હવે Appleમાં પણ કર્મચારીઓ છટણીનો શિકાર, સોફ્ટવેર ટીમમાંથી 200 એન્જિનિયરને હાંકી કાઢ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Apple Layoffs 2026 : ટેક જાયન્ટ એપલ (Apple) દ્વારા પોતાના કર્મચારીઓ અંગે એક મોટો અને કઠોર નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ હાર્ડવેર પરથી પોતાનું ધ્યાન હટાવીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર ફોકસ કરવા માટે 200 થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ છટણીમાં મુખ્યત્વે સિરી (Siri) ડિજિટલ આસિસ્ટન્ટ અને વિઝન પ્રો (Vision Pro) હેડસેટ સાથે જોડાયેલી ટીમોને સૌથી વધુ અસર થઈ છે.
વિઝન પ્રો અને સિરી ટીમમાં કાપ
મળતી માહિતી મુજબ, એપલ પોતાની 'ઇન્ટેલિજન્ટ સિસ્ટમ્સ એક્સપિરિયન્સ' ટીમના કર્મચારીઓની પણ છટણી કરી રહી છે. આ ટીમ કંપનીના સોફ્ટવેર એન્જિનિયરિંગ વિભાગનો એક મહત્ત્વનો ભાગ છે અને ડિવાઇસ પર કેટલાક AI ફીચર્સ માટે જવાબદાર છે. કંપનીએ ગેમિંગ પર ફોકસ્ડ 'વિઝન પ્રો' ટીમને મોટા ભાગે બંધ કરી દીધી છે. એકંદરે કંપનીએ 200 લોકોની છટણી કરી છે, જેમાં વિઝન પ્રો ઓર્ગેનાઈઝેશનમાંથી 100 અને સિરી તેમજ અન્ય સોફ્ટવેર ટીમોમાંથી 100 જેટલા લોકોને હટાવવામાં આવ્યા છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ભાર
એપલ પોતાના વોઇસ આસિસ્ટન્ટ સિરીને સંપૂર્ણપણે નવું રૂપ આપી રહ્યું છે. જૂનું સિરી આર્કિટેક્ચર હવે નવા AI ને સંભાળવા માટે સક્ષમ રહ્યું નથી. હવે કંપનીને એવા કોડિંગ એક્સપર્ટ્સની જરૂરિયાત છે, જેઓ નવી જનરેટિવ AI નું કામ જાણતા હોય. આ કારણોસર જૂની ટીમમાંથી 100 પદો ઘટાડીને નવી AI-કેન્દ્રિત ભૂમિકાઓ ઊભી કરવામાં આવી રહી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ફેરફાર યુઝર્સને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે છે. કંપની પ્રભાવિત કર્મચારીઓને એપલમાં જ અન્ય જગ્યાએ અરજી કરવાની તક આપીને મદદ કરવા પ્રતિબદ્ધ છે.
વિઝન પ્રો કેમ નિષ્ફળ રહ્યું?
રિપોર્ટ અનુસાર, 3 લાખ રૂપિયાથી વધુની ભારેખમ કિંમત અને વજનના કારણે વિઝન પ્રો ગ્રાહકોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યું છે. વધુમાં, તેના માટે 3D ઇમર્સિવ વીડિયોના એક-એક એપિસોડ પાછળ લાખો ડોલરનો જંગી ખર્ચ થતો હતો. ઓછા યુઝર બેઝના કારણે આ પ્રોજેક્ટ કંપની માટે ખોટનો સોદો સાબિત થઈ રહ્યો હતો. આર્થિક નુકસાન અટકાવવા એપલે પોતાની ઇન-હાઉસ ગેમિંગ અને વીડિયો પ્રોડક્શન ટીમને પણ અત્યંત નાની કરી દીધી છે.









