Bhavnagar

ગઢડાના જનડા ગામમાં વાડીના શેઢે માટી ખોદવા મામલે દંપતી પર ખૂની હુમલો

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
બોટાદના જનડા ગામે વાડીના શેઢાના વિવાદમાં ખેડૂત રાજુભાઈ રાઘવાણી પર જયંતી ડાભી, અસ્મિતાબેન અને બાબુ ડાભીએ દાતરડા વડે હુમલો કર્યો. માટી લેવા બાબતે બોલાચાલી થતાં ત્રણેયે દંપતીને ઢીકાપાટુનો માર માર્યો. રાજુભાઈને જમણા હાથની કોણીએ ઈજા થઈ, દંપતીને બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં સારવાર અપાઈ. ગઢડા પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગઢડાના જનડા ગામમાં વાડીના શેઢે માટી ખોદવા મામલે દંપતી પર ખૂની હુમલો

ખેડૂત પર દાતરડા વડે હુમલો કરી ધમકી આપી

શેઢાના વિવાદમાં દંપતી પર ત્રણેય હુમલાખોરોએ તૂટી પડી ઢીકાપાટુનો માર માર્યો, બોટાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

ભાવનગર -  બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જનડા ગામે વાડીના શેઢેથી માટી લેવા બાબતે થયેલી બોલાચાલીમાં ખેડૂત પર દાતરડા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ગઢડા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, જનડા ગામના ખેડૂત રાજુભાઈ વલ્લભભાઈ રાઘવાણી તેમની વાડીએથી ટ્રેક્ટર લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે ગામના જ જયંતી બાબુભાઈ ડાભી, અસ્મીતાબેન ડાભી અને બાબુ વશરામભાઈ ડાભીએ તેમને રસ્તામાં રોક્યા હતા. પોતાની જમીનમાં પાળો બનાવવા માટે રાજુભાઈના ભાગની જમીનમાંથી માટી કેમ લીધી તે અંગે પૂછપરછ કરતાં ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા.ઉશ્કેરાયેલા બાબુએ તું કેમ હવા કરે છે તેમ કહી પોતાની પાસે રહેલું દાતરડું રાજુભાઈ પર ઉગામ્યું હતું. રાજુભાઈએ બચાવમાં હાથ વચ્ચે રાખતા દાતરડું તેમની જમણા હાથની કોણીએ વાગતાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ ત્રણેયએ ભેગા મળી રાજુભાઈ અને તેમને બચાવવા આવેલા તેમના પત્નીને ઢીકાપાટુનો માર માર્યો હતો. આસપાસના લોકો એકઠા થઈ જતાં ત્રણેયે હવે પછી બોલાચાલી કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા.ઈજાગ્રસ્ત દંપતીને બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ રાજુભાઈએ ગઢડા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.