Bhavnagar

જિલ્લામાં દુષ્કર્મના ત્રણ કેસમાં ત્રણ શખ્સને સખત કેદની સજા

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં ત્રણ અલગ-અલગ દુષ્કર્મના કેસમાં ભાવનગરના 2 અને ચોગઠના 1 શખ્સને પોક્સો કોર્ટે કસૂરવાન ઠેરવી જેલવાસનો હુકમ કર્યો છે. આ શખ્સોએ સગીરાઓને ધમકી આપી હવસનો શિકાર બનાવી હતી. કોર્ટે કૈલાસ રાજાણીને 7 વર્ષ, વિપુલ મેરને 10 વર્ષ અને અજય વાજાને પણ 10 વર્ષની સખત કેદની સજા ફટકારી.

Summarized by AI; it may make mistakes. Check important info

જિલ્લામાં દુષ્કર્મના ત્રણ કેસમાં ત્રણ શખ્સને સખત કેદની સજા

ભાવનગરના બે અને ચોગઠના એક શખ્સને કોર્ટે કસુરવાન ઠેરવી જેલવાસનો હુકમ કર્યો

અલગ-અલગ બનાવમાં ભોગબનનાર સગીરાઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી હવસનો શિકાર બનાવી હતી

ભાવનગર -  ભાવનગર જિલ્લામાં ૧૦ વર્ષ દરમિયાન બનેલા દુષ્કર્મના ત્રણ અલગ-અલગ બનાવમાં ભાવનગરના બે અને ચોગઠ ગામના એક શખ્સને સ્પે. પોક્સો કોર્ટે સખત કેદની સજાનો હુકમ કર્યો છે.

શહેરના ઘોઘાસર્કલ, ૧૦૧, પૃથ્વી પ્લાઝામાં રહેતો કૈલાસ જીવતરામ રાજાણી (ઉ.વ.૨૬, મુળ રહે, ૨૨૦, અર્બન બ્લોક નં.૪, રૃમ નં.૨૮૨૨, સીતારામ ચોક, ભરતનગર) નામના શખ્સે એક વિદ્યાર્થિની સાથે મિત્રતા કેળવી લલચાવી ફોસલાવી અવાર-નવાર સ્કૂલે જતા આવતા સમય દરમિયાન તેણીનો પીછો કરી ગત તા.૮-૮-૨૦૧૬ના રોજ ૧૭ વર્ષીય વિદ્યાર્થિની સ્કૂલેથી છૂટી ત્યારે તેણીને બાઈકમાં બેસાડી એક ફ્લેટમાં લઈ જઈ અગાઉ પાડેલા ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી તેણીને ગત તા.૨૯-૮-૨૦૧૬ના રોજ ભાવનગરથી રાજકોટ લઈ ગયો હતો. તેમજ તા.૧૨-૦૧-૨૦૧૭ના રોજ રાત્રિના સમયે સગીરાને ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે કૈલાસ રાજાણી સામે સ્થાનિક ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. જે કેસ ભાવનગરના એડી. સેશન્સ જજ અને સ્પે. પોક્સો જજ એન.જી. દવેની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ગીતાબા પી. જાડેજાની ધારદાર દલીલો, આધાર-પુરાવા, સાક્ષી વગેરેને ધ્યાને રાખી કોર્ટે આરોપી કૈલાસ રાજાણીને તકસીરવાન ઠેરવી સાત વર્ષ સખત કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.

બીજા બનાવમાં ઉમરાળાના ચોગઠ ગામે રહેતો વિપુલ હીરાભાઈ ઉર્ફે કકુભાઈ મેર (ઉ.વ.૨૦) નામના શખ્સે ગત તા.૨૫-૧૨-૨૦૧૮ના રોજ એક ૧૪ વર્ષ, ૨ માસની સગીરવયની દીકરીને લલચાવી-ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી જઈ તેણીને મારી નાંખવાની ધમકી આપી અવાર-નવાર બળાત્કાર ગુજાર્યો હતો. તે મતલબની ફરિયાદ ગત તા.૨૮-૧૨-૨૦૧૮૭ના રોજ ઉમરાળા પોલીસ મથકમાં દાખલ થતાં પોલીસે ગુનો નોંધી શખ્સની ધરપકડ કરી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ ભાવનગરના એડી. સેશન્સ જજ અને સ્પે. પોક્સો જજ એન.જી. દવેની અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ ગીતાબા પી. જાડેજાની અસરકારક દલીલો, આધાર-પુરાવા વગેરેને ધ્યાને લઈ ન્યાયમૂર્તિ એન.જી. દવેએ આરોપી વિપુલ મેરને તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષ સખત કેદની સજાનો હુકમ કર્યો છે.

ત્રીજા બનાવમાં શહેરના ખેડૂતવાસ, કેસરિયા હનુમાન પાસે, મનાભાઈના ચોક પાસે રહેતો અજય ઉર્ફે અજુ પ્રવીણભાઈ વાજા (ઉ.વ.૨૧) નામના શખ્સે એક સગીરાની એકલતાનો લાભ લઈ તેણી સાથે દુષ્કર્મ આચરી છરી દેખાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બનાવ અંગે ઘોઘારોડ પોલીસમાં ગત તા.૧૬-૧-૨૦૧૯ના રોજ ભોગબનનારની માતાએ ફરિયાદ નોંધાવી હીત.  આ કેસ ભાવનગરના એડી. સેશન્સ જજ અને સ્પે. પોક્સો જજની અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ ગીતાબા પી. જાડેજાની દલીલો વગરેને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ એન.જી.દવેએ આરોપી અજય ઉર્ફે અજુ વાજાને ૧૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે.