શહેરનું અનેક વિશિષ્ઠતાઓ ધરાવતું પૌરાણિક બાલા બહુચરાજી માતાજીનુ મંદિર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

માનસરોવર અને કુકડાના ભ્રમણનું શ્રધ્ધાળુઓમાં ભારે આકર્ષણ
સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ ભાવનગરના આ મંદિરમાં આનંદના ગરબાના પાઠનો પ્રારંભ થયો હતો, બાલાયંત્રની થઈ રહેલી પૂજા
ભાવનગર - ભાવનગર શહેરના રૃવાપરી દરવાજા પાસે આવેલ આશરે પોણા ચારસોથી વધુ વર્ષ પૌરાણિક સિધ્ધપીઠ બાલા બહુચરાજી માતાજીના મંદિરમાં વર્ષોથી આગવી અને અનોખી પરંપરાઓ આજદિન સુધી અવિરતપણે જળવાઈ રહેલ હોય તે વર્ષોથી માઈભકતોમાં અનન્ય શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર બનેલ છે.
ગુજરાત રાજયના સુપ્રસિધ્ધ બહુચરાજી માતાજીના મંદિરની સમાન પૌરાણિક ધાર્મિક પરંપરાઓ ભાવનગર શહેરના આ બાલા બહુચરાજી મંદિરમાં હાથ ધરાઈ રહેલ છે. ભાવનગરની સ્થાપના પુર્વે રૃવાગામ, વડવાગામ અને ભાવનગરગામના ત્રિભેટે આવેલા આ મંદિરમાં બાલાયંત્રની પૂજા થાય છે. સૌરાષ્ટ્રમાં ફકત ભાવનગરમાં આ મંદિરના પરિસરમાં માતાજીની સન્મુખ શ્રધ્ધેય માન સરોવર શોભાયમાન છે. વર્ષમાં ચારેય નવરાત્રિ દરમિયાન માતાજી સન્મુખ જવારાની સ્થાપના કરાય છે. ભકતોની મનોકામના પુર્ણ થતા માતાજીના પારે કુકડા રમતા મુકાય છે તેથી આ મંદિરના સમગ્ર કેમ્પસમાં વર્ષોથી બહુચરાજી માતાજીના વાહન કુકડાઓ મુકત મને વિહરતા જોવા મળી રહ્યા છે. પ્રાચીન કાળથી જ આ મંદિરમાં ૫૧ થી વધુ ચુરમાના લાડુનો માતાજીનો ગોખ શ્રધ્ધાળુઓ દ્વારા નીયમીતપણે ભરાય છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ આ મંદિરમાં મહંત કૈ.વા.ઉમેશગીરી ગૌસ્વામી દ્વારા આનંદના ગરબાની ધૂનનો શુભારંભ થયો હતો. ત્યારબાદ ભાવનગર શહેર અને જિલ્લાભરમાં ચોમેર નીત્યક્રમ મુજબ વિવિધ મંડળો દ્વારા આનંદના ગરબાના પાઠ યોજાઈ રહ્યા છે.એટલુ જ નહિ નવરાત્રિ દરમિયાન માતાજીના સાનિધ્યમાં કિન્નર બહેનો દ્વારા આનંદના ગરબાની ધૂનના સંગાથે રાસની રમઝટ બોલાવાય છે જે નિહાળવા માટે દરરોજ બહોળી સંખ્યામાં માઈભકતોનું ઘોડાપુર ઉમટી પડે છે.




