Bhavnagar

તળાજામાં કાકા - ભત્રીજા પર છરી અને પાવડા વડે જાનલેવા હુમલો

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં ગાડી અડકવા જેવી સામાન્ય બાબતે બારૈયાનગર પાસે હોટલ માલિક જયદીપસિંહ વાળા પર છરી વડે હુમલો થયો. બચાવવા પડેલા ભત્રીજા હરદીપસિંહને પાવડાથી માર મરાયો. પ્રદીપ દોરાળા, ગણેશ દોરાળા, કુશ દોરાળા સહિત 5 શખ્સો સામે તળાજા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તળાજામાં કાકા - ભત્રીજા પર છરી અને પાવડા વડે જાનલેવા હુમલો

ગાડી અડકી જવાની મામૂલી તકરારમાં લોહીયાળ જંગ

બારૈયાનગર પાસે હોટલ માલિક પર છરીથી પ્રાણઘાતક પ્રહાર, બચાવવા પડેલા ભત્રીજાને પાવડો ફટકાર્યો

ભાવનગર -  ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આવેલા બારૈયાનગર સોસાયટી પાસે ગાડીની મામૂલી ટક્કર વાગવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૃપ ધારણ કરતાં હિંસક ધીંગાણું સર્જાયું હતું. આ બનાવમાં છરી અને પાવડા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી બે વ્યક્તિઓને ગંભીર રીતે ઇજા પહોંચાડવામાં આવી છે. તળાજા પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, તળાજાના દરબારગઢ વિસ્તારમાં રહેતા અને મામલતદાર કચેરી પાસે હોટલ ચલાવતા જયદીપસિંહ વાળાના સંબંધી યુવક હર્ષવર્ધનસિંહને ગોરખી દરવાજા ખાતે રહેતા કુશ દોરાળાની ગાડી સાથે ટક્કર વાગતા માથાકૂટ થઈ હતી. આ બાબતની જાણ થતાં જયદીપસિંહ તથા તેમના ભત્રીજા હરદીપસિંહ બારૈયાનગર રોડ પર વાતચીત કરવા ગયા હતા. દરમિયાન પ્રદીપ દોરાળા, ગણેશ ઉર્ફે ગણો દોરાળા, કુશ દોરાળા અને અન્ય બે અજાણ્યા ઇસમોએ ખિજાઈનેને ગાળો ભાંડી ઝપાઝપી શરૃ કરી દીધી હતી. આ વેળાએ પ્રદીપ દોરાળાએ છરી વડે જયદીપસિંહ પર જાનલેવા હુમલો કરી ડાબા હાથની કોણી પર ગંભીર ઘા માર્યો હતો. જ્યારે ગણેશ દોરાળાએ પાવડા વડે હરદીપસિંહના બાવડા પર પ્રહાર કરી મૂઢ ઈજા પહોંચાડી હતી.લોકો ભેગા થઈ જતાં તમામ શખ્સ નાસી છૂટયા હતા. ઇજાગ્રસ્તોને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. તળાજા પોલીસે બીએનએસની વિવિધ કલમો તેમજ હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ છ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.