ભારતમાં સ્ટીલની માગમાં વૃદ્ધિ સામે ચીનમાં ઘટયાના સંકેતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દેશમાં આયર્ન એન્ડ સ્ટીલ (લોખંડ-પોલાદ) બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. સામાન્યપણે ચોમાસા દરમિયાન દેશમાં બાંધકામ ક્ષેત્રે તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ચહલપહલ ઘટતી હોય છે તથા આ ગાળામાં સ્ટીલ બજાર તથા સિમેન્ટ બજારમાં નવી માગ ધીમી પડતી હોય છે એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું. જોકે હવે વરસાદની વિદાય વચ્ચે બાંધકામ પ્રવૃત્તિઓ ફરી વધવાની ગણતરી વચ્ચે સ્ટીલ તથા સિમેન્ટ બજારમાં ચહલ- પહલ તથા માગ ફરી વધતી જોવા મળી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, ભારતમાં વર્તમાન વર્ષ ૨૦૨૬માં સ્ટીલની માગ આશરે આઠ ટકા વધી ૧૭૨૪ લાખ ટન થવાનો અંદાજ વર્લ્ડ સ્ટીલ એસોસીએશન દ્વારા બતાવવામાં આવ્યો છે. વર્તમાન વર્ષ ઉપરાંત ૨૦૨૭ના આગામી વર્ષમાં પણ ભારતમાં સ્ટીલની માગ ઉંચી રહેવાની ગણતરી સૂત્રોએ દર્શાવી હતી. દેશમાં ૨૦૨૭ના નવા વર્ષમાં સ્ટીલની માગ વધુ ૮ ટકા વધી ૧૮૬૨ લાખ ટન સુધી પહોંચવાની ગણતરી આ સૂત્રોએ દર્શાવી હતી. જોકે વૈશ્વિક સ્તરે ચીનમાં આ વર્ષે પ્રોપર્ટી બજારમાં પીછેહટ તથા અમેરિકાના ટેરીફ અને ત્યારબાદના યુધ્ધના માહોલમાં સ્ટીલની વૈશ્વિક માગ ૨૦૨૬માં ધીમી પડી હતી જ્યારે આથી વિપરીત ભારતમાં સ્ટીલની માગ ઉંચી જતી જોવા મળી છે. દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે વિકાસ માટે સરકાર એકટીવ રહેતાં તથા રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ પ્રગતીએ વેગ પકડતાં ભારતમાં આ વર્ષે સ્ટીલની માગ વિશેષ જોવા મળી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. દેશમાં મેન્યુફેકચરીંગ તથા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટોમાં પણ સ્ટીલની માગ વર્ષે વધતી જોવા મળી છે. વિવિધ ક્ષેત્રે ઉત્પાદન ક્ષમતાઓ વધતાં તેના પગલે પણ ઘરઆંગણે સ્ટીલ (લોખંડ)ની માગમાં વિશેષ વૃધ્ધિ દેખાઈ છે.
વૈશ્વિક સ્તરે સ્ટીલની માગ ૨૦૨૬માં ૧૭૨થી ૧૭૩ કરોડ ટન આસપાસ રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે ત્યારે ૨૦૨૭માં આવતા વર્ષમાં સ્ટીલની વૈશ્વિક માગ સાધારણ વધી ૧૭૫થી ૧૭૬ કરોડ ટન થવાની ગણતરી જાણકારોએ દર્શાવી હતી. ચીનમાં આ વર્ષે સ્ટીલની માગમાં આશરે બે ટકાની પીછેહટ જોવા મળી છે. ત્યાં ૨૦૨૭માં પણ સ્ટીલની માગ ધીમી રહેવાની શક્યતા વિશ્વબજારના સૂત્રો દર્શાવી રહ્યા હતા. ભારતમાં તાજેતરમાં વિજળીના ધાંધીયા તથા પાણીની અછત ઉપરાંત કોલસાની સપ્લાય પણ અપેક્ષાથી ઓછી રહેતાં દેશમાં સ્ટીલના ઉત્પાદનમાં તાજેતરમાં પીછેહટ દેખાઈ હતી સામે માગ સારી રહેતાં સ્ટીલની બજાર ભાવ તાજેતરમાં ઉંચા જતા દેખાયા હતા. ભારતમાં ૨૦૨૬- ૨૭ના વર્તમાન નાણાંવર્ષમાં પ્રથમ છ મહિનાના ગાળામાં સ્ટીલના વપરાશમાં ૭.૫૦ ટકાની વૃધ્ધિ નોંધાઈ છે. આ ગાળામાં ભારતમાં ફિનીશ્ડ સ્ટીલની માગ વધી આશરે ૮૫૦ લાખ ટનને આંબી ગઈ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. આ ગાળામાં દેશમાં કાચા (ક્રૂડ) સ્ટીલનું ઉત્પાદન આશરે ત્રણ ટકા વધી ૮૫૧ લાખ ટન નોંધાયું છે. ફિનીશ્ડ સ્ટીલની આયાત ૨૩થી ૨૪ ટકા વધી ૪૧થી ૪૨ લાખ ટન નોંધાઈ છે. જ્યારે નિકાસ ૨૬થી ૨૭ ટકા વધી ૩૫થી ૩૬ લાખ ટન થઈ છે. આમ આ ગાળામાં ભારતની સ્થિતિ સ્ટીલના નેટ ઈમ્પોર્ટર દેશ તરીકે જોવા મળી છે. દરમિયાન, ભારતમાં સ્ટીલની ઉત્પાદન ક્ષમતા વધી રહી છે તથા આવતા ૨૦ વર્ષમાં ૨૦૪૭ સુધીમાં આવી ક્ષમતા વધી ૬૦૪૦ લાખ ટન સુધી વાર્ષિક ધોરણે પહોંચી જશે એવો લક્ષ્યાંક સરકારે બનાવ્યો હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.




