ભાવનગર-ટાણા-તળાજા રૃટની એસટી બસના ડ્રાઈવરે નશામાં બસ ચલાવી મુસાફરોના જીવ જોખમમાં મુક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુસાફરોની વિનંતી છતાં બસ ઉભી નહી રાખી જીવનું જોખમ ઉભુ કર્યું
વરલ ગામ નજીક બસ રોડની સાઈડમાં ઉતારી બસને નુકસાન કર્યું, મોટી દૂર્ઘટના ટળી, સિહોર પોલીસ મથકમાં ગુનો નોંધાયો
સિહોર - સલામત સવારીની વાતો વચ્ચે ભાવનગર-તળાજા વાયા ટાણા રૃટની એસટી બસના ડ્રાઈવરે નશાની હાલતે બસ ચલાવી મુસાફરોની વિનંતી છતાં બસ ઉભી નહી રાખી જીવનું જોખમ ઉભુ કરી વરલ ગામ પાસે બસને રોડની સાઈડમાં ઉતારી દઈ બસને નુકસાન પહોંચાડયું હતું. સદ્નસીબે આ બનાવમાં કોઈ મુસાફરને ગંભીર ઈજા પહોંચી નહોતી અને મોટી દુર્ઘટના ટળી હતી. બનાવ અંગે સિહોર પોલીસ મથકમાં એસટી બસના ડ્રાઈવર સામે ગુનો નોંધાયો છે.
ભાવનગર-તળાજા વાયા ટાણા રૃટની જીજે-૧૮-ઝેડટી-૧૬૪૬ નંબરની એસટી બસના ડ્રાઈવર રણજીતસિંહ એશુભા ગોહિલ (રહે.પટેલનગર, મીલીટરી સોસાયટી, ભાવનગર) ગત રોજ સાંજે ૫ કલાકે બસમાં પેસેન્જર લઈને નિકળ્યા હતા અને આ બસના ડ્રાઈવર રણજીતસિંહે નશાની હાલતમાં સિહોરથી આગળ બસને સર્પાકાર ચલાવી મુસાફરોની જીંદગી જોખમમાં મુકી હતી. આ દરમિયાન મુસાફરોએ ડ્રાઈવરને બસ ઉભી રાખવા જણાવતા એસટી બસ ઉભી રાખી નહોતી અને મુસાફરોના જીવનું જોખમ ઉભુ કર્યું હતું અને ટાણા ગામ થઈ વરલ ગામ આગળ રામગઢના પાટીયા પાસે બસ પર કાબુ ગુમાવી સરકારી એસટી બસને રોડની નીચે ઉતારી દીધી હતી. જેના કારણે મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. સદ્નસીબે આ બનાવમાં કોઈ મુસાફરને મોટી ઈજા નહી પહોંચતા મોટી દુર્ઘટના ટળી હતી. જે બાદ રાહદારી લોકોએ મુસાફરોને બહાર કાઢી પોલીસને જાણ કરતા પોલીસે નશાની હાલતે એસટી બસના ડ્રાઈવર રણજીતસિંહ એશુભા ગોહિલને ઝડપી લીધાં હતા. આ અંગે બસના કંડક્ટર અસ્મીતાબેન રાજુભાઈ ચુડાસમાએ સિહોર પોલીસ મથકમાં નશાની હાલતમાં બસ ચલાવી બસમાં રૃ.૩૯ હજારનું નુકસાન પહોંચાડયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




