Boj Viana ni Moj

વઢકણી સાસુથી ત્રાસેલા પરદેશી જમાઈએ એવું કારસ્તાન કર્યું કે...

By GS Team
30 Jun 20266 mins read
TukuTouch Logo
મધ્ય ભારતમાં સગાઈ પછી ભાવિ જમાઈ, ભાવિ સાળી સાથે ભાગી ગયા. મહારાષ્ટ્રમાં એક યુવક લગ્નના દિવસો નજીક આવતા જ પોતાની ભાવિ સાસુ સાથે પલાયન થઈ ગયો. પરદેશમાં સાસુથી કંટાળી જમાઈએ હત્યા કરી, માંસના ટુકડા કરી સગાંઓને 'સાસુ-કરી' ખવડાવી. ઉત્તર ભારતમાં એક યુવકે બે સગી બહેનો સાથે લગ્ન કર્યા. મુંબઈ નજીક એક અંધે 7 મહિલાઓને ફસાવી લગ્ન કરી પૈસા પડાવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

વઢકણી સાસુથી ત્રાસેલા પરદેશી જમાઈએ એવું કારસ્તાન કર્યું કે...
  • બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
    જ્યાં જાય જમાઈ ત્યાં બધું જાય જમાય, જમ સાથે સરખાવતા જમાઈરાજ સરખું ખાતાં-પીતાં હોય તો થાળી સાફ કરી નાખે. થાળી સાફ કરે એનો વાંધો નહીં પણ કોઈ જમાઈ સાળી સાફ કરી જાય ત્યારે ભારે ગડબડ થાય.
    આ ઘટના (કે દુર્ઘટના?) મધ્ય ભારતની છે, જ્યાં ભણેલ-ગણેલ સંસ્કારી યુવાનની સગાઈ એવી જ શિક્ષિત, સુશીલ, સંસ્કારી કન્યા સાથે થઈ. બન્નેના પરિવારજનો ખુશખુશાલ હતા અને મહિનામાં લગ્ન લેવાની તૈયારી ચાલતી હતી. ખરીદીઓ શરૂ થઈ ગઈ હતી. લગ્નની વાડી બુક થઈ ગઈ હતી. ધામધૂમથી લગ્નની તૈયારી ચાલતી હતી ત્યાં જ ધડામધૂડુમ કરતા સમાચાર આવ્યા કે ભાવિ જમાઈ તો જેની સાથે લગ્ન નિર્ધાર્યા હતા એ કન્યાની જરાક વધુ રૂપાળી નાની બહેન એટલે ભાવિ સાળી સાથે ભાગીને પરણી ગયા હતા. કન્યાના ઘરમાં તો ધમાલ મચી ગઈ. પણ કન્યા અને કુંવર બન્ને પુખ્ત વયનાં હતાં અને કોર્ટમાં જઈને પરણી ગયા એટલે એમાં પછી કાંઈ થઈ ન શક્યું. એવું કહેવાય છે જેના ભાગ્યમાં સારી સુંદર સાળી લખાયેલી હોય તેને 'ભાગ્ય-સાળી' કહેવાય. પણ આમ તો ભાવિ સાળી ભાગીને જીજાજી સાથે પરણી એટલે એને કહેવાય 'ભાગ-સાળી'.
    પથુકાકાને આ કિસ્સો સંભળાવ્યો ત્યારે હસીને બોલ્યા, 'એવું કહેવાય છે સાલી આધી ઘરવાલી… પણ આ કિસ્સામાં સાલી આધી નહીં પૂરી ઘરવાલી બન ગઈ…'
    મેં કાકાને હિન્દી ફિલ્મના ડાયલોગના ટોનમાં કહ્યું, 'દિલ થામ કે બેઠો… ઈસ સે ખતરનાક શાદી કા કિસ્સા અભી બાકી હૈ…'
    પથુકાકા ખોંખારો ખાઈને બોલ્યા, 'આ ઘરડે ઘડપણ દિલ થામ કે શું બેસે? દિલમાં ચાર સ્ટેન્ટ બેસાડયા છે એટલે કાડયોલોજીસ્ટ જ મારું દિલ સંભાળીને બેસે છે… ઠીક ત્યારે તું જામગરીમાં ભર દારૂ અને કર બીજો ઘડાકો. પહેલાં સહન કર્યો ભડકેલા ભાવનો કડાકો અને હવે તું કર ભાવના સંબંધનો અનોખો ભડાકો…'
    મેં કહ્યું, 'મહારાષ્ટ્રના એક ગામે એક યુવક અને યુવતી વચ્ચે લગ્ન નિર્ધાયાં હતાં. લગ્નની પૂર્વ તૈયારી પૂરજોશમાં ચાલતી હતી. વર-કન્યાના કુટુંબીઓ લગ્નપ્રસંગની ઉજવણી માટે થનગનતા હતા. આંગણે માંડવો બંધાઈ ગયો હતો અને નાના ગામડામાં તો જાણે દરેક ઘરમાં પ્રસંગ હોય એવો માહોલ હતો. લગન આડે ગણતરીના દિવસો જ બાકી હતા ત્યાં કન્યાના પરિવારને માથે જાણે વીજળી પડી વીજળી. શું થયું ખબર છે? ભાવિ જમાઈ કન્યાની મમ્મી એટલે પોતાની રૂપાળી સાસુને લઈને પલાયન થઈ ગયો અને ભાગીને લગ્ન કરી લીધાં. આમાં ભાવિ સસરા પણ લટકી પડયા અને ભાવિ નવવધૂ પણ લટકી પડી, બોલો!'
    પથુકાકા બોલ્યા, 'ઓ હો હો… એટલે જમાઈ રાજા રૂપાળી સાસુના રૂપ પાછળ મોહી પડયા? આ તો બહુ કહેવાય. 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી' સિરિયલની જેમ નવી સાસુલક્ષી સિરિયલ બનશે - 'સાસ હી અભી બહૂ હૈ…'
    મેં કાકાને જૂના વખતનું સ્મરણ કરાવતા કહ્યું, 'કાકા, યાદ છે? જૂના જમાનામાં ઘરમાં પરણવા લાયક થયેલી મોટી દીકરીને છોકરાના ઘરવાળા જોવા આવવાના હોય ત્યારે નાની બહેનોને ઘણીવાર અંદરના રૂમમાં જ રાખવામાં આવતી. આને લીધે છોકરાવાળાને સિલેક્શનનો અવકાશ જ નહોતો રહેતો. પણ મહારાષ્ટ્રનો આ કિસ્સો જાણી કહેવું પડે કે હવે તો ભાવિ સાળીની જેમ રૂપાળી સાસુને પણ સંતાડી રાખવી પડશે.'
    પથુકાકા તો ઘરના દુઃખીયા અને કાયમી કંકાસથી તેમજ વહુના વચડકાથી ત્રાસેલા 'પરણવીર' પથુભાઈને યાદ કરીને બોલી ઉઠયા, 'જમાઈરાજા સાસુને લઈને પલાયન થઈ ગયા એ સમાચાર જાણી પહેલી વહુથી થાકેલા પપ્પુભાઈ પેપરમાં કદાચ લગ્નસંબંધી જાહેરખબર આપીને એમાં લખશે કે (સીધી) સાસુ જ જોઈએ છે.'
    મેં કાકાને કહ્યું, 'દિલવાલે સાસુમા લે જાયેંગે… એ કિસ્સો મહારાષ્ટ્રમાં બન્યો, બરાબર? પણ તમને ખબર છે મહારાષ્ટ્રના જમાઈ કોણ છે? મહારાષ્ટ્રના જમાઈ જમરાજા છે.'
    પથુકાકા પૂછયું, 'કાંઈક સમજાય એવું તો બોલ? જમરાજા મહારાષ્ટ્રના જમાઈ કેવી રીતે કહેવાય?'
    મેં કાકાને કહ્યું, 'મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં આવેલું સાવનેર જ્યારે સારસ્વતપુર તરીકે ઓળખાતું ત્યારે એ સારસ્વતપુરની રાજકુમારી માલિની સાથે યમરાજાનાં ધામધૂમથી લગ્ન થયેલાં. માલિનીએ બનાવેલા શિવલિંગની જગ્યાએ અત્યારે હેમાડપંથી પ્રાચીન શિવ મંદિર છે. આજે પણ સાવનેરના લોકો યમરાજાને ગામના જમાઈ જ માને છે.'
    પથુકાકા બોલ્યા, 'સાસુ સાથે ભાગેડુ જમાઈની વાત જાણી, પણ મને યાદ છે કે વઢકણી અને કકળાટણી સાસુથી ત્રાસેલા પરદેશના એક જમાઈએ શું કર્યું હતું? તે એકવાર આ કિસ્સો સંભળાવેલો, એ ફરી કહેને!'
    મેં કહ્યું, 'પરદેશમાં સામાન્ય રીતે વહુની મા એટલે સાસુ ભેગી જ રહેતી હોય છે ને? એવા એક ઘરમાં જમાઈરાજા લોહી પી જતી સાસુથી ખૂબ કંટાળ્યો. એશિયન જમાઈએ સાસુના ત્રાસથી છૂટવા શું કર્યું, ખબર છે? ઘેનની દવા આપી હત્યા કરી. પછી શરીરના નાના નાના ટુકડા કરી નોનવેજ કરી તૈયાર કરી અને પછી સાંજે ઘરે મિજબાની હતી એમાં સગા સંબંધીઓને ટેસથી સાસુ-કરી (કઢી) ખવડાવી, બોલો. હવે આ ૅજાલીમ જમાઈ પકડાયો અને કેસ થયો ત્યારે તેના સગા-વ્હાલાં હેબતાઈ ગયા કે અરે, આ જાલીમ જમાઈએ તો સાસુની કઢી ખવડાવી દીધી.'
    પથુકાકા બોલ્યા, 'વઢી વઢીને અંતે વઢકણી સાસુ બની કઢી અને કૈંકના મોઢે ચઢી… કહે છે ને કે ઘણા પતિઓ વહુને બહુ મોઢે ચડાવે છે, પણ પરદેશી જમાઈએ તો સાસુને સહુના મોઢે ચડાવી.'
    એવું કહેવાય છે લગ્નો તો સ્વર્ગમાં જ નિર્માયાં હોય છે… એમાં ઉમેરા સાથે કહી શકાય કે લગ્નો સ્વર્ગમાં જ નિર્માયાં હોય છે, પણ ધડાધડી ધરતી પર થતી હોય છે. કોઈની કુંડળીમાં એવું લખ્યું હોય છે કે પત્ની કેટલા ડેસિબલ સાઉન્ડ સાથે કકળાટ કરશે? ક્યાંય એવું લખેલું હોય છે કે ઘરમાં મહિનામાં કેટલી વાર કંકાસ થશે? કોઈ કુંડળીમાં લખેલું હોય છે કે ધણી કેટલીવાર ધણિયાણીથી ધણધણી ઉઠશે? આવું તો ન જ લખ્યું હોય. એટલે ધાર્યું ધણીનું થાય એ કહેવત બદલીને કહેવું પડે કે, 'ધાર્યું ધણીનું ન થાય, અણધાર્યું ધણિયાણીનું થાય.
    ઉત્તર ભારતમાં આવું જ થયું. બે સાવ સગી બહેન નાનપણથી સાથે મોટા થયેલા યુવકને દિલ દઈ બેઠી હતી. હવે જ્યારે લગ્નની વાત આવી ત્યારે બન્ને બહેનોએ હઠ કરી કે પરણશે તો આ યુવકને જ પરણશે, નહીંતર આજીવન કુંવારી રહેશે. યુવક તો તૈયાર હતો જ, કારણ કે એક ઉપર એક ફ્રીની સ્કીમનો આવો લાભ બીજે ક્યાં મળે? યુવક પણ તૈયાર થઈ ગયો અને આમ ધામધૂમથી બન્ને બહેન સાથે ડબલ ફેરા ફરી પરણીને સિંગલ ધણી બન્યો.
    આ વાત સાંભળી કાકા બોલ્યા, 'વર્ષો પહેલાં એક ફિલ્મ આવી હતી- 'એક ફૂલ દો માલી', હવે નવી ફિલ્મ આવશે 'દો ફૂલ એક માલી' (એને બન્ને કરશે ખાલી). એક મ્યાનમાં બે તલવાર ન રહે પણ સલવાર તો રહે ને? હા-હા- હા…'
    મેં કાકાને કહ્યું, 'ઘણાને અંધશ્રદ્ધા હોય છે, પણ મુંબઈ નજીક એક અંધ ઝડપાયો એની પર શ્રદ્ધા રાખી કેટલીય મહિલાઓ પસ્તાઈ હતી, યાદ છે?'
    થોડાં વર્ષ પહેલાંનો આ કિસ્સો કાકાને યાદ ન આવ્યો એટલે મારે જ એ કિસ્સો સંભળાવવો પડયો. બન્યું એવું કે કલ્યાણ સ્ટેશને બહારગામની ટ્રેન ઊભી હતી. એમાં અંદર બેસવા જતા જોઈ ન શકતા માણસને એક મહિલાએ પકડયો અને ગાળોનો વરસાદ વરસાવી ચાર પાંચ તમતમતા તમાચા ચોડી દીધા. ધમાલ વધી પડી એટલે રેલવે પોલીસ દોડી આવ્યા. મહિલાએ પોલીસને કહ્યું, 'આ આંધળાને પકડો. મારી જેવી સાત મહિલાઓને ફસાવીને લગ્ન કરી પૈસા-દાગીના લઈને પલાયન થઈ જતો હતો. હવે આઠમા લગ્ન કરવા જઈ રહ્યો છે એવી ખબર પડી એટલે હું સ્ટેશને દોડી ગઈ અને આને પકડયો, હવે તમારે એનું જે કરવું હોય એ કરો.'
    નવાઈની વાત તો એ હતી કે આ અંધજન મોટી મોટી વાતો કરીને અને પૈસાની લાલચ દેખાડી દેખતી મહિલાઓને ફસાવતો અને લગ્નનું નાટક કરતો. પછી મહિલાના દરદાગીના પડાવી પલાયન થઈ જતો. ઘણા વખતે એ પોલીસના હાથમાં ઝડપાયો.
    આ કિસ્સો યાદ કરાવ્યો એટલે કાકા બોલી ઉઠયા, 'જોઈ ન શકતો જણ દેખતી મહિલાઓને ફસાવી ગયો એમાં આંધળુ કોણ કહેવાય? અંધ ઉપર રાખી શ્રદ્ધા એ અંધ-શ્રદ્ધા જ કહેવાયને?
    અંત-વાણી
    પતિ પાકશાસ્ત્રી
    પત્ની ધાકશાસ્ત્રી