બરવાળાના જૂના નાવડામાં બમ્પ તોડવા બાબતે સુરતના વકીલ પર પડોશીનો હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બરવાળા પોલીસ મથકે ગુનો નોંધાયો
પાણીના નિકાલ માટે બમ્પ વચ્ચે જગ્યા કરવા મુદ્દે બોલાચાલી બાદ પડોશીએ ઉશ્કેરાઈને વકીલ અને તેમના પરિવાર પર હાથ ઉપાડયો
ભાવનગર - બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના જૂના નાવડા ગામે જન્માષ્ટમીના તહેવાર પ્રસંગે વતન આવેલા સુરત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના વકીલ અને તેમના પરિવાર પર પડોશીએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે બરવાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મૂળ જૂના નાવડાના અને હાલ સુરતના કતારગામ ખાતે રહી વકીલાત કરતા બાબુભાઈ ભૂપતભાઈ ઘોડકીયા જન્માષ્ટમીની રજાઓમાં પરિવાર સાથે વતન આવ્યા હતા. તેમના ઘર આગળ રોડ પર ગ્રામ પંચાયત દ્વારા બ્લોકનો બમ્પ બનાવાયો હતો. ચોમાસામાં ઘર પાસે પાણી ભરાતું હોવાથી, પાણીના નિકાલ માટે તેમણે બમ્પ વચ્ચેથી થોડી જગ્યા કરી હતી.આ બાબતની જાણ પડોશમાં રહેતા વિજય દીપસંગભાઈ ચૌહાણને થતાં તેઓ ઉશ્કેરાઈને વકીલના ઘરે પહોંચ્યા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. વકીલ અને તેમના પરિવારે ગાળો બોલવાની ના પાડતાં, વિજય ચૌહાણે અચાનક હુમલો કરી ધોલ-ધપાટ તથા ઢીકાપાટુનો માર મારવાનું શરૃ કર્યું હતું. બચાવવા વચ્ચે પડેલા મોટાભાઈ અલ્પેશભાઈ અને ભાભી રંજનબેનને પણ માર મારવામાં આવ્યો હતો.તારા જેવા ઘણા વકીલો જોયા છે.કહી ધમકી આપી આજુબાજુના લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડયો હતો. જતાં-જતાં વિજય ચૌહાણે વકીલને તું વકીલ હોય તો તારા ઘરનો, તારા જેવા ઘણા જોયા છે, હવે પછી અહીં દેખાયો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
આ મામલે બરવાળા પોલીસે વકીલ બાબુભાઈ ઘોડકીયાની ફરિયાદના આધારે વિજય ચૌહાણ સામે બી.એન.એસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




