Boj Viana ni Moj

દુંદાળા દેવના ફાંદાળા ભક્તો

By GS Team
15 Sep 20264 mins read
TukuTouch Logo
પથુકાકાએ ગણેશોત્સવ દરમિયાન સિનિયર સિટીઝન ક્લબના જિમમાં "દુંદાળા દેવની ફાંદાળા ભક્તો દ્વારા પૂજા"નું આયોજન કર્યું. આ નવતર આયોજનમાં, ફાંદાળા મેમ્બરો ધોતિયું પહેરીને જિમના અરીસામાં પોતાની ફાંદ જોઈ, પેટ ઘટાડવાનો નિર્ધાર કરશે. આનો વીડિયો પણ ઉતારવામાં આવશે, જેથી કસરત પછીની પ્રગતિ જોઈ શકાય. આ પહેલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની સલાહને અનુરૂપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુંદાળા દેવના ફાંદાળા ભક્તો
  • બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

રેટ અને પેટ એક વાર વધે પછી ઘટે નહીં. પણ રેટ અને પેટ ઘટે એ માટે પ્રયાસ તો કરવો પડેને? પણ પથુકાકા એમનું પેટ વધીને પટારો થઈ ગયું ત્યાં સુધી ધ્યાન ન આપ્યુંઅને હવે સિનિયર સિટીઝન ક્લબમ ાં નવું જિમનેશિયમ ખુલ્યું એટલે એમાં નામ નોંધાવીને બની ગયા મેમ્બર. પછી કહે એક્સરસાઈઝ કરવાથી આ ફાંદાની એક-સરખી-સાઈઝ થઈ જાય એટલે એક્સરસાઈઝ કરવા માંડયો છું.
કાકાનો મક્કમ નિર્ધાર એટલે માનવું પડે, રજા કે તહેવારોમાં પણ જિમમાં જવાનું ચૂકે નહીં. સવારમાં જિમમાં જતી વખતે એક જૂની કહેવત નવા સંદર્ભંમાં કહેવાનું ભૂલે નહીં કે: જેને કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે…
સામાન્ય દિવસોમાં એક્સર સાઈઝ કરવામાં કમ્ફર્ટેબલ રહે એવાં જિમ-સૂટ પહેરીને નીકળતા પથુકાકા ગણેશોત્સવના પહેલાં જ દિવસે ધોતિયું પહેરી ઉપર ઊઘાડા ડીલે ફાંદ ઉલાળતા જિમમાં જવા નિકળ્યા. અસ્સલ હળવદના લાડુપ્રેમી બ્રાહ્મણો જાણે નાત જમણમાં જતા હોય એવું લાગ્યું.
મેં ધોતીધારી કાકાને ધારી ધારી જોઈ ગિર-ધારીને યાદ કરી સવાલ કર્યો કે 'દુંદાળા દેવના દર્શને જાવ છો કે પછી જિમમાં જાવ છો?' પથુકાકા બોલ્યા અમારા જિમના ઈન્સ્ટ્રકટર કનુ કસરતકર તરફથી એક નવતર આયોજન કરવામાં આવ્યું છે જેને નામ આપ્યું છે: દુંદાળા દેવની ફાંદાળા ભક્તો દ્વારા પૂજા.'
મેં નવાઈ પામી પૂછ્યું કે આ નવતર આયોજનમાં કરવાનું શું?' ત્યારે કાકા બોલ્યા કે મારી જેવા બધાં ફાંદાળા જિમ મેમ્બરોને આજે ધોતિયું પહેરી ઊઘાડા ડીલે જિમમાં ભેગા થવાનું કહ્યું છે. બધા ભેગા થયા પછી ફાંદાળા ભક્તો ગણપતિ દાદાની સમૂહ આરતી કરશે અને તેની વિડિયો ઉતારવામાં આવશે.'
મેં પૂછ્યું કે આ રીતે સમૂહ આરતી કરવા પાછળનો હેતું શું છે?' કાકાએ જવાબ આપ્યો કે 'ધોતિયા પહેરીને આવેલા મેમ્બરો જિમમાં ચારે બાજુ લગાડેલા અરીસામાં પોતાના દુંદ-દર્શન એટલે કે ડી.ડી. કરી શકે, એટલે પોતે જ નિર્ધાર કરે કે હવે પેટ ઘટાડવા માટે બમણી કસરત કરવી છે અને જિમ ઈન્સ્ટ્રકટર વિડિયો એટલે ઉતારવાના છે કારણ કે મેમ્બરો કડી કસરત કરીને પેટ ઘટાડે ત્યારે સહુને દેખાડી શકાય કે પહેલાં તમારી ફાંદ કેવી હતી અને કસરત કર્યા પછી કેવી ઉતરી ગઈ. બસ એટલે જ આયોજન કર્યું છે દુંદાળા દેવની ફાંદાળા ભક્તો દ્વારા પૂજા… બોલો દુંદાળા દેવની જય… કરો કસરત જિમમાં જઈ જઈ…'
મેં કહ્યું 'કાકા તમને ખબર છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ફક્ત ભારતના જ નહીં આખી દુનિયાના ફાંદાળાઓને ભાર દઈ દઈને સલાહ આપે છે કે ફાંદ ઘટાડો, ચરબી ઓછી કરો, અકરાંતિયાની જેમ ખાવાનું બંધ કરો અન તમારી જેમ જિમમાં જઈ કસરત કરો, જોગિંગ કરો અને વોકિંગ કરીને વજન ઉતારો. પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની સલાહ કેટલા માનતા હશે? પેટ ઘટાડો, તંદુરસ્તી વધારો.'
પથુકાકા બોલ્યા કે તારી વાત સાવ સાચી છે હો? 'હમણાં જ મેં રિપોર્ટ વાંચ્યો. પણ થાય છે એવું કે આડેધડ ખાઈકી કરનારા પેટ વધારે છે અને ઊંદરો આડેધડ ખેતરોમાં, ઘરોમાં કે પછી અનાજના ગોદામોમાં આડેધડ ખાઈકી કરી કરીને રેટ (ઉંદર)ની આબાદી વધારે છે. આ પરિસ્થિતિમાં પછી પેટ અને રેટ ક્યાંથી ઘટે?'
મેં કહ્યું 'કાકા રેટ એટલે ઊંદર ઘટાડવા માટે મુંબઈની મહાપાલિકા ખાસ નાઈટ રેટ-કિલર્સની ટોળીને રોક્ડાપૈસા ચૂકવે છે. જ્યાં જયાં નજર મારી ઠરે ત્યાં ત્યાં ઊંદરડા ફરે એવી દશામાં નાઈટ રેટ-કિલર્સ નાશ કરે એનાં કરતાં બમણી ઝડપે રેટ વધતા જ રહે છે.'
પથુકાકા બોલ્યા 'તને એ ખબર નહીં હોય મુંબઈના આ નાઈટ રેટ -કિલર્સ રેટનો નાશ કરવાનું ક્યારે બંધ રાખે છે ખબર છે? ગણેશોત્સવમાં તેઓ ઉંદરને મારતા નથી. કારણ કે ઊંદર તો ગણપતિ દાદાનું વાહન છેને? એટલે દસ દિવસના ઉત્સવ દરમ્યાન રેટ સામે યુદ્ધ-વિરામ જાહેર કરવામાં આવે છે.
મેં ટકોર કરી કે 'કાકા આ વખતના ઉત્સવમાં જુઓને? દરમાંથી ઘરમાં અને ઘરમાંથી દરમાં દોડાદોડી કરતા રેટ વધી ગયા છે એમ બધી ચીજોના રેટ (ભાવ) પણ કેવાં વધી ગયા છે? એટલે જ સહુ કહે છે કે પેટ ઘટે અને 'રેટ' ઘટે તો પીડા મટે.'
પથુકાકા રેટની શબ્દ રમત કરતા બોલ્યા કે 'એક રેટ કપડા કાતરે અને બીજા 'રેટ' જનતાના ખીસ્સા કાતરે, રેટની જ આ બધી રામાયણ છેને? મને તો લાગે છે કે રેટ (ઊંદર) અને રેટ (ભાવ)ની આ ખરી ''રેટાયણ'' જોઈને ગેટ-વે ઓફ ઈન્ડિયા જેવું નોખું સ્મારક બાંધી એને નામ આપવું જોઈએ: રેટ-વે ઓફ ઈન્ડિયા.'
મેં કહ્યું જેનું પેટ વધુ પડતું ખાઈ ખાઈને મોટું થાય છે એવાં દુંદાળા દેવના ફાંદાળા ભક્તો સમાજને કે દેશને જરાય નુકસાન નથી પહોંચાડતા બલ્કે મદદરૂપ થાય છે. દેશને અને સમાજને ખરૃં નુકસાન કોણ કરે છે ખબર છે? પૈસાની ખાઈર્કી કરીને જાતજાતના સ્કેમ કરીને અને કરોડોના ગોટાળા કરીને સતત ફાંદાબાજી કરવામાં જ વ્યસ્ત રહેતાં ફાંદેબાજ ફાંદાવાળા જ નુકસાન પહોંચાડે છે. એટલે આવાં ખાણાંની નહીં પણ નાણાંની ખાઈકી કરતા અને ફાંદાબાજી કરતા ફાંદાવાળાની હરકત જોઈને કહેવું પડે કે:
રોજ કરે ફાંદાબાજી
એવાં કૈંક ભટકાય પાજી
બાકી આપણે તો દુંદાળા દેવના
ફાંદાળા ભક્તોની ભક્તિ
જોઈ રાજી રાજી.
અંત-વાણી
ગણપતિ રિદ્ધિ-સિદ્ધિના દેવ છે. એટલે પીડિત પતિદેવો હાથ જોડીને વિનવે છે કે: રિદ્ધિ દે સિદ્ધિ દે અને ઘરવાળી 'સીધી ' દે.
** ** **
વિધ્નહર્તા તારે
વિધ્નકર્તા મારે
** ** **
ગણેશોત્સવ એટલે:
શ્રદ્ધા:ભક્તિસુખ-શાંતિનું સર્જન
વિકાર, વિરોધ, વિખવાદનું
વિસર્જન.
** ** **
આને કહેવાય સાચો પતિ
ભજે ગણપતિને બને ગુણ-પતિ.
** ** **
તન અને મન ટનાટન રાખવા
માટે આ ત્રણ સૂત્ર ગોખી લેજો:
કમ ખાના
ગમ ખાના
જાવ જિમ-ખાના.
** ** **
ડી.જે.ના દેકારા સાંભળીને કહેવું
પડે કે :
જોખમી ઘાટના રસ્તા
જોખમી ઘોં-ઘાટના રસ્તા.
** ** **
ઉત્સવની કરો ઉજવણી
પણ પ્રજાની ન થાય પજવણી.
** ** **
ઉત્સવોની ઉજવણી વખતે
આંખ આંઝી નાખતી રોશનીનો
ઝગમગાટ જોઈ કહેવાનું
મન થાય કે:
લાઈટથી બહાર અજવાળું
ડિ-લાઈટથી અંદર અજવાળું.