રાજુલા નજીક ટ્રેક પર સિંહ દેખાતાં માલગાડી રોકી, લોકોપાયલટની સતર્કતાથી સંભવિત અકસ્માત ટળ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Lion on Railway Track: ભાવનગર ડિવિઝનના રાજુલા સિટી–રાજુલા જંકશન રેલખંડ પર મંગળવારે (આઠમી સપ્ટેમ્બર) સિંહ રેલવે ટ્રેક પાર કરતો જોવા મળતાં માલગાડીના લોકોપાયલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી દીધી હતી. લોકોપાયલટની સતર્કતા અને ત્વરિત નિર્ણયના કારણે સિંહ સંભવિત રેલ અકસ્માતનો ભોગ બનતા બચી ગયો હતો.
સિંહને રેલવે ટ્રેક પરથી સુરક્ષિત રીતે દૂર કર્યો
આઠમી સપ્ટેમ્બરના રોજ માલગાડીના લોકોપાયલટ રિકેશકુમાર ભાટિયા અને સહાયક લોકોપાયલટ કૈલાશ કુમાવતને ટ્રેક પર સિંહ દેખાયો હતો. બંનેએ પરિસ્થિતિને તાત્કાલિક ઓળખી ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત રીતે રોકી દીધી હતી. ટ્રેન રોકાયા બાદ લોકોપાયલટે ટ્રેન મેનેજર તથા રાજુલા સિટીના ઉપ સ્ટેશન અધિક્ષકને ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતાં વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સિંહને રેલવે ટ્રેક પરથી સુરક્ષિત રીતે દૂર કર્યો હતો. ત્યારબાદ પરિસ્થિતિ સામાન્ય થતાં માલગાડીને સાવચેતીપૂર્વક ગંતવ્ય તરફ રવાના કરવામાં આવી હતી.
ત્રણ વર્ષમાં 353 સિંહોને બચાવ્યા
ભાવનગર ડિવિઝનમાં રેલવે અને વન વિભાગના સંકલન તથા લોકોપાયલટોની સતત સતર્કતાના કારણે અનેક સિંહોને સંભવિત રેલ અકસ્માતોથી બચાવવામાં આવ્યા છે. સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, વર્ષ 2024-25માં 159, 2025-26માં 129 અને ચાલુ વર્ષ 2026-27માં એપ્રિલથી અત્યાર સુધી 65 સિંહોને સુરક્ષિત બચાવવામાં આવ્યા છે. એટલે કે ત્રણ વર્ષના સમયગાળામાં કુલ 353 સિંહોને સંભવિત રેલ અકસ્માતથી બચાવવામાં આવ્યા છે.
વન્યજીવ વિસ્તારમાં ટ્રેનોની ગતિ પર ખાસ નજર
ભાવનગર ડિવિઝન દ્વારા સિંહોના સંરક્ષણને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વન્યજીવ વિસ્તારોમાં ટ્રેનોનું સંચાલન નિર્ધારિત ગતિ મર્યાદા અને વિશેષ સાવચેતી સાથે કરવામાં આવે છે. ડિવિઝન દ્વારા લોકો પાઇલટોને આવા વિસ્તારોમાં સતત સાવચેતી રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે. રેલવે અને વન વિભાગના સંકલિત પ્રયાસોથી સિંહો સહિત અન્ય વન્યજીવોની સુરક્ષા માટે કામગીરી સતત કરવામાં આવી રહી છે.




