Business Plus

ટેરિફના અવરોધોને અવગણી એન્જિનિયરિંગ નિકાસની વૃદ્ધિ તેજ બની

By GS Team
25 Oct 20263 mins read
ટેરિફના અવરોધોને અવગણી એન્જિનિયરિંગ નિકાસની વૃદ્ધિ તેજ બની
  • ખરીદદારો દ્વારા ટેરિફનો ખર્ચ સ્વીકારી લેવાતા અમેરિકામાં નિકાસ ફરી વધીત નવા બજારોનો લેવાઈ રહેલો લાભ

ભારતના નિકાસ ક્ષેત્રમાં કુલ નિકાસના ૨૭-૨૮% જેટલો સૌથી મોટો હિસ્સો અને વિનિર્માણ (મેન્યુફેક્ચર્ડ) માલસામાનની નિકાસમાં લગભગ ૪૦% યોગદાન હોવા છતાં, એન્જિનિયરિંગ સામાન ભાગ્યે જ ચર્ચામાં આવે છે. આનું કારણ તેની અંદર સમાવિષ્ટ ઉત્પાદનોની વ્યાપક વિવિધતા છે, જેમાં એસોર્ટેડ ધાતુ અને સ્ટીલ ઉત્પાદનો, મશીનરી, ઓટોમોબાઇલ્સ, ઓટો પાર્ટ્સ, સંરક્ષણ સાધનો અને વિમાનના પાર્ટ્સનો સમાવેશ થાય છે. કોઈપણ એક ઉદ્યોગનું પ્રભુત્વ ન હોવાથી, એન્જિનિયરિંગ સામાનના નિકાસકારો વધુ ચોક્કસ વ્યાખ્યાયિત ક્ષેત્રો જેવી પ્રસિદ્ધિ મેળવી શકતા નથી. છતાં, તેમણે છેલ્લા એક વર્ષ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના સતત ટેરિફ હુમલા વચ્ચે સૌથી શ્રેષ્ઠ પુનરાગમન નોંધાવ્યું છે.
વધુ મહત્ત્વની વાત એ છે કે, ગયા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ૫૦% વધારાના ટેરિફને કારણે અમેરિકામાં એન્જિનિયરિંગ સામાનની નિકાસમાં બે આંકડાનો ઘટાડો નોંધાયા બાદ, તે ઝડપથી પાટા પર આવી ગઈ છે. ચાલુ વર્ષના એપ્રિલ-ઓગસ્ટમાં અમેરિકામાં નિકાસ વધુ વેગવંતી બની અને ૧૫.૫%ના પ્રભાવશાળી દરે વધીને ૯.૯૭ બિલિયન ડોલર થઈ, જેમાં ઓગસ્ટ મહિનામાં જ શિપમેન્ટ્સમાં ૩૧%નો ઉછાળો જોવા મળ્યો હતો. આ વિસ્તરણનો દર ટેરિફના હુમલા પહેલાના સ્તર કરતા પણ વધારે છે.
સ્ટીલ અને એલ્યુમિનિયમ આઇટમ્સ પરના ૫૦% પ્રોડક્ટ-વિશિષ્ટ ટેરિફ પણ નિકાસની ગતિ ધીમી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ૫૦% ડયુટી તમામ દેશો માટે લાગુ છે, તેથી અમેરિકન ખરીદદારો પાસે વ્યવહારિક રીતે તેને સ્વીકારી લેવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેમની ખરીદશક્તિમાં કદાચ આંશિક ઘટાડો થયો હશે. યોગ્ય શિપમેન્ટ વ્યૂહરચના અને ભારતીય સપ્લાયર્સ તેમજ અમેરિકન ગ્રાહકો દ્વારા માર્જિન પરનો અસ્થાયી બોજ વહેંચવાની તૈયારીએ એન્જિનિયરિંગ ક્ષેત્રના નિકાસકારોને ટેરિફની અનિશ્ચિતતાઓ સામે ટકી રહેવામાં મદદ કરી છે.
જે કંપનીઓ અમેરિકાની સપ્લાય ચેઇનમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે, તેમને ટૂંકી નોટિસ પર બદલવી મુશ્કેલ છે. જ્યાં સુધી સ્પર્ધકો ખૂબ આકર્ષક ભાવ ન આપે, ત્યાં સુધી ગ્રાહકો સામાન્ય રીતે વિક્રેતા બદલતા નથી, કારણ કે નવા સપ્લાયર્સ સાથે સપ્લાય સિસ્ટમ અને લોજિસ્ટિક્સનું પુન:નિર્માણ કરવું સરળ નથી.
જોકે, નિકાસના સારા આંકડા વાસ્તવિક ગ્રાઉન્ડ લેવલની અમુક હકીકતોને છુપાવે છે. મોટાભાગે ઊંચા નિકાસ મૂલ્યો વૈશ્વિક ભાવવધારાને પ્રતિબિંબિત કરે છે, જેના કારણે ભારતનો આયાત ખર્ચ પણ વધ્યો છે. ચોખ્ખી નિકાસ આ હેડલાઇન આંકડાઓ કરતા ઘણી ઓછી છે.
બજારના વૈવિધ્યકરણ (ડાઇવર્સિફિકેશન)થી પણ સમગ્ર શિપમેન્ટ્સને ટેકો મળ્યો છે, જેમાં આ ક્ષેત્રમાંથી કુલ નિકાસ ૪.૯% વધીને ૧૨૨.૪૩ બિલિયન ડોલર થઈ છે. ૨૦૨૫-૨૬માં ચીનના બજારમાં ૩૨.૪%, જર્મનીમાં ૧૪.૬%, યુકેમાં ૧૮.૨% અને ઇટાલીમાં ૧૬%નો વધારો જોવા મળ્યો હતો. દક્ષિણ કોરિયા, જાપાન, બ્રાઝિલ અને નેધરલેન્ડ્સમાં પણ બે આંકડામાં વૃદ્ધિ થઈ છે. સ્ટીલ ઉત્પાદનો માટે, ભારતે યુરોપિયન યુનિયન તરફથી ૧.૯ મિલિયન ટનનો દેશ-વિશિષ્ટ ટેરિફ-રેટ ક્વોટા સુરક્ષિત કર્યો છે. આ ક્વોટા હેઠળના શિપમેન્ટ્સ કસ્ટમ્સ યુનિયનમાં ૦% ડયુટી સાથે પ્રવેશ કરે છે, જ્યારે ક્વોટા મર્યાદાથી વધુની નિકાસ પર ૫૦% ટેરિફ લાગે છે.
જાણકારોએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ મહિનામાં જોવા મળેલો વૃદ્ધિ દર આગળ પણ ચાલુ રહેવાની અથવા વધુ વેગ પકડવાની નિકાસકારો અપેક્ષા રાખે છે. અમેરિકા તરફથી સ્થિર માંગ છે. ગયા વર્ષે પણ, નિકાસકારોએ ઊંચા ટેરિફ છતાં બજારમાં પોતાની હાજરી જાળવી રાખવા માટે ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ આપીને ટેરિફની અસર ઘટાડવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો, ભલે તેમના માર્જિનને ફટકો પડયો હોય. ૫૦% ટેરિફ ઓગસ્ટ ૨૦૨૫ના અંતથી ફેબ્રુઆરી ૨૦૨૬ની શરૂઆત સુધી અમલમાં રહ્યા હતા. ઘણા નિકાસકારોએ અમેરિકન ખરીદદારો સાથે ૫૦% ટેરિફની અસર સરખે હિસ્સે વહેંચવાની વ્યવસ્થા કરી હતી. આ ટેરિફના રિફંડની પ્રક્રિયા શરૂ થતાં, સંમત થયા મુજબ આયાતકારો તેમની સાથે રિફંડ વહેંચશે તેવી નિકાસકારોને અપેક્ષા છે, જોકે આ પ્રક્રિયા ખૂબ ધીમી ચાલી રહી છે.