Boj Viana ni Moj

વટથી થાય મિલા-વટ ઝટથી થાય બના-વટ

By GS Team
25 Aug 20265 mins read
TukuTouch Logo
અક્ષય અંતાણી અને પથુકાકા ગાર્ડનમાં મોર્નિંગ વોક કરતા હતા. ત્યાં પથુકાકાએ બહુ વજનદાર કપલને જોઈને કહ્યું કે "આ ભાઈનુંય ઘરમાં વજન પડતું નહીં હોય, એટલે જ બહાર વજન પાડવા (ઉતારવા) નીકળ્યા છે." તેમની આ વાત પરથી રાજકારણમાં વધતા વજનની મિલાવટની ચર્ચા થઇ. તેઓ એક ચાઈનીઝ રેસ્ટોરાંમાં ગયા, જ્યાં તેમને વંદા જોવા મળ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

વટથી થાય મિલા-વટ ઝટથી થાય બના-વટ
  • બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

હું અને પથુકાકા ગાર્ડનમાં મોર્નિંગ વોક માટે નીકળીએ ત્યારે અમારા બન્નેની અલકમલકની મોર્નિંગ ટોક ચાલુ જ હોય. અમારી બાજુમાંથી એક વજનદાર કપલ ઝડપથી ચાલતું નીકળ્યું. ભારેખમ કાયાવાળા ભાઈને જોઈને પથુકાકા બોલ્યા કે મારી જેમ આ ભાઈનુંય ઘરમાં વજન પડતું નહીં હોય એટલે જ બહાર વજન પાડવા (ઉતારવા) નીકળ્યા છે. વજન વધી જાય પછી ડોકટર વજન ઉતારવાની ચેતવણી આપે ત્યાર પછી જે સવારે નીકળી પડે એને મોર્નિંગ વોકને બદલે શું કહેવાય ખબર છે? વોર્નિંગ-વોક.
કાકાની ટકોર સાંભળીને મે ખડખડ હસીને કહ્યું કે સત્તાધારી પાર્ટીમાં આવું જ છેને? જેવું કોઈનું વજન વધતું જણાય એટલે હાઈ-કમાન્ડવાળા એને હાલતા કરી દે છેને? કદ પણ ઘટાડે અને પદ પણ ઘટાડે…બોલો મોર્નિંગ-વોકમાં આ મારી પોલિટિકલ મોર્નિંગ જોક કેવી લાગી?'
મસ્તીના મૂડમાં કાકા રિસ્પોન્સ આપતા બોલ્યા કે 'તારી જોકને હું ફક્ત દાદ જ નથી આપતો, દાદ, ખાજ, ખુજલી બધું જ- આપું છું બસ?'
ગાર્ડનનાહરિયાળા વાતાવરણમાં અને ઝરમર વરસાદમાં મારા ગળામાંથી ગીત ફૂટી નીકળ્યું ઃ મિલે સૂર મેરા તુમ્હારા… તો સૂર બને હમારા… મિલે સૂર મેરા તુમ્હારા… મિલે સૂર મેરા તુમ્હારા…
મારા ગીતને અધવચ્ચે અટકાવી બ્રેક મારતા પથુકાકા ચેતવણીના સૂરમાં તાડૂક્યા સ્ટોપ ઈટ… સ્ટોપ ઈટ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના કાને તારૂ ગીત પડશેને તો તાત્કાલિક તારી સામે એકશન લેશે સમજાયું? મહારાષ્ટ્રમાં એફડીએ કમિશનર તુકારામ મુંઢે આવ્યા છે એણે મુંબઈ સહિત આખા રાજ્યમાં મિલાવટખોરો અને ભેળસેળ કરતા ભૂતો ઉપર રેડ ઉપર રેડ પાડીને, લાયસન્સો કેન્સલ કરીને, શટરો બંધ કરાવીને અને ખતરનાક ખાણાંની ''ખાના-ખરાબી'' બંધ કરાવીને રાડ બોલાવી દીધી છે ખબર છેને? એણે એક જ સૂત્ર અપનાવ્યું છેઃ જો લોંગોં કી જાન સે ખેલેગા, વો સજા ઁઝેલેગા' એટલે એને કાને તારૃં મિલે સૂર મેરા તુમ્હારા ગીત પડશેને તો સૂરમાં કેમ મિલાવટ કરો છો? એવું કહીને હોટેલો-મોટેલોની જેમ તારૃં મોઢું પણ બંધ કરાવી દેશે હવે સમજાયું? એટલે મિલે સૂર મેરા તુમ્હારા… એવું ગાવાનું હમણાં રહેવા દે… કારણ કે 'ખાના-ખરાબી' જેમ બેસૂરૂ ગાઈને ગાના-ખરાબી ફેલાવે છે એ ખબર પડશેને તો તારી ખેર નહીં રહે…
મેં કહ્યું ' લોકોને ભેળસેળ અને મિલાવટી ખાણી-પીણીથી બચાવવા એફડીએના 'સિંઘમ'ની એવી તો રાડ બોલી ગઈ છે કે ડેરીવાળા લાખો લીટર મિલાવટી દૂધ નાળામાં ઢોળી નાખે છે બોલો!' કાકા બોલ્યા કે 'એક જમાનામાં ભારતમાં ઘી દૂધની નદીઓ વહેતી અને આજે ધી-દૂધ નાળામાં વહે છે. ઓલું બૈજુ બાવરાનું ગીત છેઃ ઓ દુનિયા કે રખવાલે સૂન દર્દ ભરે મેરે નાલે… એ ગીત નાળામાં વહેતા દૂધને જોઈને ફેરવીને ગાવું પડે કેઃ ઓ દુનિયા કે રખવાલે, સૂન દૂધ ભરે મેરે નાલે…
કાકાનો જીવન મંત્ર છે કે કાં પગ ચાલવા જોઈએ અને કાં મોઢું ચાલવું જોઈએ. એટલે ગાર્ડનમાં ચાલવાનું પૂરૃં થયું અને સાડા નવની આસપાસ ઘર તરફ પાછા ફરવા માટે નીકળ્યોત્યારે રસ્તામાં 'ચોટી-કાપૂ-કે' નામની ચાઈનીઝ રેસ્ટોરાં આવી એટલે કાકાના મોઢામાં પાણી આવ્યું મને પરાણે રેસ્ટોરાંમાં ખેંચીને લઈ ગયા અને ચાઈનીઝ આઈટમનું મેનું વાંચવા માંડયા. ચાઈનીઝ ચાઉ ચાઉ, હોટ-ડોગ ભાઉ… ભાઉ… ફ્રાઈડ ફ્રોગ ડ્રાંઉ ડ્રાંઉ અને ખીસકોલી ખાઉં ખાઉં જેવી નોનવેજ ડિશો વાંચીને કાકાએ પિત્તો ગુમાવ્યો અ ન ે ચૂંચી આંખોવાળા વેઈટર સામે તાડૂક્યા કે હમ નોનવેજવાલે લગતે હૈ? જાવ વેજ આઈટમ કા મેનુ લાવ… પેલો દોડાદોડ મેનું લાવ્યો એટલે અમે વેજ મન્ચુરીયન અને ચાઈનીઝ રાઈસનો ઓર્ડર આપ્યો. પછી કાકા બોલ્યા તને ખબર છે? ચીનાઓ ભારતના દુશ્મન ગણાય પણ આપણાં દેશમાં ચાઈનીઝ ફૂડ ટેસથી ખાનારાનો કોઈ પાર નથી. એટલે અગાઉ એવું કહેવાતું કે હિંદી ચીની ભાઈ ભાઈ… જ્યારે હવે કહેવાય છે હિંદી ચીની (ખાણું) બહુ ખાય…'
કાકાની વાત સાંભળીને મે ટકોર કરી કે 'ખંધા, ખૂટલ અને ખરાબ ચીના આપણી જમીન પચાવે અને આપણે ચીની ખાણું પચાવીએ એ કેવું કહેવાય?' થોડી વારમાં વેઈટર ઓર્ડર લઈને આવ્યો અમે ખાવા માંડયા. થોડીવારમાં મારા અને કાકા બન્નેના પગમાં જોરદાર સળવળાટ થતા અમે ગભરાઈને રાડ પાડી. નીચે નજર નાખી તો દસેક વંદા આંટા મારતા હતા. વર્ષોથી અહીં સેટલ થયેલા હોટેલના ચાઈનીઝ માલિક મિસ્ટર હાક-થૂં-ચાંગને પૂછ્યું કે 'હોટેલમાં આટલા કોકરોચ ફરે છે એનો કોઈ ઈલાજ કેમ નથી કરતા?' હાક-થૂ-ચાંગ બોલ્યા અમારા ચાઈનામાં તો રીતસર કોકરોચ ઉછેરીને કોકરોચ ફ્રાય, કોકરોચ ડ્રાય, કોકરોચ રોસ્ટેડ જેવી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે તમને ખબર નથી? ચીનાઓ આકાશમાં ઉડતી જમીન પર સરકતી અને પાણીમાં તરતી કોઈ પણ ચીજને પેટમાં પધરાવે છે.'
પથુકાકા બોલ્યા ઈસમેં ખાના નહીં ખાના-ખરાબી બોલતે હૈ… ચીન મેં જો ખાના હો જૈસે ખાના હૌ ખાના બાકી યહાં બોમ્બે મેં તો કોકરોચ ઘૂમતે નજર આયેંગે ને તો એફ.ડી.એ. (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) વાલે હોટેલ કો મણ મણ કા તાલા ઠોક કે દંડ ફટકારેંગે સમજે… અચ્છા ચલા જાતે હૈ…
ચાઈનીઝ હોટેલમાંથી નીકળતાની સાથે જ મેં કાકાને માથે પસ્તાળ પાડતા ખીજમાં કહ્યું કે 'આવી હોટેલમાં લઈ જવાય? તમારૃંય ભેજું ફરી ગયું છે કે શું? ફલોર ઉપર કેટલા કોકરોચ ઘૂમતા હતા જોયું કે નહીં?' પથુકાકા લુચ્ચું હસીને બોલ્યા કે 'તું કંઈ દુનિયામાં વસે છે? કોકરોચને હવે હાથ લગાડી શકાય એમ નથી હો? હોટેલમાં ફરતા કોકરોચ જોઈને તું ભડકી ગયો એ તો મેં જોયું પણ ઠેઠ દિલ્હી પહોંચી ગયેલા 'કોકરોચોએ' કેન્દ્રની સરકારને કેવી ભડકાવી દીધી એ આખી દુનિયાએ જોયું કે નહીં? પહેલાં લોકો કોકરોચથી ડરીને ભાગતા અને હવે વિપક્ષો કોકરોચની પાછળ ભાગે છે એ તાજેતરમાં જોયુંને? એક ફિલ્મી ગીત યાદ આવે છેઃ ચંદાકો ઢૂંઢને સભી તારે નીકલ પડે… એના પરથી પેરડી બનાવીને ગાઈ શકાય કેઃ વંદા કો ઢૂંઢને સભી ''બારે'' નીકલ પડે…
મહારાષ્ટ્રના મિલાવટખોરો સામે ચાલતા જંગનો ઉલ્લેખ કરીને મેં કાકાને કહ્યું કે 'આખા દેશમાં આ જંગ છેડાય તો લાખો લોકોને બચાવી શકાય કે નહીં?' પથુકાકા બોલ્યા મારા ભાઈ ભેળસેળ દૂર કરવાની અને સફાઈ કરવાની શું હોટલોમાં કે ખાઉ ગલ્લીઓમાં જ જરૂર છે? જ્યાં જુઓ ત્યાં મિલાવટખોરોનો જ માહોલ છેને? ધરમના ધામમાં રાજકારણની મિલાવટ અને રાજકારણમાં જાતિ-ધરમની મિલાવટ, કોકટેલ પાર્ટીઓમાં પીરસાતા દારૂમાં મિલાવટ અને ઘેર ઘેર પહોંચાડાતા દૂધમાં મિલાવટ આ મિલાવટ કોણ જાણે ક્યાં જઈને અટકશે?'
મેં કાકાને કહ્યું કે તમે કોકટેલ પાર્ટીમાં મિલાવટની વાત કરી એટલે કહેવું પડે કે કોકટેલ પાર્ટીમાં જ નહીં પોલિટિકલ પાર્ટીમાં પણ કેવી મિલાવટ થાય છે? ખરડાયેલા, તરડાયેલા અને મરડાયેલા વિરોધ પક્ષના નમૂનાઓ પગ નીચે રેલો આવે ત્યારે લાગ જોઈને કેવાં સત્તાપક્ષમાં ભળી જાય છે? આ મિલાવટખોરી જ કહેવાયને?'
પથુકાકા બોલ્યા મતદારો સાથે દગો કરી કેટલાય દાગીઓને સત્તાપક્ષમાં મોટી સંખ્યામાં ભળતા જોઈને મને વિચાર આવે છે કે ભવિષ્યમાં કોઈ નવી ભળતા પાર્ટી ઊભી થાય તો કહેવાય નહીં હો? એટલે જ કહેવું પડે છે કેઃ
સત્તાપક્ષ અને વિપક્ષમાં
ચાલતી રહે છે વધઘટ
વફાદાર વોટરોની
છડેચોક કરી બનાવટ
પક્ષોમાં બસ વટથી
થતી રહે છે મિલા-વટ
અંત-વાણી
મિલાવટ માલ આવે
કન્યાના આણામાં
કોળિયે કોળિયે ખાના-ખરાબી
કેવી છે ખાણામાં
ભારતભરમાં ભેળસેળ ફરી
વળી છે ભાણાં ભાણાંમાં.