Bhavnagar

શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધી, પ૯ દરવાજા ખોલાયાં

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઉપરવાસમાંથી પાણીની ધસમસતી આવક થતા ઓવરફ્લો થયો છે. આજે વહેલી સવારે ડેમના 59 દરવાજા 2.6 ફૂટ ખોલી 21868 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. પાલીતાણાનો ખારો ડેમ અને ઉમરાળાનો રંઘોળા ડેમ પણ છલકાયા છે, જ્યારે મહુવાનો રોજકી ડેમ 100% ભરાયો છે. આ સમાચારથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધી, પ૯ દરવાજા ખોલાયાં

વહેલી સવારે ઉપરવાસમાંથી પાણીની આવક વધતા તમામ દરવાજા ર.૬ ફૂટ ખોલ્યાં

શેત્રુંજી ડેમમાં રાત્રિના પણ ર૧૮૬૮ કયુસેક પાણીની આવક-જાવક શરૃ ઃ જમણા કાંઠાની નહેરમાં ૩૮ કયુસેક પાણી છોડાયું

ભાવનગર - ઉપરવાસમાંથી પાણીની ધસમસતી આવકના પગલે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ગત સોમવારે સાંજે ઓવરફલો થયો હતો તેથી ડેમના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા હતાં. આજે મંગળવારે વહેલી સવારે ઉપરવાસમાંથી પાણીની આવક વધતા શેત્રુંજી ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા અને ડેમમાં પાણીની આવક-જાવક શરૃ હતી.

મોટાભાગનું પાણી નદી મારફત દરિયામાં જતુ હોય છે

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલ શેત્રુંજી ડેમ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે. શેત્રુંજી ડેમની સપાટી ગત રવિવારે ર૩.૭ ફૂટ હતી પરંતુ રવિવારે સવારે ૧૦ કલાકે ઉપરવાસમાંથી શેત્રુંજી ડેમમાં પાણીની શરૃ થઈ હતી. ગઈકાલે સોમવારે શેત્રુંજી ડેમમાં ૭૧,૮૧૦ કયુસેક પાણીની ધસમસતી આવક થઈ હતી, જેના પગલે શેત્રુંજી ડેમ સોમવારે સાંજે ૬.૧પ કલાકે છલકાયો હતો અને ડેમના ર૦ દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા હતાં. આજે મંગળવારે શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમના તમામ પ૯ દરવાજા ર.૬ ફૂટ ખોલી નાખવામાં આવ્યા હતા અને ડેમમાંથી ર૧૮૬૮ કયુસેક પાણીની આવક-જાવક શરૃ હતી. જમણાકાંઠાની નહેરમાં ૩૮ કયુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ, જયારે મોટાભાગનું પાણી નદી મારફત દરિયામાં જતુ હોય છે.

ઉલ્લેખનીય છે કે, શેત્રુંજી ડેમમાં ૩ર કલાકમાં છલકાયો ગયો હતો અને ડેમમાં આશરે ૧૦ ફૂટથી વધુ પાણીની આવક થઈ હતી. શેત્રુંજી ડેમમાં રાત્રિના પાણીની આવક ઘટીને ૧૮૦૦ કયુસેક થઈ ગઈ હતી. શેત્રુંજી ડેમ ઓવરફલો થતા ખેડૂત સહિતના લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે. શેત્રુંજી ડેમના દરવાજા ખોલાતા સુંદર નજારો જોવા મળ્યો હતો અને આ નજારો નિહાળવા લોકો ઉમટી પડયા હતાં.

ખારો ડેમ છલકાયો, પ દરવાજા ૧ ફૂટ ખોલાયાં

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ખારો ડેમમાં આજે મંગળવારે પાણીની સારી આવક હતી તેથી મંગળવારે સાંજે ૭.૩૦ કલાકે ડેમ છલકાયો હતો. ખારો ડેમ છલકાતા ડેમના પ દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા હતા અને રપ૮ કયુસેક પાણીની આવક-જાવક શરૃ હતી. ખારો ડેમ ભરાતા આજુબાજુના ગ્રામજનોમાં ઉત્સાહની લાગણી ફરી વળી હતી.

ઉમરાળાનો રંઘોળા ડેમ છલકાયો

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનાં રંઘોળા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સારી આવક હતી તેથી ડેમ સાંજે પ કલાકે છલકાય ગયો હતો. આ ડેમમાં રાત્રિના પણ પાણીની આવક-જાવક શરૃ હતી. રંઘોળા ડેમ ભરાતા આસપાસ રહેતા લોકો ગેલમાં આવી ગયા હતા અને ડેમનો નજારો જોવા પહોંચી ગયા હતાં.

મહુવાનો રોજકી ડેમ ૧૦૦ ટકા ભરાયો

ભાવનગર જિલ્લાના મહુવાના રોજકી ડેમમાં આજે મંગળવારે પાણીની સારી આવક હતી તેથી રાત્રિના સમયે ડેમ ૧૦૦ ટકા ભરાય ગયો હતો, જો ડેમમાં પાણીની આવક શરૃ રહેશે તો ડેમના દરવાજા ખોલવામાં આવશે તેમ સિંચાઈ વિભાગના સુત્રોએ જણાવેલ છે. રોજકી ડેમ ભરાતા આ વિસ્તારનાં લોકોમાં ખુશની લાગણી ફરી વળી હતી.