છરી-કાંટાથી ખાશો તો ગાશો કાંટા લગા હાય લગા...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
ઘણાં કરાઓકે સિંગરોની જેમ (હો) બાળાકાકીને ગાવામાં અને માથું ખાવામાં કોઈ ન પહોંચે. સૂરમાં ગાય નહીં એટલે સૂરની બહાર ગાતા કાકીને પથુકાકાએ ઉપનામ કે ચૂપ કરવા માટેનું ચૂપ-નામ આપ્યું છે 'સૂર-બહાર'. ગાતા જાય અને સૂરની સૂતરફેણી ચખાડતા જાય. અને તાલ એવો પકડે કે સાંભળનારાને માથે ટાલ કરી નાખે. ઘણાંને ૪૨ વર્ષની ઊંમરે બેતાલા આવે. પણ કાકીએ તો તાલબહાર ગાવાનું શરૂ કર્યું ત્યારથી એને બેતેલાની કુદરતી બક્ષીસ મળી છે.
રવિવારે રજાના દિવસે સવારે પથુકાકાના ઘરે ગયો. ઘરમાં પગ મૂકતાની સાથે જ કાકી કરાઓકે સિસ્ટમમાં ગાતા નહીં પણ ગાંગરતા સંભળાયા. કયું ગીત ગાતા હતા ખબર છે? કાંટા લગા હાય લગા… કાંટા લગા હાય લગા… કાંટા લગા હાય લગા…
કાંટા કાનમાં વાગતા હોય એવો કકળાટ સાંભળીને પથુકાકા બેડરૂમમાંથી કાન દબાવતા બાહર આવ્યા એટલે મેં પથુકાકાને પૂછ્યું કે 'આમ તો કાકી સમ ખાવા પૂરતોય સાદ શમશાદ બેગમને મળતો નથી છતાં શમશાદ બેગમના ગીતો 'સમ-સાદ'ના અવાજમાં ગાતા હોય છે. જ્યારે આમ અચાનક કાંટા-લગા…નું આઈટમ સોંગ કેમ ગાવા માંડયા?'
કાકા હસીને બોલ્યા કે આ તારી કાકીને સરખી રીતે ગાતા નથી આવડતું એટલ ું જ નહીં સરખી રીતે ખાતા પણ નથી આવડતું. સેટરડે નાઈટ ક્લબમાં એને ગઈ રાત્રે પરાણે ડિનરમાં લઈ ગયો. પણ થયું એવું કે બધાની વાદે તારી કાકી પણ ધરાર છરી-કાંટાથી ખાવા ગઈ એમાં બે-ત્રણ વાર જીભમાં કાંટો વાગી જતા જીભમાંથી લોહી નીકળ્યું. પછી ઘૂંઘવાઈને જેમ તેમ અડધુ પડધું ડિનર હાથેથી ખાઈ લીધું. પછી ઘરે આવીને મારી ઉપર વરસી પડી કે મોટી ક્લબમાં છરી-કાંટાથી ખાવા ગઈ એમાં કાંટો જીભમાં વાગી ગયો જોયુંને? એટલે તમે જેમ મને પરાણે ખાવા લઈ ગયા એમ હવે હું કાંટાનું જ ગીત ગાઈ ગાઈને તમારૃં માથું ખાઈશ.બસ આ જ કારણસર સવારથી વિંધાયેલી જીભે એક જ ગીત ગાંગર્યા કરે છેઃ કાંટા લગા હાય લગા… કાંટા લ ગા હાય લગા…
મેં કહ્યું કાકીએ ટેસથી હાથેથી ખાવું હતુંને? બીજાને છરી-કાંટાથી ખાતા જોઈ અનુકરણ થોડું કરાય? આ તો શું છે ઓલી કહેવત છે ને કે સાપ ગયા અને લીસોટા રહ્યા એ કહેવતને જરા ફેરવીને કહી શકાય કે અંગ્રેજો એટલે ગોરા સાં'બ ગયા અને છરી-કાંટા રહ્યા બરાબરને?
મને ખબર છે ભાઈ કે હાથેથી ખાવાથી હેલ્થ સારી રહે છે. આપણાં આયુર્વેદમાં પણ હાથેથી ખાવાના ફાયદા ગણાવ્યા જ છે ને? પણ આ તો શું છે કે પશ્ચિમનું આંધળુ અનુકરણ કરવામાંથી જ આપણાં લોકો ઊંચા નથી આવતા.'
મેં કહ્યું કે 'કાકા હવે તો સોશ્યલ મિડિયામાં પણ આયુર્વેદના નિષ્ણાંતો છરી -કાંટા-ચમચી ફેંકીને હાથેથી જ ખાવાની ભારપૂર્વક શીખામણ આપે છે. શું કામ ખબર છે? છરી-કાંટા-ચમચીથી આપણું પાચનતંત્ર આળસું બની જાય છે. બીજું આપણાં હાથની આંગળીના ટેરવામાં હજારો નર્વ્ઝ રહેલી હોય છે. એટલે થાળીમાંથી હાથેથી કોળીઓ લ્યો તેની સાથે જ આંગળીના ટેરવાની નસો મેસજ મગજને પહોંચાડે છે. આની સાથે જ પેટમાં પાચકરસો ઝરવા માંડે છે અને ખાધેલું પચી જાય છે. હવે તમે જ કહો કે છરી-કાંટા-ચમચીથી ખાય એનાં પેટમાં ક્યાંથી આવી રીતે પાચકરસ ઝરે?'
'વાહ ભાઈ વાહ, તેં તો પાચકરસ ઝરે એની વાત કહી એ વાંચીને વાચકોના પેટમાં વાચક-રસ ઝરશે,બરાબરને?'
મેં કહ્યું 'કાકા કાંટાની વાત પરથી મને દેવઆનંદની ક્લાસિક ફિલ્મ ગાઈડનું અમર ગીત યાદ આવ્યુંઃ કાંટો સે ખીંચ કે યે આંચલ, તોડ કે બંધન બાંધે પાયલ…'
કાકાએ સવાલ કર્યો કે 'કાંટાને અને 'ગાઈડ'ન ગીતને શું સંબંધ? ' મેં જવાબ આપ્યો કે 'કાકા તમને ખબર છે? ગાઈડ ફિલ્મના ક્લાઈમેક્સના દ્રશ્યોનું શૂટિંગ અમારા લીંબડી ગામની ભોગાવો નદીના પટમાં થયું હતું? ત્યારે મારી ઉંમર આઠેક વર્ષની હતી. મારા પપ્પા લીંબડી મિલના ઓફિસર એટલે દેવઆનંદના યુનિટને રહેવાની વ્યવસ્થા કરી દીધેલી એટલે રોજ કે.એસ.બાલમંદિરમાંથી છૂટીએ એટલે 'ગાઈડ'નું શૂટિંગ જોવા નવ કેતન ફિલ્મસની ગાડીમાં પહોંચી ઝઈએ. આ ફિલ્મ રિલિઝ થઈ અને એનાં ગીતો હિટ થયા ત્યારે અમને તો શબ્દોનું કાઈ બહુ ભાન નહીં એટલે શું ગાતા ખબર છે? કાંટો સે ખીંચ કે યે આંચળ તોડ કે બંધન બાંધે પાછળ… અમે એવું વિચારતા હતા કે બકરીને દોહતી વખતે આંચળ કાંટાથી કેમ ખેંચવામાં આવતા હશે? બકરીના બે પગ પાછળથી બાંધીને બકરી દોહવામાં આવતી હશે? એવી કલ્પના કરીને ગાતા કાંટો સે ખીંચ કે યે આંચળ જોડ કે પગ બાંધે પાછળ…'
કાકા બોલ્યા આને કહેવાય બાળપણ, બચપન કે દિન ભૂલા ન દેના… આજ હસે કલ રૂલા ન દેના હો…'
મેં કહ્યું હજી કાંટાની વાત સાંભળો તો ખરા? 'ગાઈડ'ના ક્લાઈમેક્સના દ્રશ્યો વખતે સાધુના વેશમાં ઉઘાડા પગે ખેતરમાં ચાલતા દેવઆનંદના પગમાં શૂળનો કાંટો ખૂંચી ગયો. ભારી પીડા થાય અને પગે સોજો ચડી ગયો. એ જમાનામાં ગામના દેવ જેવા ડોકટર દોડી આવ્યા અને કાંટો ખેંચી કાઢી દવા લગાડી પાટો બાંધ્યો ત્યારે દેવઆનંદને રાહત થઈ હતી. આ કાંટા ખેંચી કાઢ્યો એ સંદર્ભ સાથે ગીતના શબ્દોનો કેવો મેળ બેસે છે? કાંટો-સે ખીંચ કે યે…
કાકા બોલ્યા છરી-કાંટાથી ખાવામાં જોખમ છે એ વાત પરથી તું કાંટાથી કહાણી ક્યાંની કયાં લઈ ગયો? હવે જરા પાછો વળ તો સારૃં.
મેં ટોપિક બદલતા કહ્યું કે 'કાકા હાથેથી ખાવાની જેમ સલાહ આપવામાં આવે છેને? એવી જ રીતે હાથ બરાબર સાબુથી ધોઈને પછી ખાવાની પણ તાકીદ કરવામાં આવે છે એ તમને ખબર છેને?'
કાકા બોલ્યા કે મને લાગે છે કે એટલે જ કેટલાય લાંચિયા અને કટકીબાજ સરકારી બાબુઓ હાથ ધોઈને 'ખાવામાં' પાછું વળીને જોતા નથી. આપણાં જેવાં હાથ ધોઈને નાણું ખાય અને ખાઈ કી બાજો હાથ ધોઈને નાયું ખાય એટલો ફેર છે, બરાબરને?
અંત-વાણી
હાથેથી ખાય તંદુરસ્ત
છરી-કાંટાથી ખાય ધન-દુરસ્ત.
** ** **
છરી-કાંટાથી ખાશો તો
કાંટા વાગવાના ગાણાં ગાશો.
** ** **
પૈસો હાથનો મેલ છે
છતાં મેલનો જ બધો ખેલ છે.
** ** **
સઃ ઘરમાં હવન થાય એને ગુજરેજી ભાષામાં શું કહેવાય?
જઃ હોમ-હવન.
** ** **
સઃ ઘરમાં સ્વર્ગ જેવું વાતાવરણ સર્જાય એને ગુજરેજીમાં શું કહેવાય?
જઃ હોમ-હેવન.




