Bhavnagar

મહુવાના ખારી ગામે ખેત મજૂર પર શખ્સનો હુમલો

By GS Team
28 Sep 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના મહુવા તાલુકાના ખારી ગામે 48 વર્ષીય ખેતમજૂર બાલાભાઈ બારૈયાને ગામના કાળુ ભોપાભાઈએ લાકડી વડે માર માર્યો હતો. હથોડી ચોરી અને સરપંચની નોટિસની અદાવતમાં આ ઘટના બની હતી. બાલાભાઈ ડેમમાં ફૂલ પધરાવવા ગયા ત્યારે કાળુએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી. બગદાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહુવાના ખારી ગામે ખેત મજૂર પર શખ્સનો હુમલો

ચોરી થયેલી હથોડી અને સરપંચે નોટિસ આપ્યાની અદાવતે

લાકડીથી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી, પોલીસ ફરિયાદ

ભાવનગર -  મહુવા તાલુકાના ખારી ગામે રહેતા ખેતમજૂર આધેડને ગામના એક શખ્સે લાકડી વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

મહુવાના ખારી ગામે વાડી વિસ્તારમાં જાંબુડા રોડ પર રહેતા અને ખેતીકામ કરતા બાલાભાઈ બચુભાઈ બારૈયા (ઉ.વ.૪૮)એ કાળુ ભોપાભાઈ (રહે, મૂળ તગડી, હાલ ખારી) નામના શખ્સ સામે બગદાણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમની વાડીમાંથી લોખંડના હથોડાની ચોરી થઈ હોય, તે હથોડી કાળુએ ચોરી કર્યાની શંકા હોય તેમજ સરપંચે જે લોકોએ ગામમાં ગૌચરણની જગ્યા વાળેલી તેને નોટિસની બજવણી કરવા ગયા ત્યારે બાલાભાઈની બાઈકનું બામ્બુ હાથો બનાવેલ તે ફરિયાદી ઓળખી જતાં કાળુને નોટિસ આપી હતી. થોડા સમય બાદ ફરિયાદી અને આરોપી કોઈ સ્થળે ભેગા થતાં કાળુને પૂછેલ કે, મારો હથોડો તમારી વાડીએ છે, તે તમારી પાસે કયાંથી આવ્યો ? બે વર્ષ પહેલા તે ચોરી થયો હતો. જે વાત કાળુને પસંદ ન પડતા ગતરોજ બાલાભાઈ ગામના પાદરમાં આવેલ ડેમમાં પૂજાના ફૂલ પધરાવવા માટે ગયા હતા. એ સમયે કાળુએ લાકડી લઈ આવી ગાળો બોલી આધેડને માર મારી લોહિયાળ ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં આધેડને ઈજા થતાં સારવાર માટે મહુવા હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ અંગે બગદાણા પોલીસે ગુનો નોંધી નાસી છૂટેલા શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.