જનતા જાગે ત્યારે જ નઠારા ભાગે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બોજ વિનાની મોજ- અક્ષય અંતાણી
ઊંઘ ન જુઓ ઓટલો, ભૂખ ન જુએ રોટલો અને વાંઢો ન જુએ ચોટલો… ઊંઘણશી પથુકાકાની ગમે ત્યાં આંખ મળી જાય એ પછી 'નસકોરે-તોબા' આતંકવાદી બની નસકોરા બોલાવવા માંડે. મેં એકવાર પૂછેલું કે તમારી આંખ કેવી રીતે આમ તરત જ મળી જાય છે? ત્યારે કાકાએ જવાબ આપેલો કે જુવાનીમાં પહેલી વાર આ તારી કાકી સાથે આંખ મળી એ પછી પરણીને ઊંઘ હરામ થઈ ગયેલી. એટલે જાતી જિંદગીએ ઊંઘનો મોટો બેક-લોગ ક્લિયર કરૃં છું. ગાય ન જુએ ગોટલો ને ઊંઘ ન જુએ ઓટલો…
મંગળવારે સવારે મોર્નિંગ વોકમાં જવા માટે સવારે સાત વાગે કાકાને તેડવા એમના ઘરે ગયો. કાકા તો પલંગ ઉપર ઘોડા વેંચીને ઘસઘસાટ ઘોરતા હતા. માથા પાસે રાખેલી ટેબલ ક્લોકમાં સતત એલારમ વાગતું હતું. એલારમમાં કંઈ ધૂન વાગતી હતી ખબર છે? 'જાગતે રહો' ફિલ્મની અમર ધૂન જાગો મોહન પ્યારે જાગો…
મેં કાકાને હલબલાવીને ઉઠાડયા અને ટોણો માર્યો કે 'એલારામમાં તો જાગો મોહન પ્યારે… જાગો મોહન પ્યારે… ધૂન સંભળાય છે છતાં કેમ તમે ઘસઘસાટ સૂતા છો?'
આંખો ચોળી બેઠા થતાં પથુકાકાએ હસીને કહ્યું કે આ ગીતમાં મોહનને જાગવાનું કહ્યું છે, એમાં જાગો પથુ પ્યારે જાગો એવું થોડું જ ગવાયું છે? નિરાંતે સૂવા દીધો હોત તો તારૃં શું જતું હતું? પેલું ગીત તે સાંભળ્યું છે કે નહીં? સોના કિતના સોના હૈ… સોના એટલે સોનું… સાચી ઊંઘની કિંમત સોના કરતાં પણ વધુ છે તને ખબર છે? પૈસાવાળાય પલંગમાં પડખાં ઘસે છે જ્યારે નિર્ધન નિરાંતે ઘોરે છે… એટલે જ સોના જેવી કિંમતી ઊંઘ માટે ગવાયું છે કે સોના કિતના સોના હૈ…
મેં કાકાની ટેબલ ક્લોકની ધૂનની તારીફ કરતાં કહ્યું કે 'આ ટેબલ ક્લોક ક્યાંથી લઈ આવ્યા?' કાકા બોલ્યા કે 'શેરીના નાકે જયંતીલાલ ઘડિયાળી છેને? એ બહુ ધાર્મિક ભાવનાવાળા છે હો? એણે બધા સત્સંગીઓને આ એલારમ ક્લોક ભેટ આપી છે. જયંતીલાલના ગુરુંનું નામ જેંતીરામ બાપા. એટલે અમે હળવાશથી કહીએ કે જેંતીરામ બાપા જગાડે અને જયંતીલાલ (એલારામથી) ઉઠાડે… જગાડવામાં અને ઉઠાડવામાં ફેર છેને? બગાસા ખાતાં ખાતાં અને આંખો ચોળતાં ચોળતાં પલંગમાંથી ઉઠે એને ઉઠાડયા કહેવાય અને ધાર્મિક-માર્મિક વચનથી માણસનો મ્હાયલો જાગી જાય એને જગાડયા કહેવાય'.
મેં પૂછ્યું કે 'કાકા આવી ડાહી ડાહી વાતો કરો છો પણ તમે પોતે તો ઘસઘસાટ ધોરતા રહો છો એનું શું?' પથુકાકા બોલ્યા કે 'બધી ડાહી ડાહી શીખામણ કાંઈ પાળવાની ન હોય, બીજા તરફ વાળવાની હોય.'
મેં કાકાની વાત સાંભળીને મેં કાકાને કહ્યું કે અંદરથી જાગેલા શોધે મલંગને અને તમારી જેવાં ઊંઘણશી શોધે પલંગને…
થોડા વર્ષો પહેલાં હું અને કાકા ઉત્તર ભારત બાજુ તીર્થયાત્રાએ ગયા હતા. કાકા કાયમ કહે કે કાશી યાત્રાધામ અને કાકી યાતનાધામ એટલે યાત્રામાં તારા કાકીને ભેગા ન લેવાય. એમાં એક તીર્થધામમાં કોઈએ કથા બેસાડી હતી. કથાકારનું નામ સાંભળ્યું હતું એટલે થયું કે ચાલો કથારસ માણવા જઈએ. હું અને કાકા થાંભલાનો ટેકો શોધીને બેઠા. કથાકાર મહારાજ એક પછી એક રસપ્રદ પ્રસંગો સંભળાવતા હતા. પણ બપોરે ભારે ખાધું હોવાથી કાકા તો થોડીવારમાં રિંગણા જોખવા માંડયા. પછી નસકોરાવાદન ચાલુ થયું. થોડીવારમાં એક સ્વયં સેવક હાથમાં લાકડી લઈને આવ્યા અને કાકા પાસે જમીન પર લાકડી પછાડી કાકાના કાનમાં જરા ઊંચા અવાજે બોલ્યા 'જાગતે રહો… જાગતે રહો…' કાકા ઝબકીને જાગી ગયા અને આંખો ચોળી બોલ્યા કે 'જોયુંને? મંચ પર બેસી કથા કરતાં કથાકાર જગાડવાનું કામ કરે છે અન ે આ સેવકો ઉઠાડવાનુું કામ કરે છે અને આ સેવકો ઉઠાડવાનું કામ કરે છે? આ સેવકો ઊંઘ બગાડે અને ઊંઘ ભગાડે એનું કોણ માઠું લગાડે? ઘણાં મોટા માણસોના સેવકો જ ઉઠમણું કરતા હોય છેને?
અમારાથી થોડે દૂર એક બીજા કાકા જેવા નિંદરપ્રેમી 'સ્લીપર-સેલ'ના ભક્તજન બેઠાં બેઠાં ઝોકા ખાતા હતા. કથાવાચન કરતા મહારાજે વચ્ચે ભજન ઉપાડયું 'એ જી મારા મુખમાં વહે ગંગા… જમના સરસ્વતી રે લોલ… રે લોલ… આ સાંભળતાની સાથે જ ઝોકા ખાતા પેલા ભાઈ ઊભા થઈ ગયા અને થેલી લઈ મંચ પાસે પહોંચી ગયા. ભજન પૂરૃં થતાંની સાથે જ થેલીમાંથી નાની ડબરી કાઢી અને ડબરીમ ાંથી કાંઈક કાઢી મહારાજના મોઢામાં ભરી દીધું. મહારાજ થૂ થૂ થૂ કરી બરાડી ઉઠયા કે આ… શું છે?પેલા ભાઈ નિર્દોષ ભાવે બોલ્યા કે મ ારા બાપાના અસ્થી છે, આપે હમણાં ગાયુંને કે મારા મુખમાં વહે ગંગા, જમના, સરસ્વતી રે લોલ… એટલે આપના મુખમાં જ પધરાવી દીધા, અસ્થી પધરાવવા માટે પવિત્ર નદીએ જવાનો ધક્કો તમે બચાવી દીધો… ત્યાં તો ચાર-પાંચ સેવકો ધસી આવ્યા અને એ ભાઈને ધક્કા મારીની મંડપની બહાર મૂકી આવ્યા.
તીર્થયાત્રા પૂરી કરીને પાછા ફરતા હતા. બ્રેક-જર્ની કરીને પછી અમદાવાદથી અમે ટ્રેનમાં બેઠા. ટુ-ટાયર એ.સી.માં કાકાની સામેની બર્થમાં આવીને કાકાના જ એક હમઉમર વડીલે આવીને લંબાવ્યું. એ વખતે રાતના દસ વાગ્યા હતા. આ ટ્રેન વડોદરા લગભગ મધરાતે પહોંચતી હતી. સામેની બર્થવાળા વડીલ તો સીટ ઉપર બેડશીટ પાથરીને કંબલ ઓઢી પડયા પડયા મોબાઈલ જોતા હતા. અચાનક એમણે કાકાને કહ્યું કે વડોદરા આવે તો મને ઉઠાડજો. આટલું કહી મોબાઈલ સ્વીચ ઓફ કરી ઓઢીને સૂઈ ગયા. હવે કાકા ટેન્શનમાં આવી ગયા કે હવે શું કરવું? હું જો સૂઈ જઈશ અને વડોદરા સ્ટેશન વયું જશે તો આ ભાઈ લટકી રહેશે. એનાં કરતાં ગમેએમ કરીને જાગવા દે.
પથુકાકા સ્લિપિંગ રિઝર્વેશનના પૈસા ખર્ચ્યા છતાં લાંબા થઈને સૂવાને બદલે જાગતા બેઠા રહ્યા. ઝોકા ખાતા જાય અને મોબાઈલ જોતા જાય. લગભગ બે કલાકે વડોદરા આવ્યું એટલે કાકાએ સામેની બર્થવાળા ભાઈને ઘઘલાવીને ઉઠાડયા અને કહ્યું ઉઠો ઉઠો વડોદરા આવ્યું… ઉતરવું છે કે નહીં? પેલા ભાઈએ કોઈ જવાબ આપવાને બદલે ખિસ્સામાંથી એક ગોળી કાઢી પાણી સાથે ગળ્યા પછી કહ્યું કે મારે ક્યાં વડોદરા ઉતરવું છે? આ તો ડોકટરે તાવની ગોળી આપી કહ્યું હતું કે બે કલાકે ગોળી લઈ લેજો. એટલે મેં હિસાબ લગાડયો કે બે કલાક પછી વડોદરા આવશે ત્યારે ગોળી ખાઈ લઈશ. બાકી મારે તો મુંબઈ જવું છે… હવે તમતમારે નિરાંત સૂઈ જાવ, વહેલું આવે મુંબઈ… ગુડ નાઈટ.
પથુકાકા તો મનોમન સામેવાળાને ગાળો આપતા સૂતા. સવારે મુંબઈ પહોંચી ટેક્સીમાં ઘરે જતા હતા ત્યારે આગલી રાતનો કિસ્સો યાદ કરી દાઝ ઉતારતા પથુકાકા દાંત ભીંસીને તાડૂક્યા કેવાં નંગ જેવાં પેસેન્જર ભટકાય છે? આટલા પૈસા ખર્ચ્યા છતાં સામેવાળાએ કેવી મારી ઉંઘ બગાડી?
મેં કાકાને ટાઢા પાડતા એટલું જ કહ્યું કે 'કાકા ટ્રેનની સફરમાં જ નહીં જીવનની સફરમાં પણ જાગતાં શ ીખવું જોઈએ જાગતાં…'
અંત-વાણી
જનતા જાગે
તો નઠારા ભાગે.
** ** **
ભલે આકરૃં લાગે
પણ જે જાગે
એ રહે આગે.
** ** **
વંદાની પાછળ વિપક્ષો ભાગે
જ્યારે જેન-ઝી જાગે
** ** **
અમુક માણસો એવા હોય છે
જ્યારે ઉઠે ત્યારે ઉઠમણું અને
બેસે ત્યારે બેસણું.
** ** **
જેન-ઝીએ કેવી તાકાત લગાડી
સરકારને ઉઠાડી નહીં,
પણ જગાડી.




