Bhavnagar

રાણપુર અને ધંધુકા પંથકના ચાર ખનન માફિયાને સાત વર્ષની સજા

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
ભાવનગર: રાણપુરના દેવળિયા ગામે ખાણ ખનીજ વિભાગની ટીમને મારી નાંખવાની ધમકી આપી સરકારી ફરજમાં રૂકાવટ કરનાર 4 ખનન માફિયાઓને કોર્ટે 7 વર્ષની સાદી કેદ અને દંડ ફટકાર્યો છે. બોટાદના એડીશનલ સેશન્સ જજ જે.કે. પ્રજાપતિએ આ ચુકાદો આપ્યો. આરોપીઓ દંડ ન ભરે તો વધુ સજા ભોગવવી પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાણપુર અને ધંધુકા પંથકના ચાર ખનન માફિયાને સાત વર્ષની સજા

મારી નાંખવાની ધમકી આપી સરકારી ફરજમાં રૃકાવટ કરી હતી

આરોપીઓ દંડની રકમ ન ભરે તો વધુ સાદી કેદની સજા ભોગવવા કોર્ટનો હુકમ

ભાવનગર -  રાણપુર તાલુકાના દેવળિયા ગામે ખાણખનીજ વિભાગની ટીમને જાનથી મારી નાંખવાની ધમકી આપી સરકારી ફરજમાં રૃકાવટ કરનાર રાણપુર અને ધંધુકા પંથકના ચાર ખનન માફિયાઓને સાત વર્ષની સજા અને રોકડ રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રાણપુર તાલુકાના દેવળિયા ગામે ભાદર નદીના પટમાંથી કેટલાક શખ્સો સાદી રેતની ચોરી કરતા હોવાની બાતમીના આધારે ગત તા.૧૩-૦૩-૨૦૨૨ના રોજ બોટાદ ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેક્ટર, માઈન્સ સુપરવાઈઝર, સર્વેયર સહિતની ટીમ ત્રાટકી હતી. ત્યારે નંબર પ્લેટ વિનાનું લોડર તેમજ નદીમાંથી ખોદકામ કરી રેતી ભરેલું ટ્રેક્ટર નં.જીજે.૩૩.બી.૫૩૩૫ મળી આવતા ખાણ ખનીજ વિભાગની ટીમે બન્ને વાહનના ડ્રાઈવરો પાસે ખનીજ ખોદવાની પરમીશન માંગતા કોઈ પરમીશન ન હોવાનું જણાયું હતું. જેથી ખાણ ખનીજ વિભાગની ટીમે આગળની જરૃરી કાર્યવાહી શરૃ કરતા આ સમયે બે શખ્સે આવી વાહનો પોલીસ સ્ટેશને નથી લઈ જવાના, બીજી વાર નદીમાં આવશો તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી વાહનો લઈ નાસી જઈ સરકારી ફરજમાં રૃકાવટ કરી હતી.

આ બનાવ અંગે રોયલ્ટી ઈન્સ્પેક્ટર સંજયભાઈ સુંદરજીભાઈ બારૈયાએ હકુ ભીખાભાઈ બામ્બા (રહે, ગઢિયા, તા.રાણપુર), પ્રકાશ ઘનશ્યામભાઈ દોદરિયા, ગોવિંદ જાગાભાઈ ગાંગડિયામીર (રહે, બન્ને પાટણા) અને મેરૃ ઉર્ફે રમેશ ગંભુભાઈ અંબાળિયા (રહે, રોજકા, તા.ધંધુકા) નામના શખ્સો સામે રાણપુર પોલીસમાં આઈપીસી ૩૭૯, ૧૮૬, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪, માઈન્સ એન્ડ મીનરલ (ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટની કલમ ૪ (૧), ૪ (૧) (એ), ૨૧, ગુજરાત મીનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનીંગ ટ્રાન્સપોટેશન એન્ડ સ્ટોરેજ) રૃલ્સ ૨૦૧૭ની કલમ ૩, ૧૨ હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ બોટાદના એડીશનલ સેશન્સ જજ તથા સ્પે. જજ જે.કે. પ્રજાપતિની કોર્ટમાં ચાલી જતાં વિદ્વાન પી.પી. કે.એમ. મકવાણાની ધારદાર દલીલો, રજૂઆતોને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ જે.કે. પ્રજાપતિએ ચારેય આરોપી હકુ બામ્બા, પ્રકાશ દોદરિયા, ગોવિંદ ગાંગડિયામીર અને મેરૃ ઉર્ફે રમેશ અંબાળિયાને તકસીરવાન ઠેરવી સાત વર્ષ સાદી કેદની સજા, રોકડ રકમનો દંડ અને જો દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ સાદી કેદ ભોગવવા હુકમ કર્યો છે.