Business Plus

ઈરાન યુધ્ધના માહોલમાં ક્રૂડતેલ બજારમાં વ્યાપક ઉછળકુદ: વૈશ્વિક ફુગાવો પણ વધ્યો

By GS Team
19 Jul 20263 mins read
TukuTouch Logo
આ વર્ષે બજારોમાં ખાસ્સી ઉથલપાથલ જોવા મળી છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના નિવેદનો અને ઈરાન યુદ્ધને કારણે ક્રૂડતેલના ભાવ 120 ડોલર સુધી પહોંચ્યા હતા. વૈશ્વિક ફુગાવો વધતા હવે વિવિધ દેશો વ્યાજદર વધારવા વિચારી રહ્યા છે. હોર્મુઝ રૂટ પર અવરજવર ઘટતા ક્રૂડના ભાવ ફરી 87 ડોલર ઉપર ગયા છે. રશિયા-યુક્રેન યુદ્ધથી પણ બજારોમાં ચિંતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન યુધ્ધના માહોલમાં ક્રૂડતેલ બજારમાં વ્યાપક ઉછળકુદ: વૈશ્વિક ફુગાવો પણ વધ્યો
  • ઊભી બજારે - દિલીપ શાહ
  • વિવિધ દેશો હવે વ્યાજ દર વધારવાની દિશામાં વિચારણા કરતા થયા
    દેશમાં તથા દરીયાપારના બજારોમાં આ વર્ષે ખાસ્સી ઉથલપાથલ જોવા મળી છે. ૨૦૨૬ના આરંભના મહિનાઓમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો સાથે ટેરીફના છાશવારે પલ્ટાતા નિવેદનોના પગલે વિવિધ બજારોમાં અજંપો વધ્યો હતો અને ત્યારબાદ ઈરાન તથા અમેરિકા વચ્ચે યુધ્ધ શરૂ થતાં બજારોમાં અજંપો તથા ઉછળકુદમાં વૃધ્ધિ થયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. ઈરાન યુધ્ધના પગલે ખાસ કરીને ક્રૂડતેલની બજારમાં ખાસ્સી વધઘટ દેખાઈ છે. ઈરાન યુધ્ધના સંદર્ભમાં પણ ટ્રમ્પના નિવેદનો છાશવારે બદલાતા રહ્યા હતા તથા ક્યારેક યુધ્ધ વિરામની વાતો શરૂ થતી દેખાઈ છે તો ત્યારબાદ તુરંત ફરી બંને દેશો એકબીજા પર હુમલાઓ કરતા જોવા મળ્યા છે. ઈરાન યુધ્ધના માહોલમાં વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ બેરલદીઠ એક તબક્કે ઉંચામાં ૧૨૦થી ૧૨૫ ડોલર સુધી જતા રહ્યા હતા અને ત્યારબાદ ઉંચા મથાળેથી ભાવ ફરી નીચા ઉતરતા પણ જોવા મળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ ૨૦૨૬ના આરંભમાં જાન્યુઆરી તથા ફેબુ્રઆરી મહિનામાં નીચા રહ્યા હતા પરંતુ ત્યારબાદ માર્ચ મહિનાથી ભાવમાં તેજી શરૂ થઈ હતી તથા માર્ચથી મે મહિના સુધીના ગાળામાં ભાવ ઉછળી ઉંચામાં ૧૨૦ ડોલર સુધી ઉછળ્યા હતા. જોકે ત્યારબાદ ભાવ ફરી નીચા ઉતરી તાજેતરમાં નીચામાં ૮૦ ડોલરની અંદર ઉતર્યા હતા અને ત્યારબાદ યુધ્ધ વિરામના યુધ્ધના હુમલાઓ શરૂ થતાં વિશ્વબજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ ફરી ઉછળી તાજેતરમાં ૮૭ ડોલરની ઉપર જતા રહ્યાના સમાચાર મળ્યા હતા. ઈરાન યુધ્ધના પગલે વૈશ્વિક દરીયાઈ માર્ગમાં જહાજો તથા ટેન્કરોની અવરજવરમાં મહત્ત્વના ગણાતા હોર્મુઝ રુટ પર જહાજોની અવરજવર રુંધાઈ હતી અને તેની અસર વૈશ્વિક ક્રૂડના ભાવ પર જોવા મળી છે.
    હોર્મુઝ રુટ પર તાજેતરમાં જહાજોની અવરજવર ઘટી બે મહિનાના તળીયે ઉતરી ગઈ હોવાના સમાચાર પણ મળ્યા હતા. હોર્મુઝ રુટ પર અધિકાર જમાવવા ઈરાને પ્રયત્નો વધાર્યા હતા ત્યારે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પણ આ રુટ પર કબજો જમાવવા માટે તાજેતરમાં હુમલાઓ વધાર્યા હતા તથા એક તબક્કે આ રુટ વાયરના અમેરિકા બધા દેશો પાસેથી ૨૦ ટકા ચાર્જ વસુલ કરશે એવું એલાન પણ કરી દીધું હતું. જોકે ત્યારબાદ ટ્રમ્પે આ એલાન પાછું ખેંચી લીધાના સમાચાર પણ આવ્યા હતા.
    દરમિયાન, ક્રૂડના ભાવ ઉંચા જતાં વિશ્વના વિવિધ દેશોમાં ફુગાવો તથા મોંઘવારી વધ્યા છે તથા આદેશો હવે વ્યાજ દર ઘટાડવાના બદલે વ્યાજ દરમાં વૃધ્ધિ કરવાની દીશામાં વિચારણા કરતા થયાના વાવડ મળ્યા હતા. દરમિયાન, ક્રૂડના પુરવઠાને અસર થતાં અમેરિકાની સરકારે પોતાના હસ્તકના ક્રૂડના વ્યુહાત્મક સ્ટોકમાંથી ક્રૂડનો પુરવઠો પોતાના દેશની રિફાઈનરીઓને આપવાનું શરૂ કર્યું છે તથા તેના પગલે અમેરિકાની સરકાર પાસે ક્રૂડનો આવો વ્યુહાત્મક સ્ટોક એકધારો ઘટતો રહ્યાના સમાચાર પણ તાજેતરમાં આવ્યા છે તથા આવો સ્ટોક ઘટી ૪૦ વર્ષના તળીયે ઉતરી ગયાનું વિશ્વબજારના જાણકારો જણાવી રહ્યા હતા.
    ઈરાન તથા અમેરિકાના યુધ્ધ વચ્ચે તાજેતરમાં રશિયા તથા યુક્રેન વચ્ચે પણ યુધ્ધના છમકલાઓ વધ્યાના સમાચાર આવતાં બજારના ખેલાડીઓમાં અજંપો વધ્યો હતો. અમેરિકામાં જુલાઈના અંતભાગમાં ફેડરલ રિઝર્વની મળનારી મિટિંગમાં વ્યાજના દર વિશે કેવો વ્યુહ અપનાવવામાં આવે છે તેના પર બજારોની નજર રહી છે. ઈરાન યુધ્ધ, વધતો ફુગાવો તથા વ્યાજ દર વિષયક બદલાતા અંદાજાઓ વચ્ચે વિશ્વબજારમાં ડોલરનો ઈન્ડેક્સ પણ વધી ઉંચામાં ૧૦૧ની સપાટી પાર કરી ગયાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, રશિયા તથા યુક્રેન વચ્ચેના યુધ્ધમાં યુરોપના દેશો એક તરફ યુક્રેનને સપોર્ટ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ યુરોપના દેશોએ રશિયા ખાતેથી ગેસની ઈમ્પોર્ટમાં નોંધપાત્ર વૃધ્ધિ કરતાં વિશ્વબજારમાં આશ્ચર્ય બતાવાઈ રહ્યું હતું.