Bhavnagar

હર.. હર.. મહાદેવ.. ઃ સમુદ્રમાં ભક્તોનો મહાસાગર, હજ્જારો ભાવિકો નિષ્કલંક થયા

By GS Team
12 Sep 20263 mins read
TukuTouch Logo
ભાવનગરના કોળિયાકમાં ભાદરવી અમાસે શ્રાવણ માસના સમાપન નિમિત્તે નિષ્કલંક મહાદેવ મંદિરે ભવ્ય લોકમેળો ભરાયો હતો. 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સમુદ્રસ્નાન કરી શિવપૂજન કર્યું. ગોહિલવાડના શિવાલયો દીપમાળાથી ઝળહળી ઉઠ્યા હતા. 108 કિલો ચુરમાના શિવલિંગે ભાવિકોમાં આકર્ષણ જમાવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

હર.. હર.. મહાદેવ.. ઃ સમુદ્રમાં ભક્તોનો મહાસાગર, હજ્જારો ભાવિકો નિષ્કલંક થયા

ભાદરવી અમાસે શિવપૂજા, પિતૃપૂજા અર્ચનાથી ગોહિલવાડ ધાર્મિકમય માહોલના રંગે રંગાયું

શ્રાવણ માસના અંતિમ દિવસે દીપમાળાથી શિવાલયો ઝળહળી ઉઠયાં, ભાદરવી અમાસના લોકમેળામાં હૈયે હૈયું દળાય તેટલો માનવ મહેરામણ ઉમટી પડયો

ભાવનગર -  દેવાધિદેવ મહાદેવની આરાધનાના પવિત્ર શ્રાવણ માસનું શુક્રવારે શિવપૂજા, પિતૃપૂજા સાથે સમાપન થયું છે. ભાદરવી અમાસના મહાપર્વે ગોહિલવાડના શિવાલયો મનોહરદીપમાળાથી ઝળહળી ઉઠયાં હતા.આ મહાપર્વે કોળિયાક સ્થિત નિષ્કલંક મહાદેવજીના સાંનિધ્યમાં પરંપરાગત રીતે ભરાયેલા લોકમેળામાં આશરે એક લાખથી વધુ શ્રધ્ધાળુઓએ ઉમટી પડી શિવપૂજન સાથે પાવનકારી-પવિત્ર સ્નાન સમુદ્ર સ્નાન કરી નિષ્કલંક થયા હતા.

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસ ભાદરવી અમાસના મહાપર્વે શિવપૂજા તેમજ પિતૃપુજાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. આજના દિવસે શિવપૂજા અને  પિતૃપુજા માટે સર્વોત્તમ દિવસ ગણાવાયો છે. શિવ મંદિરે દર્શનાર્થે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયાં હતા. ભાદરવી અમાસના પર્વે શહેરના આખલોલ જકાતનાકા તેમજ કોળિયાકમાં નિષ્કલંક મહાદેવ, નાના અને મોટા ગોપનાથ, સિહોરમાં બ્રહ્મકુંડ, તળાજાના દકાના ખાતે શેત્રુંજી નદીના તે ત્રિવેણી મહાદેવ મંદિર સહિતના ધર્મસ્થાનકોના પરિસરમાં ભાતીગળ લોકમેળાની રંગત જામી હતી.કોળિયાક પાસેના પુરાણપ્રસિધ્ધ નિષ્કલંક મહાદેવના મંદિરે ભાદરવી અમાસનો પરંપરાગત લોકમેળો યોજાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ વદ ચૌદશ અને અમાસના દિવસોમાં સમુદ્રકિનારે ભાતીગળ લોકમેળો ભરાયો હતો. ભાદરવી અમાસની વહેલી સવારે સમુદ્રમાં ઓટ આવતા જ નિષ્કલંક મહાદેવના દર્શન કરવાનો અનન્ય મહિમા હોવાથી ભાવિકો બહોળી સંખ્યામાં આગલા દિવસની સાંજથી ઉમટી પડયા હતા અને આખી રાત લોકમેળાની મન મુકીને મોજ માણી હતી. આ મેળામાં વિવિધ વેશભૂષામાં ભાતીગળ લોકસંસ્કૃતિની ઝાંખી થઈ હતી. ભાદરવી અમાસે પ્રાંત કાળે નિષ્કલંક મહાદેવજીનેે શાસ્ત્રોક્ત વિધિ સાથે બાવન ગજની રાજવી પરિવારની ધ્વજાનું આરોહણ થયા બાદ  સમુદ્રસ્નાન આમ જનતા માટે ખુલ્લું મુકતાની સાથે જ આખી રાત દરિયાકાંઠે આતૂરતાથી રાહ જોતા હજારો ભાવિકોએ મહાદેવની પૂજા અને પવિત્ર સમુદ્રસ્નાન કરવા માટે રીતસરની દોટ મૂકી હતી. જેના કારણે નિષ્કલંક મહાદેવજીનો સમુદ્ર ભક્તોના મહાસાગરથી ઉભરાયો હતો. દિવસ દરમિયાન દોઢેક લાખથી વધુ શ્રધ્ધાળુઓએ હર.. હર.. મહાદેવના જયઘોષ સાથે સમુદ્ર સ્નાન અને મહાદેવજીનું પૂજન અર્ચન કર્યુ હતુ. શુક્રવારે આખો દિવસ કોળિયાક તરફ ભાવિકોનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો હતો. લોકમેળાના આયોજનને અનુલક્ષીને વહિવટી તંત્ર દ્વારા પોલીસ, હોમગાર્ડઝ, આરોગ્ય વિભાગની ટીમ, સ્થાનિક ગ્રામ પંચાયતની ટીમ વગેરે સ્ટાફ ખડેપગે રહ્યો હતો.  એસ.ટી. બસની વ્યવસ્થા ઉપરાંત ટગબોટ, તરવૈયાઓની ટૂંકડી તૈનાત રહી હતી. શ્રધ્ધાળુઓ માટે રાઉન્ડ ધ કલોક કન્ટ્રોલ રૃમ કાર્યરત રહ્યો હતો.

કોળીયાકના માર્ગો પદયાત્રિકોથી છલકાયા

ભાદરવી અમાસે પગપાળા ધર્મસ્થાનકોની યાત્રા કરવાનું મહાત્મ્ય વિશેષ હોય શહેરના શિવાજી સર્કલ, ઘોઘા રોડ સહિતના માર્ગો પર ગુરૃવારે મોડી સાંજથી જ અસંંખ્ય પદયાત્રિકોના નાના-મોટા સમૂહ કોળિયાક તરફ ભકિતગીતોની રમઝટ બોલાવતા પદયાત્રાએ જવા નીકળતા જોવા મળ્યા હતા. શ્રધ્ધા, ભકિત અને સેવાભાવના મહાસંગમ સમાન આ તીર્થના પદયાત્રિકો માટે માર્ગમાં અનેક સ્થળોએ ઠંડાપાણી, શરબત અને પ્રસાદીના સેવાકેમ્પનો સ્થાનિક સેવાભાવીઓ દ્વારા પ્રબંધ કરાયો હતો.

શહેરમાં ૧૦૮ કિલો ચુરમાના વિરાટ શિવલીંગે આકર્ષણ જમાવ્યું

ભાદરવી અમાસના મહાપર્વે શહેરના સંસ્કાર મંડળ નજીક આવેલા પૌરાણિક ખાંડિયા કુવા ખોડીયાર માતાજીના મંદિરે પરંપરાગત રીતે ૧૦૮ કિલો ચુરમાના વિરાટ શિવલીંગના દર્શન શ્રધ્ધાળુઓ માટે ખુલ્લા મુકાયા હતા. સેવક સમુદાય દ્વારા આયોજિત આ લાડવા મહાદેવ ભાવિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દિવસ દરમિયાન હજજારો આબાલવૃધ્ધ ભાવિકોએ આ મહાદેવના દર્શન,પૂજન કરીને ધન્યતા અનુભવી હતી.