Business Plus

સોનાની ચમક પાછળ વિશ્વની દોડ, ડોલર દૂર હડસેલાયો

By GS Team
13 Sep 20264 mins read
TukuTouch Logo
અમેરિકાના અર્થતંત્ર પર વિશ્વનો વિશ્વાસ ઘટતા, વૈશ્વિક બેંકો પોતાના સોનાના ભંડાર સ્વદેશ લાવી રહી છે. 2022ના રશિયા-યુક્રેન યુદ્ધ બાદ અમેરિકી ડોલર અને બોન્ડ્સમાં રોકાણ અસુરક્ષિત બન્યું છે. ચીન, રશિયા જેવા દેશો US બોન્ડ્સ વેચી સોનું ખરીદી રહ્યા છે. ભારતે પણ મે 2024માં 100 ટન અને ઓક્ટોબર 2024 સુધીમાં કુલ 202 ટન સોનું વિદેશથી પરત લાવી, કુલ 855 ટન સોનાનો અડધાથી વધુ હિસ્સો દેશમાં સુરક્ષિત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનાની ચમક પાછળ વિશ્વની દોડ, ડોલર દૂર હડસેલાયો

અમેરિકા પર હવે વિશ્વને ભરોસો નથી. તેમના અર્થતંત્રમાં વિશ્વાસ નથી. જેની અસર સોનાના ભાવો અને સંગ્રહ પર થઇ રહી છે. વિશ્વભરની મધ્યસ્થ બેંકોમાં હાલના વર્ષોમાં એક મોટો નીતિગત ફેરફાર જોવા મળી રહ્યો છે. વિદેશી બેંકોમાં સંગ્રહિત પોતાના સોનાના અનામત જથ્થાને સ્વદેશ પરત લાવવાની અને નવું સોનું ખરીદવાની એક વૈશ્વિક હોડ જામી છે. દાયકાઓથી વૈશ્વિક અર્થતંત્રમાં સુરક્ષિત રોકાણ તરીકે યુ.એસ. ટ્રેઝરી બોન્ડ્સ (અમેરિકી સરકારી સિક્યોરિટીઝ) પ્રથમ પસંદગી રહ્યા છે, પરંતુ વર્તમાન જીઓપોલીટીક્લ તણાવ અને બદલાતા આર્થિક સમીકરણોને કારણે વિશ્વના અનેક દેશો હવે યુ.એસ. બોન્ડ્સમાં રોકાણ ઘટાડીને સોનાનો સંગ્રહ વધારી રહ્યા છે.
અમેરિકી ડોલર અને બોન્ડ્સમાંથી વિશ્વનો વિશ્વાસ ઘટી રહ્યો છે કે કેમ, તે સવાલ આજે વૈશ્વિક અર્થશાસ્ત્રનો મુખ્ય વિષય બન્યો છે. વર્ષ ૨૦૨૨માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકા અને તેના સહયોગી દેશોએ રશિયાની વિદેશી નાણાકીય અસ્કયામતો - ફોરેન એક્સચેન્જ એસેટ ફ્રીઝ કરી દીધી હતી. આ ઘટનાએ અન્ય દેશો માટે ચેતવણીરૂપ સંકેત આપ્યો કે વિદેશમાં રાખેલી સંપત્તિ કે અમેરિકી ડોલરમાં આધારિત રોકાણ કોઈપણ જીઓપોલીટીક્લ સંકટ સમયે અસુરક્ષિત બની શકે છે. આ સિવાય અમેરિકા પર સતત વધતું જતું રાષ્ટ્રીય દેવું અને ડોલરના વર્ચસ્વને ઓછું કરવાની વૈશ્વિક કવાયત. ડી ડોલરાઈઝેશનને કારણે ચીન, રશિયા અને તુર્કી જેવા દેશો પોતાના અનામત ભંડોળમાંથી યુ.એસ. બોન્ડ્સ સતત વેચી રહ્યા છે અને તેમાંથી સોનું ખરીદી રહ્યા છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે હવે વિશ્વને સંપૂર્ણપણે અમેરિકી અર્થતંત્ર પર વિશ્વાસ નથી. સાથો સાથ દરેક દેશો પોતાની સંપત્તિનું જોખમ ઘટાડવા માટે પણ આ પગલું ભરી રહ્યા છે.
ચીન :

  • બોન્ડ્સનું વેચાણ : ચીન પાસે એક સમયે ૧.૩ ટ્રિલિયન ડોલરથી વધુના અમેરિકી બોન્ડ્સ હતા, જે ઘટીને ૭૫૦ થી ૭૮૦ બિલિયન ડોલર સુધી આવી ગયા છે. ચીને છેલ્લા કેટલાક વર્ષોમાં સતત અમેરિકી ડેટ વેચીને બોન્ડ હોલ્ડિંગ ઘટાડયું છે.
  • સોનાની ખરીદી : ચીનની મધ્યસ્થ બેંકે (PBOC) સતત મહિનાઓ સુધી સોનાની ખરીદી કરીને પોતાના ભંડારમાં સેંકડો ટન સોનું ઉમેર્યું છે.
    રશિયા :
  • બોન્ડ્સનું વેચાણ : વર્ષ ૨૦૧૮થી ૨૦૨૨ના સમયગાળામાં જ રશિયાએ પોતાના પોર્ટફોલિયોમાંથી યુ.એસ. બોન્ડ્સ લગભગ શૂન્ય જેવા કરી દીધા છે.
  • સોનાની ખરીદી : પશ્ચિમી દેશોના નાણાકીય પ્રતિબંધો (Sanctions) સામે રક્ષણ મેળવવા રશિયાએ પોતાના અનામત ભંડોળમાં ડોલરના બદલે સોનાનો હિસ્સો ૨,૩૦૦ ટનથી વધુ પહોંચાડી દીધો છે.
    તુર્કી, પોલેન્ડ, હંગેરી અને ચેક રિપબ્લિક, બ્રાઝિલ અને અન્ય BRICS :
  • દેશોની સેન્ટ્રલ બેંકે પણ યુ.એસ. ટ્રેઝરી સેક્યોરિટીઝમાં પોતાનું રોકાણ ઝડપથી ઘટાડયું છે અને વિશ્વમાં સોનાના સૌથી મોટા ખરીદદારોમાંથી એક બનીને ઉભરી આવ્યા છે.
    ભારતની વાત કરીએ તો, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પણ દેશના સોનાના અનામત જથ્થાને સુરક્ષિત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મે ૨૦૨૪માં રિઝર્વ બેંકે બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (BIS)ના સંરક્ષણમાંથી આશરે ૧૦૦ મેટ્રિક ટન સોનું સફળતાપૂર્વક ભારત પરત લાવ્યું હતું. ઓક્ટોબર ૨૦૨૪ સુધીના ડેટા અનુસાર, ભારત વધુ ૧૦૨ ટન સોનું પરત લાવ્યું છે, જેથી છેલ્લા કેટલાક મહિનાઓમાં જ ભારતમાં કુલ ૨૦૨ ટન સોનું વિદેશમાંથી પરત આવી ચૂક્યું છે. હાલમાં ભારત પાસે કુલ ૮૫૫ ટનથી વધુ સોનું છે, જેમાંથી અડધાથી વધુ હિસ્સો હવે દેશની અંદર આવેલી RBIના તિજોરી ભંડારોમાં અત્યંત સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે.
    આ સંદર્ભમાં સામાન્ય લોકોમાં એક અફવા અથવા ગેરસમજ વારંવાર જોવા મળે છે કે શું ભારતનું સોનું હજુ પણ વિદેશમાં ગીરવે (Pledged) મુકાયેલું છે ? અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે ભારતનું કોઈ પણ સોનું વિદેશમાં ગીરવે મુકેલું નથી. વર્ષ ૧૯૯૧ના ગંભીર વિદેશી મુદ્રા સંકટ - બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઈસીસ વખતે ભારતે નાણાકીય કટોકટીમાંથી ઉગરવા માટે બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાન પાસે ૪૭ metric ટન સોનું ગીરવે મૂકીને લોન લેવી પડી હતી. પરંતુ ભારતે નવેમ્બર ૧૯૯૪ સુધીમાં જ તે તમામ લોન ચુકવી આપીને પોતાનું સોનું મુક્ત કરાવી લીધું હતું. તે સમયે સુરક્ષા અને વ્યવસાયિક સુગમતા માટે તે સોનું વિદેશી બેંકોમાં જ રાખવામાં આવ્યું હતું, ગીરવે નહીં. હવે રિઝર્વ બેંક તેને તબક્કાવાર સ્વદેશ પરત લાવી રહી છે.
    જો કે વિશ્વના અન્ય દેશો પણ બીજા દેશમાં પડેલું સોનું પોતાના દેશમાં એકઠું કરવા લાગ્યા છે. જર્મની એ ૩૦૦ મેટ્રિક ટન, ફ્રાન્સે ૧૨૯ મેટ્રિક ટન, નેધરલેન્ડે ૨૦૮.૫૦ ટન, વેનેઝુએલા ૧૬૦ મેટ્રિક ટન સોનું પોતાના દેશમાં પરત લાવ્યા. આ જ દેખાડે છે કે ગ્લોબલાઇઝેશન વિશ્વાસ તૂટી રહ્યો છે.
    ગ્લોબલાઇઝેશનથી વિશ્વ હવે નેશનલાઈઝેશન તરફ વળી રહ્યું હોય તેવું ચોક્કસ લાગે. બાકી તો સમય જ સાચું કહી શકશે.
    -પરેશ કે. ભટ્ટ