યુનિ.માં રેગ્યુલર સેમ-૧ના પરીક્ષા ફોર્મ ભરવામાં એબીસી આઇડીના ટેકનિકલ પ્રશ્નને લઇ વિદ્યાર્થી મુંઝાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઘણા વિદ્યાર્થી એબીસી આઇડીથી વંચિત, પૂર્વ તૈયારી જરૃરી
ઓનલાઇન ફોર્મ ભરતી વખતે મુશ્કેલી, સિસ્ટમ દ્વારા ફોર્મ ભરવા મંજુરી નથી અપાતી
ભાવનગર - મ.કૃ.ભાવનગર યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં રેગ્યુલર સેમ-૧ની પરીક્ષાઓ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ શરૃ છે. પરંતુ મોટા વિદ્યાર્થી વર્ગને એબીસી આઇડીના પ્રશ્નો નડી રહ્યા છે. તો ઘણા વિદ્યાર્થીઓને આઇડી મળ્યા પણ નથી ત્યારે આ ટેકનિકલ ખામીને તાકીદે દૂર કરવી જરૃરી બની છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં સેમેસ્ટર-૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના ઓનલાઇન પરીક્ષા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં શરૃ કરવામાં આવી છે. પરંતુ અનેક વિદ્યાર્થીઓ પાસેથી એવી ફરિયાદો પ્રાપ્ત થઇ રહી છે કે જેમની એકેડેમીક બેન્ક ઓફ ક્રેડીટ હજુ સુધી બની નથી અથવા ટેકનિકલ કારણોસર ઉપલબ્ધ નથી, તેઓને ઓનલાઇન પરીક્ષા ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી છે અને સિસ્ટમ દ્વારા ફોર્મ ભરવાની મંજુરી આપવામાં આવતી નથી. નવી શિક્ષણ નીતિ હેઠળ એબીસી આઇડીનું મહત્વ સ્વીકાર્ય છે, પરંતુ માત્ર એબીસી આઇડીના અભાવે કોઇ વિદ્યાર્થી પરીક્ષામાંથી વંચિત રહે તે યોગ્ય નથી. ઘણા વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હોવાથી ટેકનિકલ સમસ્યાઓ, દસ્તાવેજોની અછત અથવા અન્ય વહીવટી કારણોસર હજુ સુધી એબીસી આઇડી મેળવી શક્યા નથી. આવી પરિસ્થિતિમાં તેમના શૈક્ષણિક હિતોને નુકસાન પહોંચે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે ત્યારે વ્યવસ્થાના ભાગરૃપે જેમની એબીસી આઇડી ઉપલબ્ધ નથી તેવા વિદ્યાર્થીઓને પણ પરીક્ષા ફોર્મ ભરવાની મંજુરી આપવામાં આવે. સાથે સાથે વિદ્યાર્થીઓને એબીસી આઇડી મેળવવા માટે યોગ્ય સમયમર્યાદા આપવામાં આવે જેથી કોઇપણ વિદ્યાર્થી માત્ર ટેકનિકલ કારણોસર પરીક્ષાથી વંચિત ન રહે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ બાબતે ત્વરિત અને હકારાત્મક નિર્ણય લેવા એનએસયુઆઇએ માંગણી કરી છે.
એકેડેમીક વિભાગ દ્વારા સોફ્ટવેર અપડેટ કરી ફોર્મ પ્રક્રિયા સરળ બનાવે
કોલેજોમાં નવા એડમિશન લેનારા વિદ્યાર્થીઓને એનરોલમેન્ટ નંબર અપાય છે. પરંતુ ઘણા વિદ્યાર્થી એબીસી આઇડી મળી શક્યા નથી. જો એકેડેમીક વિભાગ એવો સોફ્ટવેર તૈયાર કરે કે ફોર્મ ભરતી વખતે માત્ર એનરોલમેન્ટ નંબર નાખવાની સાથે પરીક્ષાર્થીની તમામ ડિટેલ ઓટોમેટીક આવી જાય તો આ ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ અને ઝડપી બની શકે છે.




