Business Plus

તહેવારો પૂર્વે ખાદ્યતેલોની ઈમ્પોર્ટ વધતાં દસ મહિનાનો રેકોર્ડ તૂટયો

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
દેશમાં તહેવારોની મોસમ પૂર્વે ખાદ્યતેલોની આયાતમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જુલાઈમાં પામતેલની આયાત 50% વધી 7.31 લાખ ટન થઈ, જ્યારે સોયાતેલની આયાત 31% વધી 4.99 લાખ ટન પર પહોંચી. સનફલાવર તેલની આયાત 4% વધી 2.52 લાખ ટન થઈ. કુલ આયાત 32-33% વધી છે, જે બજારમાં તેલની ઉપલબ્ધતા વધારશે.

Summarized by AI; it may make mistakes. Check important info

તહેવારો પૂર્વે ખાદ્યતેલોની ઈમ્પોર્ટ વધતાં દસ મહિનાનો રેકોર્ડ તૂટયો

દેશમાં ઓગસ્ટ મહિનાના આરંભ સાથે તહેવારોની મોસમ શરૂ થઈ છે તથા હવે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના બજારોના ખેલાડીઓની નજર આ તહેવારો પર રહી છે. તહેવારોના દિવસોમાં બજારોમાં વિવિધ ખાદ્યતેલોની મોસમી માગ વધતી હોય છે એવું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. ભારતમાં ઘરઆંગણે વિવિધ ખાદ્યતેલોનું જેટલું ઉત્પાદન થાય છે એની સરખામણીએ ઘરઆંગણે ખાદ્યતેલોની માગ વધુ રહેતી હોય છે તથા તેના કારણે આપણે દરીયાપારથી વિવિધ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ કરવી પડે છે. દેશમાં વિશેષરૂપે પામતેલ તથા સોયાતેલ ઉપરાંત સનફલાવર તેલની આયાત આપણે કરતા રહ્યા છીએ તથા તેના પગલે વિશ્વબજારમાં ભાવમાં થતી વધઘટ તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર તથા રૂપિયાના ભાવમાં થતી વધઘટ પર દેશના બજારમાં ખાદ્યતેલોના ભાવમાં ચડઉતર થતી હોય છે એવું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, દેશમાં તહેવારોની મોસમ શરૂ થાય એ પૂર્વે દરીયાપારથી ઘરઆંગણે આયાત વધ્યાના વાવડ તાજેતરમાં મળ્યા હતા. દેશમાં પામતેલની આયાત જુલાઈ મહિનામાં આશરે ૫૦ ટકા વધી હોવાનું આયાતકારોએ જણાવ્યું હતું. પામતેલની આયાત જૂનની સરખામણીએ જુલાઈ મહિનામાં ૫૦ ટકા વધી ૭ લાખ ૩૧ હજાર ટન આસપાસ થયાના સમાચાર મળ્યા હતા. દેશમાં તહેવારો પૂર્વે પામતેલ ઉપરાંત સોયાતેલ તથા સનફલાવર તેલની ઈમ્પોર્ટમાં પણ વૃધ્ધિ થયાના સમાચાર મળ્યા હતા. સોયાતેલની ઈમ્પોર્ટ જુલાઈમાં આશરે ૩૧ ટકા વધી ૪ લાખ ૯૯ હજાર ટન આસપાસ થઈ છે જ્યારે આ ગાળામાં સનફલાવરની આયાત જોકે માત્ર ૪ ટકા વધી ૨ લાખ ૫૨ હજાર ટન આસપાસ નોંધાઈ છે. રશિયા તથા યુક્રેન વચ્ચે ઘર્ષણ ફરી વધતાં વૈશ્વિક સ્તરે તાજેતરમાં સનફલાવર તેલની સપ્લાય પર અસર પડી હોવાનું વિશ્વબજારના જાણકારો જણાવી રહ્યા હતા.
દેશમાં તહેવારો પૂર્વે જુલાઈ મહિનામાં વિવિધ ખાદ્યતેલોની કુલ આયાતમાં આશરે ૩૨થી ૩૩ ટકાની વૃધ્ધિ થઈ હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, ઈરાન તથા અમેરિકા વચ્ચે તાજેતરમાં ઘર્ષણ ફરી વધતાં તથા તેના પગલે વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ફરી ઉછળતાં તેની ઈમ્પેક્ટ વચ્ચે વિશ્વબજારમાં તાજેતરમાં ખાદ્યતેલોના ભાવ પણ ઉંચા જતા જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં તાજેતરમાં પામતેલના ભાવ વધી ૪ મહિનાની ટોચે પહોંચ્યાના સમાચાર દરીયાપારથી મળ્યા હતા. અમેરિકાના કૃષી બજારોમાં તાજેતરમાં સોયાબીન તથા સોયાતેલના ભાવમાં પણ તેજી આવી હોવાના સમાચાર મળ્યા હતા. અમેરિકામાં સોયાતેલના સ્ટોકમાં પીછેહટ દેખાઈ હતી તથા ત્યાંના બજારોમાં તાજેતરમાં સોયાબીનમાં ચીનની માગમાં પણ વૃધ્ધિ થયાનું વિશ્વબજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, ભારતમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે વૃધ્ધિ કર્યાના સમાચાર પણ મળ્યા હતા તથા આના પગલે આયાતી ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ઉંચી ગઈ હોવાનું આયાતકારો જણાવી રહ્યા હતા. આની અસર દેશના બજારોમાં ખાદ્યતેલોના ભાવ પર દેખાઈ હતી.દરમિયાન, દેશમાં આ વર્ષે ખરીફ મોસમમાં અત્યાર સુધીના ગાળામાં વિવિધ તેલીબિયાંના વાવેતર હેઠળનો વિસ્તાર આશરે ૧૮૫ લાખ હેકટર્સ જેટલો નોંધાયો છે.