આજે શીતળા સાતમ, કાલે શ્રીકૃષ્ણ જન્મોત્સવના વધામણા કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તહેવારો ટાણે લોકોમાં પ્રવર્તી રહેલો ભારે હર્ષોલ્લાસ
સાતમના પર્વે ઘરે ઘરે ટાઢુ ખાવાની જળવાઈ રહેલી વર્ષો જુની પરંપરા
ભાવનગર - બોળચોથના પર્વ સાથે જ સાતમ-આઠમના પાવનકારી મહાપર્વની ઉજવણીનો પ્રારંભ થઈ ગયો છે. બુધવારે રાંધણ છઠ્ઠની ઉજવણી બાદ આવતીકાલે ગુરૃવારે શીતળા સાતમના પર્વની ઉજવણી કરાશે. જયારે શુક્રવારે સર્વત્ર શ્રીકૃષ્ણ જન્મોત્સવના હરખભેર વધામણા કરાશે. તહેવારોને મન ભરીને માણવા માટે ગોહિલવાડની જનતામાં ભારે ઉમંગ અને ઉત્સાહ છવાયેલો જોવા મળી રહ્યો છે.
દેવાધિદેવ મહાદેવની ઉપાસનાના પવિત્ર શ્રાવણ માસમાં ભકતો શિવભકિતમાં મગ્ન બન્યા છે. શ્રાવણ માસની પર્વમાળા અંતગર્ત ગુરૃવારે પરંપરાગત રીતે શીતળા સાતમનું વ્રત ઉજવાશે. આ પ્રસંગે ગોહિલવાડમાં ચુલો ઠારી પૂજન અર્ચન કરવાની પરંપરા બહેનોએ નિભાવી હતી.આજના દિવસે અગ્નિતત્વના અધિષ્ઠાતા દેવ સૂર્યની પૂજાનું તેમજ માતા શીતળાની પૂજા અર્ચના કરવાનું ભારે મહાત્મ્ય હોય બહેનો દ્વારા શીતળા માતાજીની શાસ્ત્રોકત રીતે પૂજન અર્ચન કરાશે એટલુ જ નહી રાંધણ છઠ્ઠના દિવસે પરિવારની ગૃહિણીઓ દ્વારા તૈયાર કરાયેલી ટાઢી રસોઈ જમીને વ્રત કરાશે. છઠ્ઠના પર્વે રસોઈ કરી સાતમના પર્વે ચુલાની પૂજા કરવાની હોય આજના દિવસે કોઈ પણ ગરમ ખાદ્યસામગ્રી બનાવાતી નથી. આજના સાતમના પર્વે વ્રતધારી ગૃહિણીઓ દ્વારા ઠંડા દૂધ, જળ, ચંદન અને કંકું,ચોખા વગેરેથી શીતળા માતાજીની પૂજા કરાશે. જયારે સાતમ આઠમની રજામાં શહેરીજનો પરિવારજનો અને મિત્રવર્તુળ સાથે યાત્રાધામો તેમજ પ્રાકૃતિક અને પર્યટન સ્થળોએ જવાના મૂડમાં જોવા મળ્યા છેે.
શહેરમાં રેડીમેડ ફરસાણનો ક્રેઝ વધ્યો
મોટા ભાગના ફરસાણ અને મીઠાઈ બનાવવામાં રો મટીરીયલ્સની ખરીદી, બનાવવામાં લાંબી કડાકૂટ રહેતી હોય નોકરીયાત પરિવારો અને મોર્ડન ગૃહિણીઓ રાંધણ છઠ્ઠના પર્વે શુકન પૂરતી ખાદ્યસામગ્રી ઘરે બનાવી અન્ય જરૃરી ફરસાણ અને મીઠાઈઓ દુકાનોમાંથી કે ઘરઘરાઉ ફરસાણના વિક્રેતાઓ પાસેથી ખરીદી કરી તહેવારની ઉજવણી કરવાનો ક્રેઝ વધ્યો હોય દુકાનોની બહાર વધારાના કાઉન્ટર ઉભા કરી ખાદ્યસામગ્રીઓના ૫૦૦ થી લઈને એક કિ.ગ્રા.ના તૈયાર પેકેટનું છેલ્લા બે ત્રણ દિવસથી ધૂમ વેચાણ થઈ રહ્યુ છે.




