મોળા-કતને સરકાર જાહેર કરે રાષ્ટ્રીય-વ્રત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
આવે વાર તહેવાર, લાગે નહીં વાર એમાં મોંઘવારી કરે કચકચાવીને વાર પછી ઉજવણીમાં ક્યાંથી રહે સાર…
વધતી મોંઘવારીમાં આમ જનતાની કફોડી દશાની ઝાંખી કરાવતા પથુકાકા બોલ્યા કે 'સરકારે તો આમ જનતાને ડામજનતા બનાવી નાખી છે ડામજનતા.' મેં કહ્યું ડામજનતા એટલે શું? સમજાવો તો ખરા?' કાકા કહે આમ જનતાની દશા કેવી છે? દામ વધારાના ડામથી સતત દાઝીને આમ જનતા તો ડામ નજતા બની ગઈ છે ડામ જનતા.'
મેં કહ્યું વધતા દામ અને વધતા ભાવનો જેનો નળીમાંથી સૂર નીકળે એવાં આપણાં ગુજરાતના બે ગામની પણ તમને વાત કરેલી યાદ છે? એક ગામ છે દામનગર અને બીજું છે ભાવ-નગર.'
મેં કહ્યું ગમે એટલાં ભાવ વધતે પણ શ્રદ્ધાળ ુઓ તહેવારની ઉજવણી કર્યા વિના થોડા જ રહે છે? સહુ ભાવથી ભજે છે ભગવાનને, સાચું કે નહીં? પથુકાકા છણકો કરી બોલ્યા ભગવાનને ભાવથી ભજવાને બદલે હવે વધતા ભાવથી ભજવાનો વારો આવ્યો છે. શ્રદ્ધા-ભાવ વધે એનાં કરતાં સાકરના ભાવ વધે છે.'
મેં કહ્યું કે 'કાકા ગણેશોત્સવ આવે છે. સાકર ગોળ અને બીજી બધી ચીજોના ભાવ વધે છે એટલે લોકોએ વિધ્નહર્તાના પૂજન વખતે વધતા ભાવના વિધ્નની પણ ચિંતા તો રહેવાની જ કે નહીં?'
પથુકાકા બોલ્યા કે 'આ ગણેશોત્સવમાં સહુએ ગણેશજીની ભાવથી ભક્તિ કરવાની અને એની સાથે ગણેશજીના વાહન ઉંદર મામાની પણ એટલી જ શ્રદ્ધાથી પૂજા કરવાની, બરાબર કે નહીં?'
મેં પૂછ્યું કે 'ગણેશજીના વાહનની પણ શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાની એની પાછળનું લોજિક શું છે?'
કાકા બોલ્યા 'લોજિક કે ઝીકા-ઝીકમાં આપણને ઝાઝી ખબર ન પડે, હું તો એટલું માનું છું કે વધતા રેટ (ભાવ) ઘટાડવા હોય તો પછી રેટ (ઉંદર)ની જ પૂજા કરવી પડે ને? કોઈકે ખરેખર તો ભાવ ઘટે એના માટે સુંદરકાંડ નહીં નવા ઉંદર-કાંડની રચના કરવ ી જોઈએ ઊંદર-કાંડની.'
મેં કહ્યું કે 'સાકરના રેટ વધ્યા પછી પ્રસાદમાં વપરાતા સાકરદાણા, મીઠાઈ અને બીજી સામગ્રીઓના પણ રેટ વધી જ ગયા છેને? અને રેટનું કેવું છે ખબર છે? રેટ અને માણસનું પેટ વધ્યા પછી ઝટ ઘટે નહીં.'
કંઈક યાદ આવતા પથુકાકાએ મારી વાતોની 'રેટ-રેસ' અધવચ્ચે અટકાવીને કહ્યું કે 'તને આજનો જ કિસ્સો કહું. આજે હું મારા ફેમિલી ડોકટર પાસે તાવની દવા લેવા ગયો હતો. હું લાઈનમાં બેઠો હતો ત્યાં એક આળખીતા હેવીબેન… સોરી દેવીબેન મીઠાઈનું બોક્સ લઈને આવ્યા, અને ડોકટરને આપતા કહ્યું કે લો મીઠું મોઢુ કરો.' ડોકટરે પૂછ્યું કંઈ ખુશીમાં? દીકરાની સગાઈ-બગાઈ થઈ છે કે શું?' ત્યારે દેવીબેને હસીને જવાબ વાળ્યો કે દીકરાની સગાઈ-બગાઈ નથી થઈ, આ તો તમે ગયા અઠવાડિયે મારી તબીયત તપાસીને બ્લડ-યુરિન ટેસ્ટ કરાવવાની સલાહ આપેલી યાદ છેને? આજે રિપોર્ટ આવ્યો એમાં મને બ્લડમાં શુગર ડિટેક્ટ થયું. એટલે હું ખુશાલી વ્યકત કરવા માટે મીઠાઈ લઈને આવી છું. એટલે હવે સાકર મોંઘી થાય કે સસ્તી થાય એન ી કોઈ ચિંતા નહીં, કેવી મજા?'
પથુકાકા બોલ્યા કે 'તને ખબર છે? ચિંતા વધવાને કારણે પણ ડાયાબિટીસનું જોખમ ઊભું થાય હો?'
મેં મજાકમાં ટકોર કરી કે મહારાષ્ટ્રમાં એક બળદની ચિંતા વધતા તેને પણ ડાયાબિટિસ થઈ ગયું બોલો! કાકા બોલ્યા બળદને વળી શું ચિંતા? મેં કહ્યું સાકરના, અનાજના, કાંદાના વધતા જતા ભાવને લીધે પોતાના માલિક પરિવારનુ પેટ કેમ પાળશે એની સતત કોરી ખાતી ચિંતામાંને ચિંતામાં બળદને ડાયાબિટિસ લાગુ પડયું બોલો!
અમે અને કાકા ખાંડની ખાંડીને અને માંડીને વાતોના વડા અને 'વડા'ની વાતો કરતા હતા ત્યાં પાડોશી નાગરબંધુ દિલસુખરાય ગાતા ગાતા આવ્યા મીઠ્ઠી આઈ હૈ આઈ હૈ મીઠ્ઠી આઈ હૈ, બડે દિનો કે બાદ યે-તન મેં મીઠ્ઠી આઈ હૈ…' ગીતની કડી પૂરી કર્યા બાદ દિલસુખરાયે અમને મીઠું મ ોઢું કરાવ્યું. કાકાએ પૂછ્યું કે 'ચીઠ્ઠી આઈ હૈ… ગીત પરથી આ મીઠ્ઠી આઈ હૈ… ગીત કેમ ફેરવીન ે ગાયું?' દિલસુખરાય બોલ્યા કે 'મેં યુરિન ટેસ્ટ કરાવ્યો એના રિપોર્ટમાં મીઠી પેશાબનું નિદાન થયું એટલે હુ હરખાઈને મીઠ્ઠી આઈ હૈ… ગીત ગાતો ગાતો આવ્યો… હવે મોંઘી સાકર ખરીદવાની ચિંતા જ નહીં.'
મેં કહ્યું દિલસુખરાય તમે આવ્યા એની પહેલાં પથુકાકાએ ડોકટરના દવાખાને એક બહેન આવી જ રીતે મીઠાઈનું બોક્સ લઈને આવેલા એની વાત કહી, વાત પૂરી કરીને તમે મીઠાઈ લઈને ટપકી પડયા બોલો કેવો યોગાનુયોગ છે?'
પથુકાકા બોલ્યા 'મોંઘવારી વધતી જાય છે અને વેતનના પૈસા ખાલી થતા જાય છે એવી સ્થિતિમાં જો મોંઘવારીથી બચવું હોયને તો ડોકટરોની સલાહ માનીને ચાલો તો મોંઘવારી કોઈ દિવસ નહીં નડે.'
મેં સવાલ કર્યો કે 'કાકા ડોકટરોની સલાહથી મોંઘવારીના મારથી કેવી રીતે બચી શકાય?'
પથુકાકા ખોંખારો ખાઈને બોલ્યા કે ડોકટરો ડાયાબિટિસના પેશન્ટને સલાહ આપે છે કે ખાંડ નહીં ખાવાની, હાર્ટની તકલીફ હોય તેને તેલ-ઘી બંધ કરવાની તાકીદ કરે છે, બ્લડ-પ્રેશર હોય તેને મીઠું ખાવાની મનાઈ કરે છે અને શરીરનું વજન વધતું હોય અને ટન-બદન બની ગયું હોય એવાં લોકોને ભાત-બટેટા ન ખાવાની સલાહ આપે છે. એટલે તેલ -ઘી, સાકર, દૂધ અને મીઠું બધી જ ચીજોના ભાવ ઊંચો ચડતા જાય છે એટલે ડોકટરોની સલાહ માનો અને આ બધું ખાવાનું બંધ કરો તો પછી મોંઘવારી ક્યાંથી નડે? વે-તન પણ બચે અને તન પણ બચે.
મેં કહ્યું ખાવા-પીવાની ચીજો મોંઘી થતી જાય છે અને જનતા સરકાર ઉપર પસ્તાળ પાડે છેને એટલે સરકાર શું કરશે ખબર છે? મોળા-કતના વ્રતને રાષ્ટ્રીય વ્રતનો દરજ્જો આપશે.'
કાકાએ સવાલ કર્યો કે 'મોળા-કતના વ્રતને રાષ્ટ્રીય વ્રતનો દરજ્જો કેમ આપશે સરકાર?'
મેં કહ્યું આમ તો મોળા-કત એ અલૂણું વ્રત છે જેમાં મીઠું ન ખવાય, પણ અત્યારે સરકાર કહેશે કે મોંઘી થયેલી સાકર, મીઠું, તેલ-ઘી વગરની મોળી મોળી વાનગીઓ આરોગીને મોળા-કતનું રાષ્ટ્રીય વ્રત પાળો અને સરકારને માથે મોંઘારતની પસ્તાળ પાડવાનું ટાળો…
અંત-વાણી
ભારે પડે છે મોંઘારત, સરકાર
જાહેર કરે મોળા-કતને
રાષ્ટ્રીય વ્રત.
** ** **
ઈલાઃ તું મોળા-કતનું વ્રત કેમ નથી કરતી?
લીલાઃ મોળા-કત કરે એને મીઠા વગરનો વર મળે, પછી કોણ એવું વ્રત કરે?
** ** **
ઘણાં મોડા પડે
પણ મોળા ન પડે.




