ભાવનગરમાં મોડી રાત્રે વેપારીને છરી બતાવી રૃા.બે લાખની ખંડણી માંગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૪ માથાભારે શખ્સો સામે ગુનો દાખલ
મેટર પતાવવાના બે લાખ નહી આપતા વેપારી પાસેથી બળજબરીથી રૃા.૧૦ હજાર પડાવ્યા, જાનથી મારી નાખવાની ધમકી આપી
ભાવનગર - શહેરના ઘોઘારોડ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં મોડી રાત્રે એક ભયાનક તોડબાજી અને ખંડણીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આઈસ્ક્રીમ તથા જ્યુસ મશીન બનાવવાનો વેપાર કરતા વેપારી પાસે રૃા.બે લાખની ખંડણી માંગી, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરીથી રૃા.૧૦,૦૦૦ કઢાવી લીધા હતા.
ગઈકાલે મોડી રાત્રે અંદાજે ૧૨ઃ૫૨ વાગ્યે શિશુવિહાર વિસ્તારમાં રહેતા વેપારી સેજાદભાઈ સલીમભાઈ લાખાણીને ઈર્ષાદ ઉર્ફે બાદશાહ યુનુસભાઈ શેખ નામના માથાભારે શખ્સે ફોન કરી રૃબરૃ મળવા દબાણ કર્યું હતું. માથાભારે હોવાથી ડરેલા વેપારી પોતાના ઘરને લોક મારીને નીચે રોડ પર આવ્યા હતા. આ દરમિયાન જ ઈર્ષાદ બાદશાહ તથા આદીલ બાદશાહ સ્કૂટર પર આવી પહોંચ્યા હતા. ઈર્ષાદે 'સમીમબાનુ ડોને મને કહેલ કે તે મને ગાળો દીધેલ છે' કહી સમીમબાનુ ડોન સાથે ફોનમાં વાત કરી મામલો પતાવવા માટે તુરંત રૃા. બે લાખની ખંડણી માંગી હતી. વેપારીએ પૈસા આપવાની ના પાડતાં બંને શખ્સે ઉશ્કેરાઈને છરીઓ કાઢી જાનથી મારી નાખવાની બીક બતાવી હતી. તે જ સમયે અન્ય બે સાગરીતો મહમદ અસબલ બાતવીલ અને મયુદીન કાઝી પણ આવી પહોંચ્યા હતા અને ચારેય શખ્સે વેપારી તથા તેમના પરિવારને પૂરા કરી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ વેપારી ચાલીને પોતાના માતા-પિતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ચારેયએ પાછળથી આવી તેમને રસ્તામાં રોક્યા હતા. ઈર્ષાદે ફરી છરી બતાવી મારી નાખવાની ધમકી આપી વેપારી પાસેથી બળજબરીથી રૃા.૧૦,૦૦૦ પડાવી લીધા હતા. આ મામલે ઘોઘારોડ પોલીસે ઈર્ષાદ બાદશાહ, આદીલ બાદશાહ, મહમદ અસબલ અને મયુદીન કાઝી વિરુદ્ધ બી.એન.એસ. અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.









