ભંગારની લારી સોસાયટીની અંદર લઈ જવાની ના પાડતા સિક્યુરિટી ગાર્ડની ક્રુર હત્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મહુવા ટાઉન પાસે શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા
મહુવાની ભવાની રેસિડેન્સીના દરવાજે વૃદ્ધ ચોકીદાર પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો, હત્યારો ફરાર
મહુવા - મહુવાની ભવાની રેસિડેન્સીમાં છેલ્લા ચાર વર્ષથી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ૬૮ વર્ષીય વૃદ્ધએ સોસાયટીના નિયમ મુજબ ભંગારની લારી અંદર લઈ જવાની ના પાડવા જેવી સામાન્ય બાબતની અદાવત રાખી શખ્સે વૃધ્ધને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
મહુવા શહેરમાંથી એક ચોંકાવનારી અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. વી.ટી. નગર રોડ પર આવેલી ભવાની રેસિડેન્સીમાં છેલ્લા ચાર વર્ષથી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ૬૮ વર્ષીય વૃદ્ધ રાજેન્દ્રભાઈ રમણીકલાલ જગડાની સોસાયટીના જ એક રહીશે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. માત્ર બે દિવસ પહેલા સોસાયટીના નિયમ મુજબ ભંગારની લારી અંદર લઈ જવાની ના પાડવા જેવી સામાન્ય બાબતની અદાવત રાખીને આ લોહિયાળ ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે.મૃતકના પુત્ર સુરજભાઈ રાજેન્દ્રભાઈ જગડા (ઉં.વ. ૩૬ ) દ્વારા મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, બે દિવસ પહેલાં ભવાની રેસિડેન્સીમાં જ રહેતા ગૌરાંગ ઉર્ફે લાલજી નામના શખ્સે પોતાના ફ્લેટ સુધી ભંગારની લારી લઈ જવા બાબતે સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્રભાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. સોસાયટીના નિયમોનું પાલન કરાવતા રાજેન્દ્રભાઈએ લારી અંદર લઈ જવાની મનાઈ કરી હતી, જેનું મનદુઃખ રાખી ગૌરાંગ અવારનવાર તેમની સામે જોઈને કાતર મારતો (ધમકાવતો) હતો.૧૨મી જુલાઈની રાત્રે નવેક વાગ્યે રાજેન્દ્રભાઈ ઘરેથી જમીને રોજની જેમ નોકરી પર ગયા હતા. દરમિયાન, ૧૩ જુલાઈની વહેલી સવારે આશરે ત્રણેક વાગ્યે પોલીસ સ્ટાફે પરિવારને આવીને જાણ કરી કે રાજેન્દ્રભાઈ ઈજાગ્રસ્ત હાલતમાં છે. પુત્ર સુરજભાઈ સોસાયટીના ગેટ પાસે પહોંચતા જ ત્યાં લીમડાના ઝાડ નીચે ખાટલામાં પિતા લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. તેમના મોઢા પર કાન પાસે અને આંખની નીચે તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા મારવામાં આવ્યા હતા, જેના કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફે તેમને મૃત જાહેર કર્યા હતા.આ ઘટનાની જાણ થતાં જ સોસાયટીના પ્રમુખ હરેશભાઈ અને ઉપપ્રમુખ કીતભાઈ સહિતના લોકો એકઠા થઈ ગયા હતા. મહુવા પોલીસે લાશનું પંચનામું કરી પીએમ અર્થે મહુવા જનરલ હોસ્પિટલ ખસેડી છે. પિતાની ફરજ દરમિયાન ઘાતકી હત્યા કરનાર ગૌરાંગ ઉર્ફે લાલજી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.




