Business Plus
રેવડીને રેલો અમેરિકા સુધી પહોંચ્યો ટ્રમ્પે ભારતની કોપી કરી પ્રજાના ટેક્ષની આવક રેવડી ખાઇ જાય છે
By GS Team
13 Sep 20267 mins read
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિડ-ટર્મ ચૂંટણી જીતવા ભારતની 'રેવડી કલ્ચર' નીતિ અપનાવી છે. તેમણે પુખ્ત વયના દરેક નાગરિકને દર મહિને 5000 ડોલર આપવાની જાહેરાત કરી છે. ભારતમાં રાજ્યો રેવડી કલ્ચર પાછળ વાર્ષિક 1.7 લાખ કરોડથી વધુ ખર્ચે છે, જે સરકારી તિજોરી પર મોટો બોજ છે. આર્થિક નિષ્ણાતો આનાથી ચિંતિત છે.
Summarized by AI; it may make mistakes. Check important info
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિડ-ટર્મ ચૂંટણી જીતવા ભારતની 'રેવડી કલ્ચર' નીતિ અપનાવી છે. તેમણે પુખ્ત વયના દરેક નાગરિકને દર મહિને 5000 ડોલર આપવાની જાહેરાત કરી છે. ભારતમાં રાજ્યો રેવડી કલ્ચર પાછળ વાર્ષિક 1.7 લાખ કરોડથી વધુ ખર્ચે છે, જે સરકારી તિજોરી પર મોટો બોજ છે. આર્થિક નિષ્ણાતો આનાથી ચિંતિત છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
મતદારોને રોકડ કે રોજીંદા વપરાશની ચીજો વિનામૂલ્યે આપીને મત મેળવવાનો સાયલન્ટ સોદો કરવામાં આવે છે. વિકાસશીલ કે ગરીબ દેશોમાં રેવડી કલ્ચર વિજય મેળવવાનો રામબાણ ઇલાજ છે
ભારતની લોકશાહીની ફળદ્રૂપ જમીનમાં તૈયાર થયેલા રેવડી કલ્ચરનો રેલો ઠેઠ અમેરિકા પહેંાચ્યો છે. જેમ ભારતમાં કોઇ રાજકારણી હારવા કે સત્તા છોડવા તૈયાર નથી હોતા કેમકે તે સત્તા લાલચુ વાઇરસના ભોગ બન્યા હોય છે એમ હવે આ સત્તા લાલચુ વાઇરસ અમેેરિકાના પ્રમુખ ટ્રમ્પના મનમાં ઘુસી ગયો છે. લોકોને મફત ચીજો આપવાના પ્રલોભનને રેવડી કલ્ચર કહે છે. મતદારોને રોકડ કે રોજીંદા વપરાશની ચીજો વિનામૂલ્યે આપીને મત મેળવવાનો સાયલન્ટ સોદો કરવામાં આવે છે. વિકાસશીલ કે ગરીબ દેશોમાં રેવડી કલ્ચર વિજય મેળવવાનો રામબાણ ઇલાજ છે પરંતુ વિકસીત દેશોની યાદીમાં ટોપ પર આવતા અમેરિકા જેવા દેશમાં મત મેળવવા રેવડીનું વિતરણ કરાય ત્યારે તે દેશના મતદારોનું કલ્ચર ભારતના મતદારોના કલ્ચર સાથે સરખાવી શકાય.
અમેરિકામાં મીડ ટર્મ ચૂંટણીમાં જીતવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનું અનુકરણ કર્યું છે. તેમણે જાહેરાત કરી છે કે અમે જીતીશું તો પુખ્ત ઉંમરના દરેકને દર મહિને ૫૦૦૦ ડોલર આપીશું.( આજના ડોલરના ભાવ પ્રમાણે તે રકમ ૪,૭૫,૦૦૦ થાય). તેમણે શરત એવી રાખી છે કે તે રકમ વિદેશ નહીં મોકલાય અને તેનો ખર્ચ અમેરિકામાંજ કરવો પડશે. જાહેરાત કરનાર ટ્રમ્પને એ ખબર નહોતી કે અમેેરિકામાં અંદાજે ૨૬ કરોડ લોકો ૬૦ વર્ષની ઉપરના છે. તેમને જાહેરાત પ્રમાણે ચૂકવણી કરાય તો દર મહિને ૧.૩૫ મિલીયન ડોલર ચૂકવવા પડશે.
અહીં મહત્વનું એ છેકે અમેેરિકાનું દેવું ૪૦ ટ્રિલિયન ડોલર છે. વ્યક્તિગત સ્તરે લોકો દેવાની ચિંતામાં ઉંઘી શકતા નથી. દેવાનો ભાર ઓછો કરવા તે કરકસર કરે છે. પરંતુ રાજકીય સત્તા ભોગવતા લોકોને
ખબર છેકે ખર્ચ સરકારની તિજોરી પર પડવાનો છે. સરકારની તિજોરી ભરાય છે પ્રજાના ટેક્ષના પૈસાથી અને તેને ખાલી કરે રાજકારણીઓ કરે છે. આ લોકો માત્ર તિજોરી ખાલી નથી કરતા પણ રાજ્યને દેવામાં ધકેલી દે છે. રાજકારણમાં પ્રવેશતા અને રાજકારણમાં સક્રીય લોકો દેશના આર્થિક તંત્રની સ્થિતિ અંગે ભાગ્યેજ વિચારતા હોય છે.
દરેક કુટુંબ જાણે છેકે તેમની આવક પ્રમાણે ખર્ચ કરવો જોઇએ પરંતુ રાજ્ય સરકારો તે જાણતી નથી. રેવડી કલ્ચર પાછળ ખર્ચાતો પૈસો ચિંતાનો વિષય છે.
ભારતના રાજકીય પક્ષો રેવડી કલ્ચરમાં ફદફદી રહ્યા છે. દરેક જીતવા મથે છે. રેવડી વહેંચવામાં પણ સ્પર્ધા ચાલી રહી છે. ભારતમાં રેવડી કલ્ચર શબ્દની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી છે. કર્ણાટકમાં કોંગ્રેસ સત્તાપર આવી ત્યારે અનેક રેવડીનું વિતરણ કર્યું હતું. તેને ખર્ચ સરકારી તિજોરી પર ૪૦,૦૦૦ કરોડ રુપિયા તરીકે પડી રહ્યો છે. સૌથી વધુ પૈસાદાર વિધાનસભ્યમાં જેમની ગણના થાય છે તે ડી.કેે.શિવકુમાર સરકાર રચાઇ ત્યારે નાયબ મુખ્યપ્રધાન બન્યા હતા. હાલમાં તે મુખ્યપ્રધાન છે.
હવે જ્યારે કોઇ વિધાનસભ્ય તેમના વિસ્તારમાં વિકાસના કામ કરાવવા મુખ્યપ્રધાન પાસે જાય છે ત્યારે પૈસા નથી એવો જવાબ મળે છે. પંજાબમાં આમ આદમી પાર્ટી પણ રેવડીના પ્રલોભનો આપીને સત્તાપર આવી પરંતુ હવે તે વચનો પાળી શકતી નથી. ૩૦૦ યુનિટ વિજળી ફ્રી આપીને મતદારેાને જાળવી રાખ્યા છે. હિમાચલ પ્રદેશમાં ઓલ્ડ પેન્શન સ્કીમ ફરી શરૂ કરીને સરકારી તિજોરીને તળીયા સુધી ખેંચી ગયા હતા.
કરકસર કરવામાં કોઇ રાજ્ય માનતું નથી. રાજ્યોનું દેવું તેના જીએસડીપીની સરખામણીમાં આંખો ફાટી જાય એટલું છે. જેમકે રાજસ્થાનનું દેવું તેના જીએસડીપીના ૪૦ ટકા છે એમ હિમાચલ પ્રદેશનું તેના જીએસડીપીના ૪૩ ટકા છે. પંજાબનું ૫૩ ટકા છે.
દરેક રાજ્યની સરકારો અગાઉના સરકારો પર આક્ષેપ કરે છેકે તેમણે આડેધડ ખર્ચા કરીને તિજોરી ખાલી કરી છે પરંતુ પોતાના ખર્ચા પર નિયંત્રણ નથી રાખતા. રેવડી કલ્ચર અપનાવનારા પક્ષો જાણે છેે કે પોતાના કે પક્ષના કોઇ પૈસા કાઢવાના નથી પૈસા તો રાજ્યના જવાના છે. ટૂંકમાં કોના બાપની દિવાળી જેવો ઘાટ છે. રેવડી કલ્ચરના કારણે ભારતના આર્થિત તંત્ર પર વર્ષે દહાડે ૧.૭ લાખ કરોડનો ફટકો પડે છે. જોકે ગયા વર્ષે વડાપ્રધાને એક રેફરન્સ દરમ્યાન કહ્યું હતું કે રેવડી કલ્ચર પાછળ ૨.૫ લાખ કરોડનો ખર્ચ થાય છે.
મહારાષ્ટ્રની સરકારે લાડકી બહેન યોજના પાછળ ૩૬,૦૦૦ કરોડ ફાળવ્યા છે તો મધ્યપ્રદેશની સરકારે ૨૦,૪૫૦ કરોડ ફાળવ્યા છે. તેલંગાણાના મુખ્ય પ્રધાને છ ગેરંટી સ્કીમ માટે ૫૬,૦૦૦ કરોડ ફાળવ્યા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવશે એમ એમ રેવડી કલ્ચર વધુ તીવ્ર બની જશે.
રેવડી કલ્ચરને ફ્રીબિઝ તરીકે ઓળખાય છે એટલેકે ચૂંટણી લક્ષી મફત ઉપહારો. રેવડી વહેંચવાની જાહેરાત કરતા રાજકીય પક્ષો કરે છે પરંતુ તનોે ખર્ચ સરકારની તિજોરી પર પડે છે. કેટલાક રાજકીય સમિક્ષકોએ પોતાના અભિપ્રાયમાં કહ્યું છે કે જે પક્ષ રેવડીની જાહેરાત કરે તે પક્ષના ભંડોળમાંથી ખર્ચ થવો જોઇએ. જોકે કોઇ રાજકીય પક્ષ પોતાના ગાંઠના પૈસા ખર્ચવા તૈયાર નથી.
જેમને રેવડી કલ્ચરનો લાભ મળે છે તે લોકો ખુશ એટલા માટે છે કે તેમના લાઇટબીલ ઓછા આવે છે. તેમના રોજીંદા ઘર ખર્ચમાં ઘટાડો થાય છે. દેશમાં એક વર્ગ એવો છે કે જે જાણે છે કે રાજકારણીઓ ભ્રષ્ટાચાર કરીને પોતાના ઘર ભરે છે. આવા સંજોગોમાં જે વધુ પ્રલોભનો આપે તેમને ચૂંટવાથી આર્થિક લાભ થતો હોય તો તેમને ચૂંટવા જોઇએ એમ તે માને છે.
જે લોકોને રેવડી કલ્ચરનો લાભ નથી મળતો એવા મતદારો માને છેકે ગરીબ વર્ગને મફતમાં કંઇ મળતું હોય તો આડે ના આવવું જોઇએ.ટૂંકમાં રેવડી કલ્ચર ભારતના રાજકારણમાં ઘૂસી ગયું છે અને અને આગામી સમયમાં તે વધુ પ્રલોભનો વાળું બની રહેશે.
અહીં પ્રશ્ન એ છે કે રેવડી કલ્ચર પાછળ ખર્ચાતો પૈસો વિકાસના અન્ય કામોને અટકાવી રહ્યો છે. ભારતમાં રેવડી કલ્ચર પાછળ કેટલો પૈસો ખર્ચાય છે તેની કોઇ ચોક્કસ રકમ જાણવા નથી મળતી પરંતુ આર્થિક નિષ્ણાતો કહે છે કે ૨૦૨૫-૨૬માં તે રકમ ૧.૭ લાખ કરોડ જેટલી હતી.
પાવર સબસિડી, ફ્રી ટ્રાન્સપોર્ટ, કિસાનોના દેવા માફ વગેરે ખર્ચ રાજ્યોની તિજોરી પર ભાર વધારતા હોય છે. અમેરિકાના પ્રમુખે જે રેવડી કલ્ચરની વાત કરી છે તે તરફ પાછા ફરીયે તો તેમણે જે જાહેરાત કરી છે તેને ટ્રમ્પ ડિવિડન્ડ નામ અપાયું છે. ડોનાલ્ડ ટ્રમ્પને એવો ડર છેકે તે મીડ ટર્મનો જંગ હારી રહ્યા છે. લોકો બેરોજગારી અને મોંઘવારી તેમજ સતત યુધ્ધથી કંટાળેલા છે. તેમનો આક્રોશ તે ટ્રમ્પ વિરૂધ્ધ મતદાન કરીને ઉતારી શકે છે. ટૂંકમા રિપબ્લીકન પક્ષના ટ્રમ્પને હારનો ડર સતાવી રહ્યો છે.
કહે છેકે ટ્રમ્પે ચૂંટણી જીતવા ભારતના રાજકીય પક્ષોનો દાવ અજમાવ્યો છે. અમેરિકામાં નવેમ્બરમાં મિડ ટર્મનો જંગ છે. ટ્રમ્પના ડિવિડન્ડમાં કહેવાયું છે કે બંને ગૃહમાં તેમના પક્ષનો વિજય થશે તો પુખ્ત વયના લોકોને ૫૦૦૦ ડોલરનું ટ્રમ્પ ડિવિડન્ડ મળશે.
સુપ્રિમ કોર્ટે પણ એક ટીપણીમાં કહ્યું હતું કે ટેક્ષ ભરતા લોકોના નાણા રેવડીના વિતરણમાં વપરાય છે જેના કારણે રાજ્યો દેવાદાર બની રહ્યાં છે. દરેક સરકાર પાસે નાણા ઉભા કરવાનું સૌથી મહત્વનું ક્ષેત્ર ટેક્ષ છે.
અમેરિકા જેવા વિકસિત અને સુપર પાવર કહેવાતા દેશને રેવડી કલ્ચર તરફ ખેંચી જવાનો ટ્રમ્પનો પ્રયોગ અમેરિકાના આર્થિક તંત્રને વધુ ગુંચવી મારશે.અમેરિકા ભલે સુપર પાવર કહેવાતું હોય અને વિકસિત દેશમાં ટોપ પર હોય પરંતુ તેના રાજકારણીઓને ભારત જેવા વિકાસશીલ દેશના રાજકારણીઆએે ઉભા કરેલા રેવડી કલ્ચરનું અનુકરણ કરવું પડે તેનું આશ્ચર્ય થાય છે. - રેવડી નામે કલર ટીવી, લેપટોપ, ફ્રીઝ, ટેબલ ફેનની ઓફર
રેવડીકલ્ચરનો પાયો પહેલાં તમિળનાડુમાં નખાયો હતો
ભારતમાં રેવડી કલ્ચરની શરૂઆત કેશ ટ્રાન્સફર તે ટેબલેટ વિનામૂલ્યે આપવાથી શરૂ નથી થઇ પણ ૧૯૫૦-૬૦ના દાયકામાં મત મેળવવા વેલફેર સ્કીમમાં આપાતી હતી. જ્યારે મદ્રાસ રાજ્ય હતું ત્યારે મુખ્યપ્રધાન કે. કામરાજે મફત શિક્ષણ અને મિડ ડે મીલની શરૂઆત કરી હતી.
૧૯૬૭માં જ્યારે તમિળનાડુના મુખ્ય પ્રધાન તરીકે સી.એન.અન્ના દુરાઇ હતા ત્યારે તેમણે રેશનીંગના ચોખામાં સબસીડીની જાહેરાત કરી હતી. તે ચૂંટણી જીતી ગયા હતા. જાહેર કરેલી સ્કીમનો અમલ પણ કર્યો હતો. જોકે રાજ્ય પરના આર્થિક સંકટના કારણેે પ્રેાજેક્ટ પડતો મુક્યો હતો. રેવડીની ખરી વહેંચણીતો ૨૦૦૬ના વર્ષમાં જોવા મળી હતી જ્યાર રાજકીય પક્ષ ડીએમકેના એમ. કરૂણાનિધિએ રેવડીની વણઝાર ઉભી કરી હતી.
જેમકે કલર ટેલિવિઝન, સસ્તાભાવે ચોખા,ગેસ સ્ટોવ વગેરેની જાહેરાત કરાઇ હતી. ૨૦૧૧માં તો ડીએમકે અને અન્ના ડીએમકે વચ્ચેની સ્પર્ધા એટલી તીવ્ર હતી કે મતદારોને મિક્સચર, ટેબલ ફેન, લેપટોપ વગેરે આપવાની જાહેરાત કરાઇ હતી. આવી જાહારાતોની આડ સ્વરૂપે શ્રમિકો તેમના વતનમાં જતા રહ્યા હતા. જાહેરાતમાં એવું હતું કે જેનું ઘર ખુલ્લું હશે તેનેજ ટીવી મળશે.
અસર એવી થઇ હતી કે દેશભરમાં ચાલતા હેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઠપ થઇ ગયા હતા. કેમકે આવા પ્રોજેક્ટ પર કામ કરતા તમિળનાડુના ૨૦૧૦માં તમિળનાડુમાં તગડો થયેલા રેવડીનો વાઇરસ આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ દિલ્હી જીતવા લઇ ગયા હતા.
દક્ષિણના રાજ્યોનું રેવડી મોડલ દિલ્હીમાં છવાઇ ગયું હતું અને બે વર્ષ પહેલાં ઉભી થયેલી પાર્ટી દિલ્હી જીતી ગઇ હતી. દક્ષિણના રાજ્યોને શરમાવે એવી રેવડીનું વિતરણ તેમણે કર્યું હતું. કેજરીવાલને સુલતાન ઓફ સબસિડી કહેવાયા હતા.
પહેલી નજરે આ બધું સારૂં લાગતું હોય છે પરંતુ ગુજરાતીની કહેવત કન્યાની કેડે ભાર અહીં બંધ બેસતી આવે છે. રાજકીય પક્ષો જાહેરાતો કરે છે અને ચૂકવવાનું સરકારને આવે છે. રિઝર્વ બેંક વારંવાર કહી ચૂકી છેકે આ રેવડી કલ્ચર બંધ કરો તેના કારણે રાજ્યો આર્થિક સંકટમાં મુકાયા છે.
૨૦૨૫-૨૬ના આર્થિક સર્વેક્ષણમાં કહેવાયું હતું કે અનકન્ડીશનલ કેશ ટ્રાન્સફર૨૦૨૩-૨૦૨૬ દરમ્યાન પાંચ ગણી વધી ગઇ છે. જોકે રાજકીય પક્ષોને જીતવા માટેનું હથિયાર મળી ગયું છે.
આર્થિક નિષ્ણાતો અને રાજકીય પક્ષો વચ્ચે રેવડી કલ્ચર દુર કરવાની ચર્ચા પણ થઇ હતી પરંતુ પ્રાદેશિક પક્ષો રેવડી કલ્ચરને પાણી સીંચી રહ્યા છે. રેવડી કલ્ચર એ કરપ્શનનો એક ભાગ છે. જેમાં રેવડી આપીને વોટ ખરીદાય છે.




