ઈથેનોલ પ્રશ્ને સુગરની બાદબાકી પછી હવે મકાઈ પર ખેલાડીઓની મંડાયેલી નજર

- ઊભી બજારે-દિલીપ શાહ
- મકાઈમાંથી બનતા ઈથેનોલના ખરીદભાવ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઘટાડતાં ચકચાર
આ વર્ષે ઈરાન તથા અમેરિકા વચ્ચેના યુદ્ધના પગલે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચા ગયા છે તથા તેના પગલે ભારતમાં આયાત થતા ક્રૂડ તેલની ઈમ્પોર્ટના બિલમાં નોંધપાત્ર વૃદ્ધી થઈ છે ત્યારે આયાત પર આધાર ઘટાડવા ઘરઆંગણે ફયુઅલમાં બ્લેન્ડીંગ માટે વપરાતા ઈથેનોલનો વિષય ટોક ઓફ ધી ટાઉન બન્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. અગાઉ ઈથેનોલના ઉત્પાદનમાં ખાંડ તથા શેરડીનો વ્યાપક વપરાશ થતો હતો પરંતુ તાજેતરમાં દેશમાં ખાંડના ભાવ ઝડપી વધી જતાં ઈથેનોલના ઉત્પાદન માટે ખાંડ-શેરડીના વપરાશ પર સરકારે અંકુશો મુક્યા છે. ત્યારે મકાઈમાંથી ઈથેનોલ બનાવવા તરફ બધાનું લક્ષ ફંટાયું છે.
દરમિયાન, મકાઈમાંથી બનાવવામાં આવતાં ઈથેનોલના ખરીદભાવમાં તાજેતરમાં લીટરદીઠ ત્રણ રૂપિયાનો ઘટાડો કરવામાં આવતાં ગ્રેઈન-બેઝડ ડિસ્ટીલરીઓએ નારાજગી દર્શાવી હોવાના સમાચાર પણ તાજેતરમાં આવ્યા હતા. આ દરમિયાન શેરડીનો જ્યુસ તથા સીરપ અને બી-હેવી મોલાસીસમાંથી બનાવાતા ઈથેનોલ પર અંકુશો મુકાતાં ખાંડ ઉદ્યોગે સરકારના આ પગલાંને આવકાર આપ્યાના વાવડ પણ મળ્યા હતા. ઈથેનોલ બ્લેન્ડીંગ પ્રોગ્રામ શરૂ કરાયા પછીના અત્યાર સુધીના ગાળામાં પ્રથમ વખત ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ મકાઈમાંથી બનાવાતા ઈથેનોલના ખરીદભાવમાં ઘટાડો કર્યો હોવાનું અનાજ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. આવા ભાવ ઈથેનોલ સપ્લાય વર્ષ ૨૦૨૨-૨૩માં નીચા રાખવામાં આવ્યા હતા તે ત્યાર પછીના ગાળામાં વધારાયા પછી તાજેતરમાં આ ભાવ ફરી ઘટાડવામાં આવ્યાના સમાચાર મળ્યા હતા.
દરમિયાન, ઈથેનોલ સપ્લાય વર્ષ ૨૦૨૬-૨૭ માટે સી-હેવી મોલાસીસ તથા ડેમેજ થયેલા અનાજ (બ્રોકન ચોખા)માંથી બનાવાતા ઈથેનોલના ભાવ લીટરના અનુક્રમે રૂ.૫૭.૯૭ તથા રૂ.૬૪ રહ્યા છે. તથા ૨૦૨૫-૨૬ના ભાવની સરખામણીએ આ ભાવ એ જ મથાળે જાળવી રાખવામાં આવ્યા હોવાનુું બજારના જાણકારોએ જણાવ્યું હતું. જો કે સરકાર હસ્તકના ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા પુરા પાડવામાં આવતા ચોખામાંથી બનાવવામાં આવેલા ઈથેનોલના ભાવ લીટરના રૂ.૧.૮૨ વધારવામાં આવ્યા હોવાનું અનાજ બજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, ૨૦૨૬-૨૭ના ઈથેનોલ સપ્લાય વર્ષ માટે ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ (નવેમ્બરથી ઓકટોબરના ગાળા માટે) પ્રથમ રાઉન્ડના ટેન્ડરો તાજેતરમાં બહાર પાડયા હતા તથા પ્રથમ રાઉન્ડમાં ૧૧૦૦ કરોડ લીટર ઈથેનોલ માટે આવા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હોવાનું ઓઈલ માર્કેટિંગ કંપનીઓના સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, અનાજ પર આધારીત ડિસ્ટીલરીઓએ મકાઈના નાફેડના ખાતરી ધરાવતા એસ્યોર્ડ ટેકાના ભાવ સામે નારાજગી દર્શાવી છે. આ ડિસ્ટીલરીઓના સૂત્રોના જણાવ્યા મુજબ બજાર ભાવ ન ીચા હોય તો પછી અમે નાફેડના ટેકાના ભાવોએ મકાઈ શા માટે ખરીદીએ? આના પગલે પણ અનાજ બજારમાં તાજેતરમાં ખાસ્સી ચર્ચા જાગી હતી. દેશમાં મકાઈ ઉપરાંત ચોખામાંથી પણ ઈથેનોલ બનાવવામાં આવી રહ્યું છે. દરમિયાન સી-મોલાસીસ પર આધારીત ઈથેનોલના ભાવ વધારી લીટરના રૂ.૬૨.૨૩ કરવા માટે ધી ઈન્ડિયન સુગર એન્ડ બાયોએનર્જી મેન્યુફેકચરર્સ એસોસીએશન દ્વારા માગ કરવામાં આવ્યાના સમાચાર પણ મળ્યા છે. દરમિયાન, મકાઈમાંથી ઈથેનોલ બનાવવા માટે ગતીવિધી વધતાં અનાજ બજારમાં મકાઈની સપ્લાય પર પણ અસર પડવાની ભીતિ અનાજ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. ભારતમાં આ વર્ષે ચોમાસા પર અલનીનોની ઈમ્પેકટ દેખાઈ છે તથા મોન્સૂન નબળું રહેતાં મકાઈના ઉત્પાદન તથા પુરવઠા પર તેની અસર દેખાઈ રહી છે .




