ભાવનગર-બોટાદ પંથકમાં જુગારની બાજીઓ પર પોલીસના દરોડા, ૧૦૦ જુગારી ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બે દિવસમાં અલગ-અલગ ૯ પોલીસ મથકમાં ગુના નોંધાયા
શ્રાવણી જુગારની ૨૦ બાજીઓ પર પોલીસની કાર્યવાહી, કુલ રૃા.૨,૩૮,૪૫૦નો મુદ્દામાલ કબજે કરાયો
ભાવનગર, - ભાવનગર અને બોટાદ પંથકમાં છેલ્લા બે દિવસ દરમિયાન શ્રાવણી જુગારની ૨૦ બાજીઓ પર પોલીસે દરોડો પાડી ૧૦૦ જુગારીઓને કુલ રૃા.૨,૩૮,૪૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ સામે બન્ને જિલ્લાના અલગ-અલગ ૯ પોલીસ મથકમાં કુલ ૨૦ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર અને બોટાદ પંથકમાં છેલ્લા બે દિવસ દરમિયાન શ્રાવણી જુગારના દરોડની પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના નવાપા ગામે જુગારની બે બાજુ પર જેસર પોલીસે દરોડો કરી ૧૫ શખ્સને કુલ રૃા.૨૭,૫૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અલગ-અલગ બે ગુના નોંધ્યા છે. તેમજ ભાવનગરના પાળિયાદ ગામે એક અને કાળાતળાવ ગામે ત્રણ મળી કુલ ચાલ જુગારની બાજી પર વેળાવદર ભાલ પોલીસે દરોડો પાડી ૧૧ શખ્સને કુલ રૃા.૪૩,૦૯૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અલગ-અલગ ચાર ગુના નોંધ્યા છે. જિલ્લાની તળાજા તાલુકાના ઝાંઝમેર ગામેથી ૧૦ જુગારીઓને દાઠા પોલીસે કુલ રૃા.૧૧,૪૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે તથા બગદાણા પોલીસે મહુવા તાલુકાના દેગવડા ગામેથી ૪ શખ્સને રૃા.૧૧૮૦, નાના ખુટવડા ગામેથી ૪ જુગારીને રૃા.૧૦,૨૦૦, ગળથર ગામેથી ૮ શખ્સને રૃા.૧૦,૮૬૦ અને છાપરી ગામેથી ૮ શખ્સને રૃા.૧૦,૩૪૦ અને કસાણ ગામેથી ૩ જુગારીને રૃા.૧૦,૫૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અલગ-અલગ પાંચ ગુના નોંધ્યા છે. ઉપરાંત બોટાદ શહેરમાં જુગારની અલગ-અલગ ત્રણ બાજીઓ પર બોટાદ ટાઉન પોલીસે દરોડો પાડી ૧૫ શખ્સને કુલ રૃા.૪૨,૯૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અલગ-અલગ ત્રણ ગુના નોંધ્યા છે. જ્યારે બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે જુગારની બે બાજીમાં બોટાદ ગ્રામ્ય પોલીસે દરોડો કરી કુલ ૮ શખ્સને કુલ રૃા.૨૨,૦૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અલગ-અલગ બે ગુના નોંધ્યા છે. ઉપરાંત બરવાળાના રામપરા ગામેથી પાંચ જુગારીને બરવાળા પોલીસે કુલ રૃા.૧૭,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે તથા પાળીયાદ જુના ગામમાં જુગાર રમતા ૬ જુગારીઓને પાળિયાદ પોલીસે કુલ રૃા.૧૭,૧૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે અને ગઢડાના ઢસા ગામેથી ઢસા પોલીસે ત્રણ જુગારીને કુલ રૃા.૧૩,૯૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે.




