Business Plus

પાકિસ્તાન, સાઉદી અને ટર્કીને એક ટેબલ પર અમેરિકા ખેંચી લાવ્યું

By GS Team
16 Aug 20264 mins read
TukuTouch Logo
ઋષિમુનિઓના કુળ અને નદીઓના મૂળ ના શોધાય એમ કહે છે પરંતુ વિશ્વની સમસ્યાના મૂળ શોધો તો છેવટે અમેરિકામાં જ નીકળે. આ હકીકત છે. વિશ્વ હાલમાં એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે કે કોણ કોની સાથે છે કે રહેશે એ કહેવું મુશ્કેલ થઈ ગયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાન, સાઉદી અને ટર્કીને એક ટેબલ પર અમેરિકા ખેંચી લાવ્યું

ઋષિમુનિઓના કુળ અને નદીઓના મૂળ ના શોધાય એમ કહે છે પરંતુ વિશ્વની સમસ્યાના મૂળ શોધો તો છેવટે અમેરિકામાં જ નીકળે. આ હકીકત છે. વિશ્વ હાલમાં એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે કે કોણ કોની સાથે છે કે રહેશે એ કહેવું મુશ્કેલ થઈ ગયું છે.
પાકિસ્તાન, સાઉદી અને ટર્કી આ ત્રણેય વચ્ચે મક્કા એગ્રીમેન્ટ થયા. આવા તો ઘણા કરારો થયા છે પરંતુ આ કરાર જે સમયે થયા છે એ તેનું મહત્વ વધારે છે. કોઈ પણ ભાગીદારી ત્યારે જ થાય કે જ્યારે દરેકની પાસે કંઈક ખૂટતું હોય અને કંઈક એક્સપર્ટાઈઝ હોય. સાઉદી પાસે રૂપિયા છે અને તેલ છે પરંતુ તેની પાસે મેનપાવર અને ટેકનોલોજી નથી. ટર્કી પાસે ટેક્નોલોજી - ખાસ કરીને ડ્રોન બનાવવાની અને નાટો મેમ્બર છે પરંતુ તેની પાસે પણ મેનપાવર, ન્યુક્લીયર અને સાઉદી જેટલો પૈસો નથી. જ્યારે પાકિસ્તાન પાસે ન્યુક્લીયર પાવર છે અને સેના છે પરંતુ હાથમાં કટોરો છે. આ ત્રણેય દેશ તો મક્કા કરારને ઇસ્લામિક નાટો જ કહે છે, પરંતુ ઘણા તેને સુન્ની નાટો કહે છે.
આમ ત્રણેય દેશની મજબૂરી એ તેમને એક પ્લેટફોર્મ પર લાવ્યા એવું પ્રથમ નજરે લાગે. પરંતુ જો એવું જ હોત તો આ પહેલા કેમ તેઓ એક ના થયા? એ પણ પ્રશ્ન થાય જ. હવે આ ત્રણેયને એક ટેબલ પર લાવવામાં અમેરિકાની એન્ટ્રી થાય છે. અમેરિકા તેના સ્વાર્થ વગર રમતમાં એક પણ ચાલ ચાલે નહીં. અમેરિકા હવે થાકી ગયું છે. નવેમ્બરમાં મધ્ય સત્રની ચૂંટણી આવે છે. તેમાં જો વિરોધ પક્ષ મજબૂત થાય તો ટ્રમ્પની સત્તા તો ન જાય પણ તેને સેનેટમાં બિલ પસાર કરાવવા મુશ્કેલ પડે. હાલમાં બંને ગૃહમાં બહુમતી છે એટલે બિલ પાસ કરવા સરળ રહે છે. પરંતુ મધ્ય સત્રની ચૂંટણીમાં ટ્રમ્પ સામે મહાભિયોગનો ખતરો પણ તોળાય છે.
અમેરિકા પાસે શસ્ત્રો પૂરા થઈ ગયા છે. તેની સેનેટ હવે યુદ્ધ માટે વધુ બજેટ આપવામાં સહમત નથી. ટ્રમ્પની નીતિઓ એ મોંઘવારી, ઇમિગ્રેશન, બેરોજગારી વધારી છે જેને કારણે ૬૧થી ૬૯% અમેરિકન લોકો ટ્રમ્પને પસંદ કરતા નથી. આથી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમેરિકાએ નવી ચાલ ચાલવાનું વિચાર્યું છે. જેના ખૂબ વખાણ થયા કે પાકિસ્તાન, સાઉદી અને ટર્કી એક ટેબલ પર આવ્યા અને કરાર કર્યો.
જો મક્કા કરાર મુજબ આ ત્રણેય સુન્ની દેશોમાંથી કોઈ એક પર હુમલો થાય તો ત્રણેય પર હુમલો થયો છે એમ માનીને ત્રણેય સાથે લડાઈ લડશે. જે નાટોના આર્ટિકલ પાંચના ક્લોઝને કોપી પેસ્ટ કરીને મૂકી દીધેલ છે. અમેરિકાને હવે ધીમે ધીમે ઈરાન ઇઝરાયલ યુદ્ધમાંથી નીકળવું છે. મા મને કોઠીમાંથી કાઢ આવી હાલત થઈ છે. તેથી જો આ ત્રણ સુન્ની દેશોને શિયા દેશ ઈરાન સામે ભેડવી દે તો પોતાની જાન છૂટે. આ તરફ સાઉદીને પણ ઈરાન સાથે બનતું નથી. હમણાં જ સાઉદીની સૌથી મોટી ઓઈલ ફેક્ટરી પર હુમલો કર્યો છે. બીજું ઈરાન અમેરિકાને હંફાવી રહ્યું છે એ જોઈને ઇસ્લામિક દેશોમાં ઇરાનનું મહત્વ વધતું જાય છે તેનું પલ્લુ ભારી થાય છે. જે સાઉદી અને ટર્કી બંનેથી જોવાય નહીં. ટર્કિના અર્દઘલને તો આમ પણ ખલીફા થવાની ચટપટી છે. આથી તેને પણ ઈરાન સાથે દાવ લેવાની ઈચ્છા હોય જ. પાકિસ્તાન તો પોતાના દેશના શિયા નાગરિકોને પણ શાંતિથી નથી રહેવા દેતુ તો ઈરાન તો બીજો દેશ છે. અને આમ પણ પાકિસ્તાન સ્વાર્થ માટે કોઈના પણ પાટલે બેસવા તૈયાર જ છે.
ભારતના પરિપેક્ષ્યમાં વિચારીએ તો…. ટર્કી યુરોપિયન નાટોનું મેમ્બર છે આથી તેની પાસે નાટોની ટ્રેનિંગ લીધેલ સૈન્ય છે. સાથો સાથ જો આ સમીકરણને આગળ લઈ જઈએ તો જો પાકિસ્તાન ભારત પર હુમલો કરે છે અને ભારત પણ વળતો જવાબ આપે છે. સાઉદી અને ટર્કી પણ ભારત સામે યુદ્ધમાં ઉતરે. નાટોની શરત મુજબ યુરોપિયન દેશો એ પણ ટર્કી ને સહાય કરવી પડે છે. જો કે આ શકયતાને સમીકરણો 'જો' અને 'તો' પર આધારિત છે.
ભૂતકાળ તરફ નજર નાખીએ તો આવો કરાર પાકિસ્તાન અને સાઉદી વચ્ચે થયેલો જ હતો. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે જ્યારે યુદ્ધના છમકલા થયા ત્યારે સાઉદીએ કોઈ જ મદદ કરેલી ન હતી. આમ ભવિષ્યમાં આ કરારનો ઉપયોગ પણ દરેક દેશ પોત પોતાની અનુકૂળતા મુજબ અથવા તો અમેરિકાની ઈચ્છા મુજબ કરે તો નવાઈ ન કહેવાય!

  • પરેશ કે.ભટ્ટ