Bhavnagar

૧ કરોડના એમ્બરગ્રીસ સાથે પેડલર ઝબ્બે, ભાવનગર કનેક્શન ખુલતાં તપાસનો ધમધમાટ

By GS Team
7 Jul 20262 mins read
TukuTouch Logo
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અમદાવાદ-ભાવનગર હાઈવે પર પીપળી ગામ પાસે રાજ ચામુંડા હોટલ પર દરોડો પાડ્યો હતો. અહીંથી 1 કિલોથી વધુ વજનનું પ્રતિબંધિત એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલટી) ઝડપી પાડવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 1 કરોડથી વધુ આંકવામાં આવી છે. મેહુલ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરાઈ છે, જે ભાવનગરના બે શખ્સો પાસેથી ડિલિવરી લેવા આવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

૧ કરોડના એમ્બરગ્રીસ સાથે પેડલર ઝબ્બે, ભાવનગર કનેક્શન ખુલતાં તપાસનો ધમધમાટ

અમદાવાદ-ભાવનગર હાઈવે પર સ્ટેટ મોનીટરીંગ સેલની મોટી રેડ

પીપળી ગામ પાસે હોટલ પરથી ૧ કિલોથી વધુ એમ્બરગ્રીસ કબજે કરાયું

ધંધુકા -  સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અમદાવાદથી ભાવનગર જતા હાઈ-વે રોડ પર પીપળી ગામ પાસે આવેલી રાજ ચામુંડા હોટલ ખાતે ઓચિંતી રેઈડ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતા પ્રતિબંધિત એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલ્ટી)ના જથ્થા સાથે એક શખ્સને રંગેહાથ ઝડપી પાડયો છે. ભાવનગરનાં બે શખ્સે એમ્બરગ્રીસની ડિલિવરી કરવા માટે મોકલ્યો હતો. જ્યારે ભાવનગર કનેક્શન ખુલતાં તપાસનો ધમધમાટ શરૃ કરવામાં આવ્યો છે.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળેલી બાતમીના આધારે અમદાવાદથી ભાવનગર જતા હાઈ-વે રોડ પર પીપળી ગામ પાસે આવેલી રાજ ચામુંડા હોટલમાં દરોડો પાડી મેહુલ વિક્રમભાઈ ચૌહાણ (રહે.પીપળી તા.ધોલેરા)ને પાંચ અલગ-અલગ સાઈઝ અને આકારના, સફેદ-ક્રીમ ગોલ્ડન બ્રાઉન રંગના સખત ઘન પદાર્થના ટુકડાઓ સાથે પકડયો હતો. વન વિભાગના કર્મચારીઓ અને એફ.એસ.એલ. અધિકારીઓને સ્થળ પર બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાવતા આ ટુકડા એમ્બરગ્રીસ હોવાનું સાબિત થયું હતું. આ જથ્થાનું કુલ વજન ૦૧ કિલો ૧૦ ગ્રામ થતું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૃ.૧,૦૧,૦૦,૦૦૦ આંકવામાં આવી છે. પોલીસે રોકડ રકમ સહિત કુલ રૃ.૧,૦૧,૦૧,૮૨૦નો મુદ્દામાલ કબજે કર્યો છે અને શખ્સની કલમ-૩૫(૧)(ઈ) હેઠળ અટકાયત કરી છે. પકડાયેલા મેહુલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તેણે જણાવ્યું કે, બે મહિના પહેલાં તે ભાવનગરમાં હીરા ઘસવાનું કામ કરતો હતો. તે સમયે હીરાના કારખાનાની ઓફિસમાં કામ કરતા પવન (રહે. કરચલીયાપરા, ભાવનગર) નામના શખ્સે તેને આ જથ્થો સાચવવા આપ્યો હતો અને વેચાયા પછી મોટું કમિશન આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ પવનના મિત્ર પ્રવિણ ચૌહાણ (રહે. કુંભારવાળા, ભાવનગર) એ ગ્રાહક શોધી આપતા, મેહુલ આ જથ્થો ડિલિવરી કરવા જઈ રહ્યો હતો ત્યારે જ પકડાઈ ગયો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આ ગેરકાયદેસર વન્યજીવ વ્યાપાર રેકેટના અન્ય સાગરીતો સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધુ વિસ્તૃત કરવામાં આવ્યો છે.