ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સની બજારોમાં પલટાતા પ્રવાહો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દેશમાં તથા દરિયાપારના બજારોમાં તાજેતરમાં વિવિધ ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના બજારોમાં ખાસ્સી વધઘટ જોવા મળી હતી. વિશ્વ બજારમાં ૨૦૨૬ના વર્તમાન વર્ષમાં આરંભના મહિનાઓમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો સામે ટેરીફના છાશવારે બદલાતા નિવેદનોના પગલે વિશ્વના વિવિધ બજારોમાં અજંપો વધ્યો હતો અને ત્યારબાદ ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થતાં તથા આ દરમિયાન રશિયા તથા યુક્રેન વચ્ચે પણ યુદ્ધના છમકલાઓ ચાલુ રહેતાં બજારોમાં અજંપો ચાલુ રહ્યો હતો. ક્રૂડતેલના ભાવ વધી જતા તેની ઈમ્પેકટ પણ વિવિધ બજારો પર દેખાઈ હતી.
ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સની બજારોમાં કોપરની બજાર કેન્દ્ર સ્થાને રહી છે તથા કોપરના ભાવની વધઘટની અસર અન્ય ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સ પર દેખાતી રહી છે. વિશ્વ બજારમાં તાજેતરમાં કોપરના ભાવ ઉછળી ઉંચામાં ટનના ૧૪ હજાર ડોલર નજીક પહોંચી જતાં ૧૨ મહિનાની નવી ઊંચી ટોચ બજારમાં દેખાઈ હતી.
ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સની બજારોમાં કોપરના ભાવ પર બજારોના ખેલાડીઓની નજર રહેતી હોય છે. આ બજારોમાં ચીનની ભૂમિકા મહત્ત્વની મ નાય છે. ચીનમાં તાજેતરમાં કોપરની સપ્લાય ટાઈટ રહ્યાના વાવડ મળ્યા હતા. આ ઉપરાંત કોપરના મહત્ત્વના ઉત્પાદક દેશ ચીલીમાં કોપરનું ઉત્પાદન ઘટયાના સ માચાર પણ આવ્યા હતા. આના પગલે કોપરના ભાવ વધતા રહી અમેરિકાના મેટલ્સ બજારમાં સપ્ટેમ્બર વાયદાના ઉંચામાં રતલના ૬.૩૦થી ૬.૪૦ ડોલર સુધી બોલાતાં બાર મહિનાની નવી ટોચ દેખાઈ હતી જ્યારે બ્રિટનમાં બજારોમાં કોપરના ભાવ વધી ટનના ૧૪ હજાર ડોલર નજીક પહોંચ્યાના વાવડ મળ્યા હતા.
અમેરિકાના બજારોમાં આ વર્ષે કોપરના ભાવ આશરે ૧૨થી ૧૩ ટકા વધ્યા છે. જ્યારે બ્રિટનના બજારોમાં આ વર્ષે કોપરના ભાવમાં આશરે ૮થી ૯ ટકાની વૃદ્ધી દેખાઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, ચીનના બજારોમાં કોપરના સ્થાનિક સપ્લાયના બજાર ભાવ ૧૦૦ ડોલર પ્રીમિયમમાં રહ્યાના સમાચાર પણ મળ્યા હતા. આવા પ્રિમિયમો આ વર્ષે જાન્યુઆરીમાં ૨૦ ડોલર નોંધાયા હતા તે હવે વધી ૧૦૦ ડોલ રને આંબી જતાં બજારમાં પ્રવાહો પલ્ટાઈ રહ્યાના સંકેતો મળ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવમાં થતી વધઘટની અસર પણ કોપરના ભાવ પર પડતી હોય છે કારણ કે કોપરના પ્રોસેસિંગમાં બાય પ્રોડકટ તરીકે ચાંદી મળતી હોય છે. વિશ્વ બજારમાં ચાંદીની તેજી વચ્ચે દેશના બજારોમાં ચાંદીના ભાવ ઉંચામાં કિલોના રૂ.૪ લાખ સુધી પહોંચ્યા હતા. જો કે હવે ભાવ રૂ.અઢી લાખ આસપાસ રહ્યા છે. ચીનમાં કોપરના સ્ક્રેપના બજારોમાં તાજેતરમાં ટેક્સ ચોરની સંદર્ભમાં સરકારી તપાસ વધતાં તથા આના પગલે ત્યાં કોપર સ્ક્રેપની સપ્લાય પર અસર પડતાં ત્યાં મેટલ્સના વપરાશકારો સ્ક્રેપના બદલે રિફાઈન્ડ કોપર તરફ વળ્યાના સમાચાર પણ આવ્યા હતા. દરમિયાન, બ્રિટનના બજારમાં તાજેતરમાં એલએમઈ ખાતે કોપરના સ્ટોકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ત્યાં આવો સ્ટોક ઘટી માર્ચ પછીના નવા તળિયે ઉતર્યો છે. ચીનમાં કોપરનો સ્ટોક ઘટતાં બ્રિટનના બજારોમાંથી કોપર ચીન તરફ જઈ રહ્યાના સંકેતો પણ મળ્યા છે.
જો કે બ્રિટનના બજારોમાં કોપરનો સ્ટોક ઘટયો છે ત્યારે સામે અમેરિકામાં કોપરના સ્ટોકમાં વૃદ્ધી થયાના સમાચાર પણ આવ્યા છે. ચીનના બજારોમાં કોપરના સ્ટોકમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે. ત્યાં આ વર્ષે આવો સ્ટોક ઘટાડો આશરે ૪૪થી ૪૫ ટકાનો નોંધાયો છે. ત્યાં આવો સ્ટોક ઘટી ૮૦ હજાર ટનની અંદર તાજેતરમાં ઉતરી ગયાના વાવડ મળ્યા હતા.









