ગુરૃપૂર્ણિમા પર્વે બગદાણા ગુરૃઆશ્રમમાં એક લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભક્તોએ બાપાના ચરણોમાં શિશિ ઝૂકાવી આશીર્વાદ મેળવ્યા
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો, શાળાના બાળકો, સ્વયંસેવકો ખડેપગે રહ્યા, રસ્તામાં ઠેર ઠેર સેવાના શામિયાણા જોવા મળ્યા
કુંઢેલી - મહુવા તાલુકાના બગદાણા ગામ સ્થિત બજરંગદાસ બાપાના પાવન ધામ ગુરુઆશ્રમમાં ગુરુપૂર્ણિમા પર્વે શ્રદ્ધા-ભક્તિનો સાગર છલકાયો હતો. એક લાખથી વધુ શ્રધ્ધાળુઓએ બગદાણા ધામમાં પહોંચી બાપાના ચરણોમાં શિશ ઝૂકાવી આશીર્વાદ મેળવ્યા હતા.
ગુરુપૂર્ણિમાના અવસરે બગદાણામાં ભક્તોનો માનવ મેરામણ છલકાયો હતો. વહેલી સવારે પાંચ કલાકે આરતી સાથે ધાર્મિક કાર્યક્રમોનો આરંભ થયો હતો. બાપા સીતારામના નાદ સાથે ધ્વજાપૂજન, ધ્વજારોહણ અને ગુરુપૂજન થયું હતું. કુમારીકાઓ દ્વારા બાપાની આરતી કરાઈ હતી. સવારે ૧૦ વાગ્યાથી અવિરત મહાપ્રસાદ વિતરણ શરૃ રહ્યું હતું. હજારો સ્વયંસેવકો ભાઈઓ-બહેનો તેમજ બજરંગદાસ બાપા હાઈસ્કૂલની ૧૦૦થી વધુ વિદ્યાર્થિનીઓએ મહિલાઓની ભોજનશાળામાં વ્યવસ્થા જાળવી હતી. ગુરુપૂર્ણિમાની આગલી રાતથી જ બાપાના ધામમાં મોટી સંખ્યામાં પદયાત્રિકોનું આગમન શરૃ થઈ ગયું હતું. બગદાણા તરફના માર્ગો ઉપર ઠેર ઠેર સેવાના શમિયાળા જોવા મળ્યા હતા. સેવાભાવિઓએ બાપાના ભક્તો માટે ચા-પાણી, શરબત, નાસ્તાની વ્યવસ્થા કરી હતી.
વધુમાં સ્વયંસેવકો દ્વારા આગામી વર્ષે બાપાની ૫૦મી પુણ્યતિથી સુધીમાં એક લાખ વૃક્ષો વાવીને ઉછેરવાનું આયોજન કરાયું છે. બગદાણામાં ગુરુપૂર્ણિમા પ્રસંગે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો. એસ.ટી. વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવ્યું હતું.




