Business Plus
દેશમાં સરકારી સ્કૂલો અને હોસ્પિટલો છે, તો ગેરેજો કેમ નહીં
By GS Team
26 Jul 20262 mins read
રાજ્યમાં જળબંબાકાર અને પૂરની સ્થિતિ વચ્ચે મંત્રીઓને પગપાળા નિરીક્ષણનો આદેશ મળ્યો. પૂર રાહતની ખીચડી કે કેશડોલ માટે લોકો લાઈનમાં હોવાનું મંત્રીએ પૂછતાં, તે વાહનોના રિપેરિંગ માટેની લાઈન હોવાનું જણાયું. એક મંત્રીએ સરકારી ગેરેજોની જનવાહનસુખાકારી યોજના જાહેર કરી, જેમાં ચીની સ્પેરપાર્ટ્સ અને NEETના નારાજ યુવાનોને રોજગારી આપવાની વાત કરતાં લોકો ભડક્યા. મંત્રીઓ ડરીને પાછા વાહનોમાં બેસી રવાના થયા.
00:00
00:23
Summarized by AI; it may make mistakes. Check important info
રાજ્યમાં જળબંબાકાર અને પૂરની સ્થિતિ વચ્ચે મંત્રીઓને પગપાળા નિરીક્ષણનો આદેશ મળ્યો. પૂર રાહતની ખીચડી કે કેશડોલ માટે લોકો લાઈનમાં હોવાનું મંત્રીએ પૂછતાં, તે વાહનોના રિપેરિંગ માટેની લાઈન હોવાનું જણાયું. એક મંત્રીએ સરકારી ગેરેજોની જનવાહનસુખાકારી યોજના જાહેર કરી, જેમાં ચીની સ્પેરપાર્ટ્સ અને NEETના નારાજ યુવાનોને રોજગારી આપવાની વાત કરતાં લોકો ભડક્યા. મંત્રીઓ ડરીને પાછા વાહનોમાં બેસી રવાના થયા.
00:00
00:23
Summarized by AI; it may make mistakes. Check important info

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
મંત્રીશ્રીઓને આદેશ મળ્યો: 'વાહન છોડી પગપાળા નિરીક્ષણ માટે નીકળો.'
એક મંત્રીશ્રીએ ફરિયાદ કરી. 'ભલે યુદ્ધ બીજીવાર શરુ થઈ ગયું છે, પરંતુ હજુ સુધી સરકારે નવી કરકસર જાહેર કરી નથી. તો પણ વાહન છોડી દેવાનું?'
જવાબ મળ્યો, 'અરે ભાઈ, મંત્રી બની ગયા પછી જરા બહાર નીકળવાનું અને ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવાનું પણ રાખો. અત્યારે રાજ્યમાં ચારે બાજુ જળબંબાકાર અને પૂરની સ્થિતિ છે. એમાં લોકોનાં વાહનો પણ ચાલતાં નથી ત્યાં તમારો કોન્વોય સિસોટીઓ વગાડતો ક્યાંથી નીકળશે? એટલે તમારે પગપાળા જ પૂર નિરીક્ષણ માટે નીકળવાનું છે.'
વધુ દલીલો વિના મંત્રીશ્રીઓએ પદ સાચવવા માટે પદયાત્રા ચાલુ કરી દીધી.
એક જગ્યાએ લાંબી લાંબી લાઈન જોઈ મંત્રીશ્રીએ પૂછ્યું. 'અરે, અહીં પૂર રાહતની ખિચડી વેચાય છે કે પછી કેશડોલ? લાવો, અમારા હાથે વિતરણ કરીએ.'
ત્યાં જવાબ મળ્યો. 'આ તો વાહનો માટે થઈને ગેરેજવાળાને ત્યાં લાંબી લાઈન છે.
મંત્રીશ્રી ખુશ થઈ ગયા. તેમણે તરત જ ભાષણ ચાલુ કરી દીધું. 'આને કહેવાય વિકાસ… એક જમાનામાં લોકો ફક્ત રથયાત્રા કે અખાત્રીજ કે વિજ્યાદશમીએ જ વાહનો ખરીદવા લાઈન લગાવતા હતા. પરંતુ અમે એવો વિકાસ કરી નાખ્યો છે કે લોકો બારેમાસ ચોવીસેય કલાક આવા ભરવરસાદ અને પૂરમાં પણ વાહનો માટે લાઈન લગાવી રહ્યા છે.'
એક જણ ગુસ્સે થયો. 'ઓ મંત્રીશ્રી, આ તો વરસાદી પાણીમાં ડૂબી જતાં વાહનો ખરાબ થઈ ગયાં છે તેના રિપેરિંગ માટે બૂકિંગ કરાવવાની લાઈન છે. ગેરેજવાળાઓને અત્યારે તડાકો છે.'
લોચો લાગી ગયાની આફતમાંથી લ્હાણીનો અવસર ઝડપી લેવામાં ઉસ્તાદ બીજા મંત્રીશ્રીએ તરત જ જાહેરાત કરી. 'ઓહો, પ્રજાને આટલું કષ્ટ? અમે આ તબક્કે સરકારી હોસ્પિટલો અને સરકારી સ્કૂલોની જેમ સરકારી ગેરેજોની જનવાહનસુખાકારી યોજના જાહેર કરીએ છીએ. આ યોજના હેઠળ ગામેગામ અને ગલીએ ગલીએ સરકારી ગેરેજો ખોલવામાં આવશે.'
બીજા મંત્રી વાત આગળ વધારતાં કહે, 'હવે તો વરસાદી પૂરના કારણે જ નહિ, પરંતુ પેટ્રોલમાં ઈથેનોલનાં પૂરના કારણે પણ વાહનો ખોટકાય છે. આ ઉપરાંત આપણી મ્યુનિસિપાલિટીઓ ખાડાઓની જોગવાઈ તો બારે માસ રાખે છે. આથી આ સરકારી ગેરેજોનો લાભ લેવા માટે જનતાને કાયમ સુઅવસર પ્રાપ્ત થતા જ રહેશે.'
ત્રીજા મંત્રી કહે, 'મારું વિઝન તો એવું છે કે આ જનવાહનસુખાકારી યોજનામાં પણ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપનું પીપીપી મોડલ લાવીએ. રસ્તાઓ પરના ચંગુ-મંગુ મિકેનિકો સાથે સરકાર તે માટે એમઓયુ કરશે.'
ચોથા મંત્રી કહે, 'હવે તો ચાઈના સાથે આપણી દોસ્તી છે. એટલે સરકારી ગેરેજોમાં બધા સ્પેરપાર્ટસ, લાઈટ્સ, એસેસરીઝ બધું જ ચાઈનીઝ માલ રાખીશું.'
પાંચમા મંત્રી કહે, 'નીટના પેપર ફૂટવાથી નારાજ યુવાનો મિકેનિકનું કામ શીખી આ સરકારી ગેરેજોમાં રોજગારીનો સુઅવસર પ્રાપ્ત કરી શકશે.'
આ સાંભળતાં જ લાઈનમાં ઊભા રહેલા કેટલાક લોકો ભડકીને મંત્રીઓની સામે આવી ગયા. ડરીને ભાગેલા મંત્રીઓ ઘૂંટણસમા પાણીમાં ભાગતા ભાગતા પાછા પોતાનાં વાહનોમાં બેસીને રવાના થઈ ગયા.
સ્માઈલ ટિપ
વરસાદી પૂરમાં કાર ખોટવાય અને પ્રજાના પ્રકોપના પૂરમાં સર-કાર ખોટવાય.




