Bhavnagar

VIDEO| ભાવનગર નકલી દારૂકાંડ: સારવાર દરમિયાન વધુ 3 દર્દીના મોત, કુલ મૃત્યુઆંક વધીને 11 થયો, 16 હજુ હોસ્પિટલમાં!

By GS Team
22 Aug 20263 mins read
TukuTouch Logo
ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી હાહાકાર મચી ગયો છે. શનિવારે વધુ 3 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 11 પર પહોંચ્યો છે. કુલ 61 લોકોની તબિયત લથડી છે, જેમાં 10ની હાલત ગંભીર છે. પોલીસે 21 આરોપીઓ સામે ગુનો નોંધી 13ની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી 'રઈશ'ને 31 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મળ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ કેસની તપાસ ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| ભાવનગર નકલી દારૂકાંડ: સારવાર દરમિયાન વધુ 3 દર્દીના મોત, કુલ મૃત્યુઆંક વધીને 11 થયો, 16 હજુ હોસ્પિટલમાં!

Bhavnagar Fake Liquor Case: ભાવનગર નકલી દારૂકાંડમાં અત્યારસુધીમાં 61 જેટલાં લોકોનું ઝેરી દારૂ પીવાથી સ્વાસ્થ્ય બગડ્યું હોવાનું જણાય છે. જેમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા 16 વ્યક્તિ માંથી 10ની હાલત અત્યંત ગંભીર છે. આ દરમિયાન ભાવનગરથી સુરત આવેલા બ્રેઈનડેડ સંજયસિંહ ડોડિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, ત્યારે શનિવારે(22 ઓગસ્ટ) વધુ ત્રણ દર્દીના મોત થતાં મૃત્યુઆંક 11 થયો છે. બીજી તરફ, કેસની ગંભીરતાને પગલે પોલીસે મુખ્ય આરોપી સહિત કુલ 21 શખસો સામે ગુના નોંધી 13 આરોપીઓની ધરપકડ કરી છે.

ભાવનગર નકલી દારૂકાંડ: સારવાર દરમિયાન વધુ 3 દર્દીના મોત

ભાવનગરમાં ઝેરી દારૂ પીવાના કારણે લોકોના મોતનો આંકડો વધી રહ્યો છે, ત્યારે શનિવારે(22 ઓગસ્ટ) સવારે સર ટી. હોસ્પિટલમાં હાર્દિક હરેશ કિલજી(ઉં.વ.35)નું દારૂ પીધાના પાંચમા દિવસે સારવાર દરમિયાન મોત નીપજ્યું. જ્યારે ઘોઘા રોડ ખાતે રહેતા અને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અવિનાશ પરમારનું પણ મોત થયું છે.

બ્રેઈનડેડ યુવાનનું હૃદય બંધ થતાં મોત

આ ઉપરાંત, મૂળ ભાવનગરના પાલિયાદના વતની અને સુરતના અઠવા લાઈન્સ ખાતેની કોલેજમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સંજયસિંહ ડોડિયા(ઉં.વ.37) દારૂ પીધા બાદ તબિયત લથડી હતી. જેમાં સંજયસિંહની તબિયત અત્યંત નાજુક થતાં ભટોદરા ખાતેની હોસ્પિટલમાં બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. તેવામાં 22 ઓગસ્ટે અચાનક જ હૃદય બંધ થતાં ડૉક્ટરે સંજયસિંહને મૃત જાહેર કર્યો છે.

21 આરોપીઓ સામે ગુના નોંધાયા

મળતી માહિતી અનુસાર, ભાવનગર નકલી દારૂકાંડ મામલે પોલીસે 21 આરોપીઓ સામે ગુના નોંધી 13 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની તપાસના આધારે આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે અને કેટલાક આરોપીઓ સામે અન્ય ગુનાઓ પણ નોંધાયા છે. આ ઘટનાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી છે.

મુખ્ય આરોપી ‘રઈશ’ 31મી ઓગસ્ટ સુધી રિમાન્ડ પર

એસએમસીની ટીમે નકલી દારૂકાંડના મુખ્ય આરોપી ‘રઈશ’ને પોલીસ બંદોબસ્ત વચ્ચે 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના 31મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ, એસએમસી દ્વારા કરવામાં આવનાર તીક્ષ્ણ તપાસમાં આ ઝેરી દારૂ ક્યાંથી આવ્યો, કોના છત્રછાયા હેઠળ આ કાળો કારોબાર ફાલ્યો-ફૂલ્યો અને આ નકલી દારૂકાંડ પાછળ બીજા કયા મોટા માથાંઓ સંકળાયેલા છે તેવા અનેક ચોંકાવનારા ઘટસ્ફોટઓ થવાની પૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે.

Gujarat Samachar - 2026-08-21T191334.630.jpg

દારૂમાં મિથેનોલ એટલે ઝેર

પીવાના દારૂમાં મુખ્ય આલ્કોહોલ હોય છે. તેના બદલે અથવા તેની સાથે મિથેનોલ જેવા અયોગ્ય ઔદ્યોગિક આલ્કોહોલનો ઉપયોગ થાય ત્યારે જોખમ જીવલેણ બની શકે છે. મિથેનોલ શરીરમાં ગયા પછી એવા ઝેરી પદાર્થમાં પરિવર્તિત થાય છે જે ખાસ કરીને આંખ, મગજને ગંભીર રીતે અસર કરી શકે છે. પરિણામે દ્રષ્ટિ ગુમાવવાથી લઈને કોમા અને મૃત્યુ સુધીની સ્થિતિ ઊભી થઈ શકે છે. 2022ના બોટાદ-ધંધુકા વિસ્તારમાં બનેલી ઘટના ગુજરાતના ઈતિહાસની સૌથી ભયાનક લઠ્ઠાકાંડની ઘટનાઓમાંની એક બની. જેમાં લોકોને દારૂ હોવાનું માનીને પીવડાવવામાં આવેલા પ્રવાહીમાં 98.71થી 98.99 ટકા સુધી મેથાનોલ હોવાનું સામે આવ્યું હતું.