પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરીના નામે રૃ. ૪ લાખની છેતરપિંડી આચરનાર શખ્સ ઝબ્બે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઠગભગતના બે દિવસના રિમાન્ડ મંજૂર
પાલીતાણાના હીરા ઘસતા યુવકને બોગસ એપોઇન્ટમેન્ટ લેટર પધરાવી લાખો રૃપિયા પડાવી લીધા
ભાવનગર - સરકારી નોકરી મેળવવાની ઘેલછામાં વધુ એક યુવક ઠગાઈનો ભોગ બન્યો છે. પાલીતાણામાં હીરા ઘસવાનું કામ કરતા યુવક સાથે પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને રૃ. ૪ લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે પાલીતાણા ટાઉન પોલીસે એક શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પાલીતાણામાં આવેલ હવા મહેલના બનેલા ક્વાર્ટરમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા અમીતભાઇ ગેમલભાઈ જાડેજા વીજળીની એક દુકાને બેસવા જતા હતા ત્યારે પ્રદિપ કિરીટસિંહ ઝાલા (રહે. પાલીતાણા) નામના યુવકે પોતાના ઉચ્ચ સ્તરે સારા સંબંધો હોવાનું કહી પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી. નોકરી મેળવવા માટે કુલ રૃ. ૬ લાખની માંગણી કરાઈ હતી, જેમાંથી રૃ. ૪ લાખ અગાઉથી ચૂકવવાનું નક્કી થયું હતું. અમીતભાઇએ ઓનલાઈન ગુગલ-પે અને રોકડ માધ્યમથી તા. ૨૩ મે ૨૦૨૪ થી અલગ-અલગ તારીખોમાં રૃ. ૪ લાખ પ્રદિપને આપ્યા હતા.ત્યારબાદ પ્રદિપે અમીતભાઇને ભાવનગર પોસ્ટ ઓફિસે લઈ ગયો હતો, જ્યાં બળદેવ રમેશભાઇ રાઠોડ (રહે. દિહોર, તા. તળાજા) નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવી હતી. બળદેવએ પોતાને સાહેબ તરીકે ઓળખાવી અમીતને પાલીતાણા પોસ્ટ ઓફિસ ખાતે હાજર થવા માટેનો એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો.અમીતભાઇ જ્યારે આ એપોઇન્ટમેન્ટ લેટર લઈને પાલીતાણા પોસ્ટ ઓફિસે હાજર થવા ગયા, ત્યારે ત્યાના અધિકારીઓએ આ લેટર સંપૂર્ણપણે ખોટો અને બનાવટી હોવાનું જણાવ્યું હતું. છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં અમીતભાઇએ પોતાના નાણાં પરત માંગ્યા હતા, પરંતુ બંને શખ્સે બહાના બતાવી પૈસા પરત આપ્યા ન હતા.આ મામલે પાલીતાણા ટાઉન પોલીસે પ્રદિપ ઝાલા નામના શખ્સની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.




