ધંધુકાના રાણપુર રોડ પરથી વિદેશી દારૃ, બિયર ભરેલી કાર સાથે શખ્સની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં દારૃ ઘૂસ્યો છતાં સ્થાનિક પોલીસ ઊંઘતી રહી, એસએમસીએ મિશન પાર પાડયું
રાજસ્થાનના ઉદયપુરથી દારૃ ભર્યો, પાળિયાદના બુટલેગરને માલ પહોંચાડવાનો હતો ઃ પાંચ શખ્સ સામે ગુનો દાખલ
ધંધુકા - રાજસ્થાનથી પાળિયાદ લવાઈ રહેલ લાખો રૃપિયાની કિંમતનો વિદેશી દારૃ ભરેલી કારને એસએમસીએ ધંધુકા પાસેથી ઝડપી લીધી હતી. આ દારૃનો જથ્થો રાજસ્થાનના બુટલેગરોએ મોકલ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ગુજરાતમાં દારૃબંધી હોવા છતાં સ્થાનિક પોલીસની હપ્તા વસૂલીના કારણે અન્ય રાજ્યોમાંથી બિંદાસ્ત રીતે વિલાયતી દારૃ ઘૂસાડવામાં આવતો હોવાની ઘટનાઓ અસંખ્ય વખત સામે આવતી રહે છે. જેમાં વધુ એક ઉમેરો કરતો બનાવ ધંધુકા પાસે સામે આવ્યો છે. રાજસ્થાનના ઉદયપુરથી એક ક્રેટા કારમાં દારૃ-બિયરનો મસમોટો જથ્થો પાળિયાદના બુટલેગરને પહોંચાડવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રવિવારે મોડીસાંજના સમયે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ફૂલપ્રૂફ પ્લાન સાથે ધંધુકાના રાણપુર રોડ પર કેથોલિક હોસ્ટેલની સામે વોચ ગોઠવી હતી. દારૃની ખેપ લઈને આવતી કાર નાસી ન જાય તે માટે ખાનગી વાહનોનો પણ અવરોધ ઉભો કરવાનું આયોજન કર્યું હતું. દરમિયાનમાં બાતમીવાળી ક્ટ્રા કાર નં.જીજે.૧૮.બીપી.૨૮૦૩ ત્યાંથી પસાર થતાં તેને રોકી પ્રાથમિક પૂછતાછ બાદ ધંધુકા પોલીસ મથકે લઈ જઈ તપાસ કરવામાં આવતા વિદેશી દારૃ-બિયરની બોટલ નં.૧૩૯૦ (કિ.રૃા.૪,૬૫,૧૦૦)નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી એસએમસીએ દારૃ-બિયરનો જથ્થો, એક મોબાઈલ ફોન, રોકડ, કપઢું અને કાર મળી કુલ રૃા.૧૦,૭૦,૨૭૦ના મુદ્દામાલ સાથે કારચાલક કિશોરસિંહ પરવતસિંહ રાઠોડ (રહે, ભાવાવતવાડા, વોર્ડ નં.૩, મકાન નં.૩, ગલી નં.૨, ડાંગીવાડા ડાલ ગામ, જિ. સલુમ્બર ઈસ્ટ, રાજસ્થાન) નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ કરતા આ દારૃ-બિયરનો જથ્થો મુકેશ પનાલાલ કલાલ અને જયપાલસિંહ નામના શખ્સોએ કારમાં ભરી આપી તેના માણસ મારફત ઉદયપુર હાઈવે પર કાર પહોંચાડી હતી અને દારૃનો જથ્થો ગુજરાતમાં વાયા અમદાવાદ, ધંધુકા થઈ પાળિયાદ પહોંચાડવાનો હોવાની હકીકત જણાવી હતી. જેના આધારે એસએમસીના હે.કો. જે.વી.ઝાલાએ કિશોર રાઠોડ, મુકેશ કલાલ (રહે, કરાવલી, જિ.સલુમ્બર, રાજસ્થાન), જયપાલસિંહ (રહે, દેવગઢ, જિ.ઉદેપુર) અને બે અજાણ્યા શખ્સો સામે ધંધુકા પોલીસમાં પ્રોહિ. એક્ટની કલમ ૬૫ (એ), ૬૫ (ઈ), ૧૧૬-બી, ૮૧, ૮૩, ૯૮ (ર) મુજબ ફરિયાદ દાખલ કરાવતા આગળની તપાસ પીઆઈ એચ.સી.ગોહિલે હાથ ધરી છે.
લઠ્ઠાકાંડના કારણે થોડો સમય દારૃ મોકલવાનું બંધ કર્યું હતું
ક્રેટા કારમાં લાખો રૃપિયાની કિંમતના દારૃ-બિયર સાથે ઝડપાયેલા કિશોર રાઠોડ નામના શખ્સની પૂછતાછમાં જણાવ્યું હતું કે, રાજસ્થાનના બુટલેગરો મુકેશ કલાલ અને જયપાલસિંહ રાજસ્થાનથી ગુજરાતમાં અંગ્રેજી દારૃનો જથ્થો મોકલવાનો ધંધો કરે છે. આ બન્ને શખ્સોએ ગુજરાતમાં લઠ્ઠાકાંડ થતાં થોડો સમય માટે ધંધો બંધ કરી દીધો હતો અને ગઈકાલે રવિવારે પ્રથમ ખેપ મોકલી ત્યાં જ દારૃ-બિયરનો જથ્થો પોલીસે પકડી પાડયો હતો.
શખ્સને એક ખેપના આઠ હજાર મળવાના હતા
રાજસ્થાનના બુટલેગરોએ ગુજરાતમાં દારૃ ઘૂસાડવા માટે ડ્રાઈવરોની શોધ કરી કિશોરસિંહ રાઠોડને ત્રણેક માસ પહેલા ઉદયપુર મળી તને એક ટ્રીપના ૪ હજાર પગાર અને માલ પહોંચી ગયા બાદ બક્ષીસ પેટે ૪ હજાર મળી ૮ હજાર આપવાની લાલચ આપી હતી. જેથી શખ્સ દારૃ ભરેલી કાર ગુજરાતના પાળિયાદ લાવવા નીકળ્યો હતો. દારૃની ખેપ લઈને આવતા શખ્સ કિશોર સામે અગાઉ સુરેન્દ્રનગરના પાટડી અને ગાંધીનગરના કલોલ પોલીસ મથમાં પણ ગુના દાખલ થયેલા છે.




