જિલ્લામાં ૨૪ કલાકમાં હત્યાનો બીજો બનાવ, ઘોઘામાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા
ગાડી ચલાવવા બાબતે બે માસ પૂર્વે થયેલી માથાકૂટની પૂર્વ રજિશ રાખી યુવક પર દગાથી હુમલો
ભાવનગર - ભાવનગર જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો હોય તેમ ચોવીસ કલાકના ટૂંકા ગાળામાં જ હત્યાનો બીજો સનસનાટીભર્યો બનાવ સામે આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. ઘોઘા ગામના કસ્બાવાડા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ તેમજ એસી ફિટિંગનું કામ કરતા યુવકની અંગત અદાવતમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ઘોઘા ગામના કસ્બાવાડા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ તેમજ એસી ફિટિંગનું કામ કરતા મોઇનભાઇ મોસીનભાઇ શેખ (ઉંમર વર્ષ ૨૫) અને આરોપીઓ વચ્ચે આશરે બે માસ પૂર્વે રોડ પર ગાડી ચલાવવા બાબતે સામાન્ય બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. જે-તે સમયે આરોપીઓએ મોઇનભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપીને ગાડી ધીમે ચલાવવા બાબતે બોલાચાલી કરી હતી. આ જૂની અદાવત મનમાં રાખીને બપોરના ૧૨-૩૦ થી ૧-૦૦ વાગ્યાના સુમારે ઘોઘા ગામે આવેલી અસરરૃફા દરગાહ પાસે મોઇનભાઇ બેઠા હતા, ત્યારે કાવતરાના ભાગરૃપે આરોપી અસલમ શેખની માતાએ આવીને મોઇનભાઇ સાથે વાતચીત શરૃ કરી હતી.વાતચીત ચાલુ હતી તે દરમિયાન અચાનક અસલમ મોઇન શેખ સહિતના શખ્સે તીક્ષ્ણ છરી સાથે ધસી આવ્યા હતા. તેઓએ મોઇનભાઇ પર અચાનક હુમલો કરી છાતી તથા હાથના ભાગે છરીના અસંખ્ય ઊંડા ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકને લોહીલુહાણ હાલતમાં પ્રથમ ઘોઘા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું દર્દનાક મોત નીપજ્યું હતું. મૃતક મોઇનભાઇના દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તેમને માત્ર ત્રણ માસનો માસૂમ દીકરો છે. બાપનું છત્ર ગુમાવનારા માસૂમ બાળક અને નવઢોળ પત્નીના આક્રંદથી હોસ્પિટલ પરિસર ગૂંજી ઉઠયું હતું.જિલ્લામાં ૨૪ કલાકમાં જ બીજો લોહિયાળ બનાવ બનતા ડીવાયએસપી સિંઘલે જણાવ્યું હતું કે, મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે મોકલવામાં આવ્યો છે.તેમજ મૃતકના પરિવારની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.અને અસલમ સહિતના શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.




