Bhavnagar

ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સાંજે ૬.૧પ કલાકે ઓવરફલો થયો

By GS Team
7 Jul 20263 mins read
TukuTouch Logo
ભાવનગર નજીક પાલિતાણા તાલુકામાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ સોમવારે સાંજે 6:15 કલાકે છલકાઈ ગયો. ઉપરવાસમાંથી 71,810 ક્યુસેક પાણીની પ્રચંડ આવક થતાં, માત્ર 32 કલાકમાં ડેમ 10 ફૂટ ભરાઈ 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા. સતત છઠ્ઠા વર્ષે છલકાયેલા ડેમથી ખેડૂતો અને લોકોમાં આનંદ છવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સાંજે ૬.૧પ કલાકે ઓવરફલો થયો

સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ૩ર કલાકમાં છલકાયો, ર૦ દરવાજા ખોલાયા

બે દિવસમાં શેત્રુંજી ડેમમાં ૧૦ ફૂટ પાણીની આવક થઇ, ૭૧,૮૧૦ કયુસેક પાણીની ધસમસતી આવક થતા ડેમ છલકાયો, રાત્રિના ડેમમાં ૧૮૦૦ કયુસેક પાણીની આવક-જાવક શરૃ

ભાવનગર - ઉપરવાસમાંથી પાણીની ધસમસતી આવકના પગલે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ આજે સોમવારે સાંજે ઓવરફલો થયો હતો તેથી ડેમના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા હતાં. શેત્રુંજી ડેમમાં પાણીની આવક-જાવક શરૃ છે. શેત્રુંજી ડેમનું પાણી નદી મારફત દરિયામાં છોડવામાં આવી રહ્યુ છે. શેત્રુંજી ડેમ ચાલુ વર્ષે પણ છલકાતા લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે.

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલ શેત્રુંજી ડેમ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે. શેત્રુંજી ડેમની સપાટી ગઈકાલે રવિવારે ર૩.૭ ફૂટ હતી પરંતુ રવિવારે સવારે ૧૦ કલાકે ઉપરવાસમાંથી શેત્રુંજી ડેમમાં પાણીની શરૃ થઈ હતી. આજે સોમવારે શેત્રુંજી ડેમમાં ૭૧,૮૧૦ કયુસેક પાણીની ધસમસતી આવક થઈ હતી, જેના પગલે શેત્રુંજી ડેમ સોમવારે સાંજે ૬.૧પ કલાકે છલકાયો હતો અને ડેમના ર૦ દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા હતાં. શેત્રુંજી ડેમમાં ૩ર કલાકમાં છલકાયો ગયો હતો અને ડેમમાં આશરે ૧૦ ફૂટથી વધુ પાણીની આવક થઈ હતી. શેત્રુંજી ડેમમાં રાત્રિના પાણીની આવક ઘટીને ૧૮૦૦ કયુસેક થઈ ગઈ હતી. રાત્રિના ૧૦ કલાકે પણ શેત્રુંજી ડેમમાં ૧૮૦૦ કયુસેક પાણીની આવક-જાવક શરૃ હતી તેમ સિંચાઈ વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે. 

શેત્રુંજી ડેમ ઓવરફલો થતા ખેડૂત સહિતના લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે. છેલ્લા કેટલાક વર્ષથી ડેમ ઓવરફલો થઈ રહ્યો છે. ડેમ છલકાતા લોકોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી, જુનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ થાય તેનુ પાણી નદી મારફતે શેત્રુંજી ડેમમાં આવતુ હોય છે. ધારી ખોડીયાર ડેમનુ પાણી શેત્રુંજી ડેમમાં છોડવામાં આવે છે તેથી અમરેલી અને જુનાગઢ પંથકમાં સારો વરસાદ થાય તેનો ફાયદો ભાવનગર જિલ્લાને મળતો હોય છે. શેત્રુંજી ડેમ છલકાતા સ્થાનિક લોકો ઉમટી પડયા હતાં.

 સતત છઠ્ઠા વર્ષે શેત્રુંજી ડેમ છલકાયો

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ સતત છઠ્ઠા વર્ષે છલકાયો છે, જેમાં ગત વર્ષે તા. ર૦ ઓગષ્ટ ર૦ર૦ના રોજ છલકાયો હતો, તે પહેલા શેત્રુંજી ડેમ ગત વર્ષ ર૦૧પમાં ઓવરફલો થયો હતો એટલે કે વચ્ચેના પ વર્ષ શેત્રુંજી ડેમ ઓવરફલો થયો ના હતો. હાલ શેત્રુંજી ડેમ ઓવરફલો થતા ખેડૂત સહિતના લોકો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.  

ડેમ છલકાતા સિંચાઈ અને પીવા માટે પાણીની રાહત

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઓવરફલો થતા તળાજા સહિતના કેટલાક પંથકમાં સિંચાઈનુ પાણી મળી રહેશે, જયારે ભાવનગર શહેરમાં પીવાનુ પાણી મળી રહેશે. શેત્રુુંજી ડેમ છલકાતા ભાવનગર શહેર અને જિલ્લાના મોટાભાગના વિસ્તારને રાહત થઈ જતી હોય છે તેથી શેત્રુંજી ડેમ ઓવરફલો થાય તે માટે ખેડૂત સહિતના લોકો પ્રાર્થના કરતા હોય છે. ચાલુ વર્ષે ભાવનગર શહેરમાં પીવાના પાણીની સમસ્યા નહી રહે તેમ જાણકારો જણાવ્યુ હતું.