Bhavnagar

જુગારની બાજીમાં કાળનો પંજો ઃ ઉખરલામાં કુવામાં ખાબકેલા ત્રણ જુગારીઓનાં મોત

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના ઉખરલા ગામે મોડી રાત્રે જુગાર રમતા 3 યુવાનોના કૂવામાં ડૂબી જવાથી કરુણ મોત થયા છે. 1 યુવકનો આબાદ બચાવ થયો. વાડી માલિકે 'ભાગો ભાગો'ની બૂમ પાડતા નાસભાગ મચી હતી. પોલીસે રેડ પાડી હોવાની વાતને નકારી, વરતેજ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જુગારની બાજીમાં કાળનો પંજો ઃ ઉખરલામાં કુવામાં ખાબકેલા ત્રણ જુગારીઓનાં મોત

પોલીસની રેઈડ કે પછી અકસ્માત ? યક્ષ પ્રશ્ન

એક યુવકનો આબાદ બચાવ, પોલીસના ડરે કુવામાં ખાબક્યાની વાતને પોલીસનો રદિયો, વરતેજ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી

ભાવનગર -  ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ઉખરલા ગામે મોડી રાત્રે એક અત્યંત કરુણ અને શંકાસ્પદ અકસ્માત સર્જાયો છે. ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે જામેલી જુગારની રમતમાં અચાનક ભાગદોડ મચતા ચાર યુવાનો કૂવામાં ખાબક્યા હતા, જેમાંથી ત્રણ યુવાનોના ડૂબી જવાથી કરૃણ મોત નીપજ્યા છે. જોકે વરતેજ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ઉખરલા ગામની વાડીમાં ૧૧ જેટલા ઇસમો એકઠા થઈને પત્તા અને રૃપિયાની રમઝટ બોલાવી રહ્યા હતા. મોડી રાત્રે અંધારામાં વાડીના માલિક મહાવીરસિંહને કોઈ અજાણ્યો અવાજ સંભળાયો હતો. કોઈ આવી ગયું હોવાની કે પોલીસ રેડ પડી હોવાની આશંકાએ વાડી માલિકે મોટા અવાજે 'ભાગો ભાગો'ની બૂમો પાડી હતી. આ બૂમ સાંભળતા જ જુગારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. પોતાના હાથમાં રૃપિયા અને પત્તાંની મુઠ્ઠીઓ વાળીને સૌ કોઈ અંધારામાં જે દિશા મળી ત્યાં ભાગવા લાગ્યા હતા. રાત્રિના ઘનઘોર અંધારામાં ભાન ભૂલીને દોડેલા રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી, અજીતસિંહ સિંધા અને કેવળ નામનો યુવાન નજીકમાં જ આવેલા ઊંડા કૂવામાં ખાબક્યા હતા. કૂવામાં પાણી હોવાથી રાહુલ, નિલેશ અને અજીતસિંહનું ડૂબી જવાથી સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે કેવલ નામનો યુવાન કૂવાની દીવાલ કે કિનારે લટકી રહ્યો હતો, જેથી તેનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ સવારે થતાં જ પોલીસ કાફલો તુરંત ઉખરલા ગામની વાડીએ દોડી ગયો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી કૂવામાંથી ત્રણેય યુવાનોના મૃતદેહો બહાર કાઢી પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે હોસ્પિટલ ખસેડયા હતા. આ મામલે વરતેજ પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જુગારની રમત ક્ષણભરના આવેગ અને ડરમાં ત્રણ પરિવારના દીપ બુઝાવી ગઈ છે. આ સમગ્ર મામલે વાડી માલિક સહિત આઠ લોકોના વરતેજ પોલીસે નિવેદનો લીધા છે અને અકસ્માતે મોતની નોંધ કરી છે. બીજી તરફ રેડ પડવા માટે પોલીસ ગઈ હતી કે કેમ તે દિશામાં તપાસ શરૃ કરી છે.

પોલીસની રેઈડના કારણે યુવકો ભાગ્યાને બનાવ બન્યાની લોકચર્ચા

ઘોઘા તાલુકાના ઉખરલા ગામે ગત મોડી રાત્રે વાડીમાં જુગારની બાજી મંડાયેલી હતી અને તેના પર પોલીસની રેઈડ પડતા અંધારામાં નાસભાગ મચી હતી. જેમાં ત્રણ યુવકો કુવામાં ખાબકતા તેમના મોત નિપજ્યા હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે.

વાડી માલિકે ભાગો.. ભાગોની બૂમ મારતા નાસભાગ થઈઃ ડીવાયએસપી

પોલીસની રેઈડના પડતા જુગારીઓમાં નાસભાગ મચી હોવાની વાતને સીટી ડિવાયએસપી આર. આર. સિંઘાલે રદિયો આપતા જણાવ્યું હતું કે, પોલીસની રેઈડ નહોતી પરંતુ વાડી માલિકે ભાગો... ભાગો...ની બૂમ મારતા નાસભાગ થતા દુર્ઘટના ઘટી હતી.