તમાન વર્ષના જુલાઈની સરખામણીએ ઓગસ્ટનું વેચાણ ૬.૫૦ ટકા જેટલુ નીચુ રહ્યું છે. આગામી તહેવારોની મોસમના ત્રણ મહિનામાં વેચાણમાં વધારો જોવા મળવાની ૮૦ ટકા ડીલરો આશા રાખી રહ્યા છે.
વ્હીલ્ડ કન્સ્ટ્રકશન ઈક્વિપમેન્ટના વેચાણમાં ૩૧.૪૫ ટકા વધારો થયો છે જ્યારે ટુ વ્હલિર્સનું વેચાણ ૧૯.૭૦ ટકા વધુ રહ્યું છે. ઊતારૂ વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે ૧૪.૪૫ ટકા તથા થ્રી વ્હીલર્સનું વેચાણ ૮.૬૫ ટકા ઊંચુ રહ્યું છે. ટ્રેકટર્સનું વેચાણ લગભગ સ્થિર રહ્યાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ (ફાડા) દ્વારા જારી કરાયેલા ડેટામાં જણાવાયું હતું.
ભારતના ઓટો વેચાણ ઈતિહાસમાં વૈકલ્પિક ઈંધણો જેમ કે સીએનજી, હાઈબ્રિડ તથા વીજ સંચાલિત ઊતારૂ વાહનોના સંયુકત વેચાણ હિસ્સામાં પેટ્રોલ પર ચાલતા ઊતારૂ વાહનોની સરખામણીએ વધારો જોવા મળ્યો છે. પેટ્રોલ પર ચાલતા ઊતારૂ વાહનોનો હિસ્સો ૪૦.૮૫ ટકા રહ્યો છે જ્યારે વૈકલ્પિક ઈંધણો સાથેના પેસેન્જર વ્હીકલનો હિસ્સો ૪૧.૯૫ ટકા રહેવા પામ્યો છે.
ગયા વર્ષના ઓગસ્ટમાં પેટ્રોલ ઊતારૂ વાહનોનો હિસ્સો હાલના કરતા ૧૧ ટકા વધુ હતો. પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે દેશમાં પેટ્રોલ તથા ડીઝલ મોંઘા થતા વાહન ખરીદનારાની પસંદગીમાં બદલાવ આવ્યો હોવાનું માની શકાય એમ છે.
ઊતારૂ વાહનોનું એકંદર માસિક વેચાણ પહેલી જ વખત ચાર લાખને પાર કરીને ૪૦૨૩૯૮ રહ્યું છે જે વાર્ષિક ધોરણે ૧૬.૧૫ ટકા વૃદ્ધિ દર્શાવે છે. ઊતારૂ વાહનોની ઈન્વેન્ટરી પણ ઓગસ્ટના અંતે વધી ૩૮-૪૦ દિવસ પહોંચી ગઈ હતી.
ટુ વ્હીલર્સના વેચાણમાં ૧૯.૭૦ ટકા વધારો થઈ તે ૧૭,૧૪,૬૧૦ એકમ રહ્યું છે. ૨૦૧૮ બાદ ટુ વ્હીલર્સનો ઓગસ્ટમાં નવો ઊંચો વેચાણ આંક જોવા મળ્યો છે.
દેશના ૧૪ રાજ્યોમાં વરસાદની ૧૩ ટકા જેટલી ખાધની અસર ટ્રેકટર્સના વેચાણ પર પડી છે. જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં ટ્રેકટર્સનું વેચાણ ૨૫ ટકા નીચુ રહ્યુ હોવાનું પણ ફાડાના ડેટા જણાવે છે.
સપ્ટેમ્બર, ઓકટોબર તથા નવેમ્બર તહેવારોના આ ત્રણ મહિનામાં વેચાણમાં વધારો જોવા મળવાની ૮૧ ટકાથી વધુ ડીલરો અપેક્ષા રાખી રહ્યા હોવાનું પણ ફાડાના રિપોર્ટમાં વધુમાં જણાવાયુ હતું.




