Boj Viana ni Moj

ગાય માટે કોણ ગીત ગાય છે?

By GS Team
13 Jul 20265 mins read
TukuTouch Logo
અક્ષય અંતાણી કાકા, જે 'વિના ઉધાર નહીં ઉદ્ધાર'ના જીવનમંત્રને અનુસરે છે, તેમણે દૂધવાળા ભૈયાજી પાસેથી ₹1000 ઉધાર લીધા હતા. દૂધવાળો પૈસાનો તકાદો કરતો, ત્યારે કાકા દૂધમાં પાણી ભેળવવા બદલ વોટર ટેક્સ વસૂલવાની વાત કરતા. આ દરમિયાન, સંગીતના સૂરથી ગાય-ભેંસ વધુ દૂધ આપે છે, તેવી નવીનતમ પદ્ધતિની ચર્ચા થઈ. સંગીતથી રોગ મટાડવાના 'રાગચાળા' પણ શરૂ થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાય માટે કોણ ગીત ગાય છે?
  • બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી

કાકાનો જીવનમંત્ર છે કે, 'વિના ઉધાર નહીં ઉદ્ધાર.' કોઈની પાસેથી નહીં ને દૂધવાળા ભૈયાજી પાસેથી હજારેક રૂપિયા ઉધાર લીધા હશે. એટલે સવારમાં દૂધવાળો તકાદો કરતો હતો કે, 'કાકા, પૈસા કબ દોગે?'કાકાએ કહ્યું, 'તું ચિંતા ન કર, તારા પૈસા દૂધે ધોઈને પાછા આપી દઈશ, બસ?'
ભૈયો ધૂંધવાઈને બોલ્યો, 'પૈસા ભી મેરા ઔર દૂધભી મેરા…'
રકઝક કરતો દૂધવાળો ગયો કે તરત હું પહોંચ્યો. મેં પૂછયું, 'કાકા, તમારે ત્યાં ગાયનું દૂધ આવે છે કે ભેંસનું?'
કાકા બોલ્યા, 'મારે ત્યાં તો ભૈયાનું દૂધ આવે છે, ભૈયાનું…'
મેં હસીને પૂછયું, 'ભૈયો દૂધઆપે છે? તમેય શું ભલા માણસ નાખી દીધા જેવી વાત કરો છો? ઠીક છે, પણ તમે દૂધવાળાને પૈસા ક્યારે ચૂકવશો?'
કાકાએ જવાબ આપ્યો, 'મારું પેન્શન આવવા દે, પછી દૂધવાળા પાસેથી વોટર ટેક્સ વસૂલ કરી દૂધના પૈસા ચૂકવીશ.'
મેં કહ્યું, 'તમે વળી સુધરાઈવાળાની જેમ દૂધવાળા પાસેથી વોટર ટેક્સ શું કામ વસૂલ કરશો?'
કાકા હસીને કહે, 'દૂધમાં અડધોઅડ'પાણી ભેળવે છે, એટલે પાણીનો વેરો તો વસૂલ કરું જ ને?'
મેં કાકાને કહ્યું કે, 'મારા ઘરે દૂધઆપવા માટે જે ભૈયાજી આવે છે ને, એ તો દૂધમાં પાણી નહીં પણ સૂરની મિલાવટ કરે છે… એટલે એકદમ રગડા જેવું દૂધ આવે છે.'
નવાઈ પામી કાકા બોલ્યા, 'શું વાત કરે છે? દૂધમાં સંગીતના સૂર ભેળવે છે? આ વળી નવો પ્રયોગ શેનો કરે છે?'
મેં કહ્યું, 'હવે તો આપણા દેશમાં અને વિદેશમાં એવા સફળ પ્રયોગો થયા છે કે ગાય-ભેંસના તબેલામાં સૂરીલું સંગીત રેલાવવામાં આવે ને, તો ગાય-ભેંસનું મન એકદમ પ્રફુલ્લિત રહે છે અને એ વધુ દૂધ આપે છે. એટલે મારે ત્યાં દૂધ દેવા ભૈયાજી આવે છે, એના તબેલામાં એણે લાઉડ સ્પીકર લગાડયા છે અને એમાં ગીતો વગાડે છે, ગીતો બોલો!'
પથુકાકા બોલ્યા, 'શું વાત કરે છે? તબેલામાં ગીતો વાગે છે? તો તો 'બેલા કે ફૂલ' કાર્યક્રમની જેમ 'ત-બેલા કે ફૂલ' કાર્યક્રમ વાગતો હોય એવું લાગતું હશે.'
મેં કહ્યું, 'કાકા, તમને ખબર નથી, ગુજરાતમાં તો ગાય-ભેંસ માટે નોખું રેડિયો સ્ટેશન શરૂ થયું છે, જેમાં રાગ પાડેશ્વરી, રાગ 'ચારો'-કેશી, રાગ ગાંગરેશ્વરી અને રાગ ભાંભરેશ્વરીમાં ગીતો રેલાવવામાં આવે છે. આ સાંભળીને ગાય-ભેંસ વધુ દૂ'આપે છે, બોલો!'
પથુકાકા બોલ્યા, 'આમેય આજકાલના લોકો ક્યાં રેડિયો સાંભળે છે? એના કરતાં આ ઢોર રેડિયો સાંભળીને વધુ દૂ'આપે એમાં ફાયદો જ છે ને? સંગીત કા ઐસા દૌર, ઢોર મચાયે શોર ઔર ચિલ્લાયે વન્સ મોર…'
મેં કહ્યું, 'હમણાં મેં સાંભળ્યું છે કે કોઈ પશુપ્રેમીએ ગાય-ભેંસ માટે ખાસ 'કેટલ કરાઓકે ક્લબ' શરૂ કરી છે. લાઉડ સ્પીકરમાં મ્યુઝિક વાગે એની સાથે સૂરમાં સૂર મિલાવીને ગાય-ભેંસ ભાંભરે છે, બોલો!'
કાકા બોલ્યા, 'ઢોર માટે નોખી કરાઓકે ક્લબ ખોલવાની શું જરૂર હતી? અત્યારના માણસો માટેની કરાઓકે ક્લબમાં પણ મોટા ભાગના ગાંગરતા અને ભાંભરતા જ હોય છે ને? આ કરાઓકે ક્લબના દેકારા સાંભળી એને નામ આપવું જોઈએ(બંધ) કરાવકે…'
મેં કહ્યું કે, 'મેં તો મારા તબેલાવાળાને સલાહ આપી છે કે ભૂલેચૂકેય માણસોની કરાઓકે-ડરાવકે ક્લબના પ્રોગ્રામનું રેકોડગ તારા તબેલામાં વગાડતો નહીં, નહીંતર ગાય-ભેંસ દૂ'આપવાનું બં'કરી દેશે અથવા ગાવાવાળાના અવાજની જેમ દૂ'ફાટી જશે.'
પથુકાકા બોલ્યા, 'તેં આ 'કેટલ મ્યુઝિક'ની વાત કરીને એટલે મારા મગજમાં ટયુબલાઈટ થઈ. હમણાં એક દિવસ મારો ભૈયો સાવ પાણીવાળું પાતળું દૂ'લઈને આવ્યો. મેં એને જ્યારે ધમકાવ્યો ત્યારે લુચ્ચાએ શું કહ્યું ખબર છે? એણે કહ્યું કે, 'મારો વાંક નથી, ભેંસને એવું ગીત સંભળાવ્યું એટલે એણે પાણી જેવું દૂ'આપ્યું.' મેં પૂછયું કે, 'એવું વળી કયું ગીત સંભળાવ્યું કે ભેંસે પાણી જેવું દૂ'આપ્યું?' ત્યારે લુચ્ચો ભૈયો બોલ્યો, 'મેં એને 'શોર' ફિલ્મનું ગીત સંભળાવ્યું હતુંથ પાની રે પાની તેરા રંગ કૈસા, જિસમેં મિલા દો લાગે ઉસ જૈસા…'
રોગચાળો અને રાગચાળો
આઝાદી પછી જેણે જાગવું જોઈએ એ નિરાંતે ઘોરતા રહે છે, પણ મને તો કોણ જાણે અનિદ્રાનો રોગ લાગુ પડી ગયો. ઇલાજ માટે સવાર થતાંની સાથે જ નવા ખૂલેલા 'સરગમ ક્લિનિક'માં ગયો. ડાક્ટરે ખુરશીમાં બેસાડી કહ્યું, 'ચાલો, કાન ખોલો.'
કાન તપાસ્યા પછી દવાની બાટલીને બદલે કેસેટ લઈ ત્રણ ભાગના નિશાન કર્યા અને કહ્યું કે, 'સાત દિવસ સુધી દરરોજ એક ગીત સવારે, એક ગીત બપોરે અને એક રાત્રે સૂતી વખતે સાંભળજો. માફક નહીં આવે તો રાગ બદલશું.'
સાત દિવસે ફરી સરગમ ક્લિનિકમાં ગયો ત્યારે ડાક્ટરે પૂછયું, 'કેવું લાગ્યું?'
મેં કહ્યું, 'ઘરમાં પહેલાં હું એકલો જાગતો, હવે અમે બધા જાગીએ છીએ!'
સંગીતથી રોગ મટે છે એ પુરવાર થયું છે, ત્યારથી ઘણાએ આ રીતે 'રાગચાળા' શરૂ કરી દીધા છે. થોડા વખતમાં જુદા જુદા સ્પેશિયાલિસ્ટો 'હિન્દુસ્તાની સંગીત ક્લિનિક' અને 'કર્ણાટક સંગીત ક્લિનિક' ખોલી એલોપથીને બદલે 'આલાપથી' ઇલાજ કરવા માંડશે.
અમારા મહોલ્લામાં જ રહેતા સંગીતાચાર્ય સૂરબહારજી (જે સૂરની બહાર જ ગાય છે) ને વરસને વચલે દિવસે પણ કોઈ કાર્યક્રમમાં બોલાવવાનું જોખમ ન ઉઠાવે. એટલે એ ઓટલે બેસીને લલકાર્યા કરે. પણ જ્યારે પંડિતજીએ જાણ્યું કે સંગીતથી રોગ મટાડી શકાય છે, ત્યારે તેમના મનમાં ઝબકારો થયો. તેમણે સંગીત વિદ્યાલયનું પાટિયું ઉતારી 'સંગીત રુગ્ણાલય' કરી નાખ્યું.
ત્યાં રડયાખડયા દર્દીઓ આવવા માંડયા. સંગીતાચાર્ય તબલાં શીખેલા, તેનો અનુભવ તેમણે કામે લગાડયો અને માથામાં 'મ્યુઝિક મસાજ' કરવા માંડયા. સંગીતની કેસેટ મૂકે અને પછી મંડી પડે દર્દીના માથે મસાજ કરવા! ઝપતાલ, એકતાલ અને ત્રિતાલ વગાડી કેટલાયને ટાલ પાડી નાખી. માથું ચડયું હોય તો તાલમાં હલબલાવી આખું માથું 'ઉતારી' દે.
એક વાર માનસિક તાણથી ત્રાસી ગયેલા એક દર્દી આવ્યા. પંડિતજીએ દર્દીને તપાસી લાં…બો આલાપ છેડયો. પણ તેમણે રાગ છેડયો કે છંછેડયો એ તો રામ જાણે, પરંતુ જૂના દમના વ્યાધિથી શ્વાસ રૂંધાતાં પંડિતજીને જ ઓક્સિજનનો બાટલો ચડાવવો પડયો! માનસિક તાણવાળો દર્દી તો સંગીતની તાણમાં તણાઈને મુઠ્ઠી વાળીને નાઠો.
ડાક્ટરો જેમ ઊંધું વેતરે ત્યારે લાયસન્સ રદ થાય છે, એમ સંગીતાચાર્ય સૂરબહારજીની દર્દી સામેની આવી બેદર્દી હરકતને લીધે તેમની 'વિશારદ'ની ઉપાિ'રદ કરવામાં આવી.
સંગીતમાં ખરેખર એવી શક્તિ છે કે માંદા ફરી સાજા થઈ જાય. છોડ પાસે સંગીત છેડીએ તો પાન વધુ લીલાં થાય. પરદેશમાં તો ઉત્પાદનશક્તિ વધારવા કારખાનામાં પણ કર્ણપ્રિય સંગીત સતત વહેતું રાખવામાં આવે છે. આપણે ત્યાં તો કોઈ આવો પ્રયોગ કરે તો પહેલો વિરોધ કામદાર યુનિયનો કરેત કેસેટની હોળી થાય અને હડતાળને બદલે 'હર-તાલ' પર પ્રતિબંધ મુકાય!
પરંતુ સંગીતથી અનિદ્રા, માનસિક તાણ, વિસ્મૃતિ, ચિંતા અને અપચો જેવા કેટલાય રોગો પર ઇલાજ થવા માંડયા છે. મેડિકલ કાલેજોમાં લાખો રૂપિયાના ડોનેશન આપી પ્રવેશ મેળવવો પડે છે, પછી આ ડોનેશન અને ભણતરના ખર્ચા આપણી પાસેથી જ વસૂલ થાય છે. તેના બદલે હવે 'મ્યુઝિક મેડિકલ કાલેજો' શરૂ કરી દેવી જોઈએ.
અંત-વાણી
સંગીતમાં જુદા જુદા ધરાણા
હોય છે,
કરાઓકેમાં જુદા જુદા ઘલાણા હોય છે.