સિહોર પંથકમાં સિંહ-દીપડાનો ત્રાસ વધતા ગ્રામજનો ભયભીત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજપરા અને આજુબાજુના ગામમાં લોકો ખેતીકામ કરવા જઈ શકતા નથી
પશુઓના મારણની અવાર-નવાર બનતી ઘટના, વન વિભાગ તરફથી સામાન્ય વળતર ચૂકવવામાં આવતું હોવાની રાવ
સિહોર - સિહોર તાલુકાના રાજપરા સહિતના ગામોમાં સિંહ અને દીપડાનો ત્રાસ વધતો જઈ રહ્યો હોવાથી સ્થાનિક ગ્રામજનો, માલધારીઓ, પશુપાલકો અને ખેડૂતો ભયભીત બન્યા છે. ચોમાસાની ઋતુમાં બાગાયતી વિસ્તારોમાં ઝાડી-ઝાંખરા વધી જતાં સિંહ-દીપડાનો ખતરો વધુ રહે છે. જેથી લોકો ખેતીકામ કે પશુ ચરાવવા જતા અચકાઈ છે.
રાજપરા (ખોડિયાર) અને આજુબાજુના ગામોમાં લીંબુ સહિતની બાગાયતી ખેતી મોટા પ્રમાણમાં થાય છે. આ ગામોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહ અને દીપડાના ભયને કારણે ભાગિયા ખેતરમાં કામ કરવા તૈયાર થતા નથી. પરિણામે દવા છંટકાવ, સિંચાઈ, નિંદણ અને અન્ય ખેતીના કામ સમયસર થતા ન હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ગામમાં ગૌચરની જમીન અત્યંત ઓછી હોવાથી માલધારીઓને તેમના પશુને ચરાવવા ગામની બહાર કે બાગાયતી વિસ્તારોમાં લઈ જવા પડે છે. આવી સ્થિતિમાં સિંહ અને દીપડાના હુમલાનો સતત ભય અને જીવનું જોખમ રહે છે. ખેતરોમાં રાખવામાં આવેલ ગાય, ભેંસ, બળદ, વાછરડા અને અન્ય પશુઓનું અવાર-નવાર મારણ થાય છે. વન વિભાગ દ્વારા સામાન્ય વળતર ચૂકવી હાથ ખંખેરી લેવામાં આવતા હોવાની રાવ ઉઠી છે.
આ બાબતે સ્થાનિક લોકોએ રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી-સિહોરને રજૂઆત કરી ગ્રામ પંચાયત, વન વિભાગ અને અન્ય સબંધિત વિભાગો સાથે સંકલન સાથે સ્થળ નિરીક્ષણ કરી રાજપરા અને અન્ય ગામોના લોકોને સિંહ-દીપડાના ત્રાસથી કાયમી મુક્તિ મળે તેવા પગલા ભરવા માંગ કરી છે.









