કાલે યાત્રાધામ બગદાણામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ, દોઢેક લાખ ભાવિકો ઉમટશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વહેલી સવારે મંગળા આરતી સાથે ધાર્મિક અને પરંપરાગત કાર્યક્રમોનો આરંભ થશે
૧૨ હજારથી વધુ ભાઈઓ અને ૨૫ હજારથી વધુ સ્વયંસેવક બહેનો ખડેપગે સેવા બજાવશે, તૈયારીઓને અપાઈ રહેલો આખરી ઓપ
કુંઢેલી - ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા ગુરુઆશ્રમમાં આગામી ૨૯મી જુલાઈને બુધવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે બાપાના ચરણોમાં શિશ નમાવવા આશરે દોઢેક લાખ ભાવિકો ઉમટી પડશે.
આગામી અષાઢી પૂનમના રોજ બગદાણા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી વહેલી સવારે મંગળા આરતી સાથે શરૃ થશે. ત્યારબાદ ધાર્મિક અને પરંપરાગત કાર્યક્રમો યોજાશે. ધ્વજાપૂજન અને ધ્વજારોહત પછી મહા રાજભોગ આરતી અને ગુરુપૂજન કરાશે. ગુરુપૂર્ણિમા મહોત્સવને લઈ તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ અવસરે ૪૬૪ ગામના સ્વયંસેવક મંડળોના આશરે ૧૨,૩૦૦ ભાઈઓ અને ૮૮૦ ગામના સ્વયંસેવક મંડળોના આશરે ૨૫,૧૦૫ બહેનો ખડેપગે રહી ચા-પાણી, દર્શન, પાર્કિંગ, સુરક્ષા અને ભોજનશાળા ઉપરાંત પરિસરની સાફ સફાઈ વગેરે વિભાગોમાં સેવા બજાવશે.
બગદાણામાં ગુરુપૂર્ણિમા ઉત્સવને લઈ મહુવા એસડીએમના અધ્યક્ષ સ્થાને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને ગુરૃઆશ્રમના ટ્રસ્ટીઓ, મેનેજર સાથે આગોતરી બેઠક યોજવામાં આવી હતી. પોલીસ વિભાગ તરફથી ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે. બન્ને દિશામાં અલગ-અલગ ચાર પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાશે. જેમાં ઠાડચ-ઠળિયા તરફથી આવતા વાહનો માટે ભગુડા ચોકડી અને હાઈસ્કૂલની વાડી તેમજ મહુવા, જેસર તરફથી આવતા વાહનો માટે વિદ્યાગ્રામ (પોલીસ સ્ટેશનની બાજુમાં), હનુમંત વાડી ખાતે પાર્કિંગની વ્યવસ્થા રહેશે. ગુરુપૂર્ણિમા મહોત્સવમાં ભાવનગર ઉપરાંત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી આશરે દોઢેક લાખ ભાવિક ભક્તજનો જોડાશે. ગુરુઆશ્રમ સ્થિત ગાદી મંદિર, નૂતન મંદિર અને અન્ય મંદિરો, સમગ્ર પરિસરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે.
૧૫ હજાર કિલો લાડવાનો મહાપ્રસાદ પીરસવામાં આવશે
બગદાણામાં ગુરુપૂર્ણિમાના પાવન અવસરે આશરે દોઢ લાખ ભક્તો દર્શનાર્થે પહોંચે તેવી ધારણાં છે. આ તમામ ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં ૧૫,૦૦૦ કિલો લાડવા, ૭,૫૦૦ કિલો ગાંઠિયા, ૭,૫૦૦ કિલો રોટલી, ૧૨,૦૦૦ કિલો શાકભાજી, ૩,૦૦૦ કિલો દાળ અને ૪,૫૦૦ કિલો ભાત તૈયાર કરી પીરસવામાં આવશે.









