Business Plus

હવે ચાય પે ચર્ચા નહિ, ખાંડ પે ખટપટ : મીઠાઈ ખાય એ દેશદ્રોહી

By GS Team
23 Aug 20263 mins read
TukuTouch Logo
કોમર્સ ડિપાર્ટમેન્ટની મીટિંગમાં બોસે ચા ન આપવાની જાહેરાત કરતા અધિકારીઓએ ખાંડ મોંઘી થવા અંગે ચર્ચા કરી. બોસે જણાવ્યું કે દેશમાં 10 વર્ષમાં પહેલીવાર ખાંડની આયાત કરાશે, કારણકે તેની તંગી છે. એક અધિકારીએ પેટ્રોલની કરકસર જેમ ખાંડની પણ કરકસર કરવા અને મીઠાઈ પર પ્રતિબંધ મૂકવાનો સૂચન કર્યું. મંદિરોમાં પ્રસાદ પણ બંધ થશે, જેથી દાનચોરી ઘટશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે ચાય પે ચર્ચા નહિ, ખાંડ પે ખટપટ : મીઠાઈ ખાય એ દેશદ્રોહી
  • સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
    કોમર્સ ડિપાર્ટમેન્ટની મીટિંગ ચાલુ થતાં જ બોસે જાહેર કરી દીધું. 'ચાય પે ચર્ચા ભૂલી જાઓ. આ મીટિંગમાં કોઈનેય ચા નહિ અપાય.'
    એક અધિકારી કહે, 'દેશ તો આમેય ચાય પે ચર્ચા વખતે કેવાં કેવાં વચનો અપાયાં હતાં તે ૧૨ વર્ષથી ભૂલી જ ગયો છે. હવે ચા પણ ભૂલી જશે.'
    બીજા અધિકારી કહે, ' ચા, દૂધ, એલપીજી ગેસ બધું મોંઘું થઈ ગયું છે. એટલે ચા ભૂલવા સિવાય છૂટકો ક્યાં છે.'
    ત્યાં ત્રીજા અધિકારી કહે, 'ખાંડ, માય ડિયર… તમે ખાંડ મોંઘી થઈ ગઈ એ ભૂલી ગયા.'
    'ધેર યુ આર..' બોસ બરાડયા.'એટલે જ તો આ મીટિંગ બોલાવી છે. અહીં ચાય પે ચર્ચા નહિ પણ હવે ખાંડ પે ખટપટ થશે.'
    એક અધિકારી કહે, 'કરી નાખીએ ખટપટ. પણ ખાંડ ક્યાં? ભલે, ચા ન આપો તો પણ સૂગર ક્યુબ કે ખાંડની પડીકીઓ તો ટેબલ પર મૂકો.'
    બોસ કહે, 'ડિઅર, ખાંડ તો દેશમાં છે જ નહિ. એટલે જ તો મોંઘી થઈ ગઈ છે અને એટલે જ તો આપણે દસ વર્ષમાં પહેલીવાર ખાંડ આયાત કરી રહ્યા છીએ.'
    બીજા અધિકારી તાળી પાડતાં પાડતાં કહે, 'વાહ, વાહ…આટલી હદે પ્રજા વત્સલ સરકાર તો પાછલાં ૫૦ હજાર વર્ષમાં પૃથ્વીલોક તો શું એકેય ગ્રહ પર નહીં આવી હોય. જરાક ખાંડની તાણ પડી એમાં તો વિદેશથી આયાત શરુ. હું તો કહું છું કે સરકારે દેશનાં દરેક મોટાં બંદર પર ખાંડના કન્ટેનરનાં સ્વાગત કાર્યક્રમો ગોઠવવા જોઈએ. પ્રધાનો અને મંત્રીઓ કન્ટેનરોને આવકારે. તેનાં જહાજોના કપ્તાનો અને નાવિકો જાણે જંગ લડીને આવ્યા હોય તેમ તેમનું સ્વાગત થાય . મંત્રીશ્રી ખુદ કોઈ મજૂરે ઉંચકેલી ખાંડની એક બોરીને હાથ લગાડીને તેના પર કુમકુમ તિલક કરી ગુલાબની પાંખડીઓ વેરીને તેને આવકારે અને આ પ્રસંગે ચોતરફ મીઠાઈ વહેંચાય…'
    'ખબરદાર…' બોસે હાકોટો પાડયો. 'એ નથી કરવાનું. મતલબ કે મીઠાઈ નથી વેચવાની. હમણા થોડા મહિના પહેલાં યુદ્ધના કારણે પેટ્રોલ-ડીઝલની તાણ પડી ગઈ હતી તો આપણે કેવા પેટ્રોલના કરકસરનાં પગલાં જાહેર કર્યાં હતાં? એમ હવે ખાંડની તાણ પડી ગઈ છે તો ખાંડની પણ કરકસર જાહેર કરીશું. મીઠાઈઓ ખાશે તેને દેશદ્રોહી જાહેર કરીશું. ચોકલેટો, ડેઝર્ટ, આઈસક્રીમ બધા પર પ્રતિબંધ. મંદિરોમાં મીઠો પ્રસાદ પણ બંધ…'
    'માસ્ટર સ્ટ્રોક…' એક અધિકારી ઉછળ્યા. 'મંદિરોમાં પ્રસાદ બંધ થશે એટલે ભક્તો ઘટશે. એટલે દાન ઘટશે તો દાનચોરી પણ ઘટશે. વાહ, મંદિરોમાંથી દાન ચોરી અટકાવવાનો જોરદાર માસ્ટર સ્ટ્રોક.'
    ત્યા ત્રીજા અધિકારી કહે, 'આ માસ્ટર સ્ટ્રોક અને પેટ્રોલની વાત પરથી યાદ આવ્યું. આપણે પહેલાં વિદેશી હુંડિયામણ બચાવવા માટે પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવા પર જોર આપ્યું તેમાં શેરડીનો પાક ખાંડને બદલે ઈથેનોલમાં વપરાવા માંડયો. તેના કારણે ખાંડની તંગી પડી એટલે હવે પેલાં બચેલાં વિદેશી હુંડિયામણમાંથી જ ખાંડની આયાત કરશું. વાહ, આને કહેવાય વિઝન… ઈથેનોલથી બચાવેલું વિદેશી હુંડિયામણ હવે ખાંડની આયાતમાં વપરાશે. શું દીર્ઘદ્રષ્ટિ…શું પ્લાનિંગ… શું માસ્ટરસ્ટ્રોક…'
    અધિકારી બોલતા રહ્યા. આખો મીટિંગ રુમ ખાલી થઈ ગયો.
    સ્માઈલ ટિપ
    જૂની ફિલ્મનું ટાઈટલઃ મોતી વેરાણાં ચોકમાં
    નવી ફિલ્મનું ટાઈટલઃ ખાંડ વેરાણી ઈથેનોલમાં.